________________
મા અને દીકરો
જીરણ એવું ખોરડું છે. ભાંગ્યું એવું ગામ છે. ગામમાં જેટલાં સાજાં ઘર છે, એથી વધુ ભાંગેલાં ઘર છે.
ગામમાં જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓ જ સ્ત્રીઓ દેખાય છે : એમાં જેટલી સધવા છે, એથી વધુ વિધવા છે.
ગામમાં થોડાઘણા જે પુરુષો છે, એમાં પણ જેટલા જુવાન છે, એથી વૃદ્ધ ઘણા છે. માથે પળિયાં આવ્યાં છે. આંખે ઝાંખ વધી છે, મોંની ડાબલીમાં એક દાંત રહો નથી, કર્ણનગરી સાવ ઉજ્જડ છે. બોલે છે તો મોંમાંથી લાળ ટપકે છે !
ચોરે મરેલી ઘો જેવા ઘરડિયા સવારથી સાંજ સુધી પડ્યા રહે છે, અમલ આરોગે છે, ને જમની વાટ જુએ છે ! પણ જમરાજ પણ જાણે વાટ ચૂકી ગયો છે, આવતો જ નથી !
અવારનવાર એ આવી પણ જાય છે, પણ ઘરડાને બદલે જુવાનિયાને ઉપાડી જાય છે. મડાં માથે તો વીજળી પડતી નથી !
ગામ ભાંગતું જાય છે. ધંધો-ધાપો રહ્યો નથી. બે પૈસાનો જેની પાસે જીવ હતો, એનું થોડુંઘણું લૂંટારા લૂંટી ગયા છે; બાકીનું બાવા-જોગીને પહોંચી ગયું છે.
મા અને દીકરો ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org