SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અજબ ! જો આ તમારી વાત સત્ય હોય તો ખરેખર, એ પુરુષ અદ્ભુત હોવો જોઈએ.” અમે પણ, અમ સહુનો અંતર્યામી એ એક જ પુરુષશ્રેષ્ઠ છે, એ વાતને સાચી માનતાં નહોતાં. મૂંગો માણસ મિષ્ટાન્ન ખાય ને મનમાં ને મનમાં એની લહેજત માણે, એમ જ્યારથી અમે એ પુરુષને રણાંગણે સૂર્યદેવ સમો રાજતો જોયો ત્યારથી અમને એ પુરુષની મોહિની લાગી, ને ગૃહાંગણ-સગાંવહાલાં સહુ છાંડી અમે એની પાછળ નીકળી પડી. ત્યારથી કમળ ને ભ્રમરની પ્રીત અમે જીવવા લાગ્યાં.' રસિક નારી વાત કરતાં આનંદસમાધિ અનુભવી રહી. થોડી વારે એ આગળ બોલી : ‘દિવસે ભ્રમર ભલે ગમે ત્યાં ભમે, રાતે તો કમળની કેદમાં આવ્યા વિના ન જ રહે; આમ, પ્રેમનો આસ્વાદ અમે અંતરમાં જ છુપાવી બેઠાં હતાં. પ્રેમના વિષયમાં સ્ત્રી જેવું ઊંચા મનવાળું કોઈ બીજું કોઈ પ્રાણી નથી. પોતાનું સુખ અન્ય સમક્ષ પ્રગટ કરતાં અનુભૂત સુખથી પણ વધુ સુખાનંદ પ્રાપ્ત થાય છે. એક ઘેલીએ રોજ રાતે પોતાની સાથે રમવા આવતા પોતાના રસિયાની વાત પોતાના જેવી બીજી એક પ્રેમદીવાની સખીને કરી. વાત જો રસભરી હોય તો કહેનારને કહેતાં તૃપ્તિ થતી નથી, શ્રવણ કરનારને શ્રવણ કરતાં તૃપ્તિ થતી નથી! એ રસિયણે પોતાના રસિયાનાં અંગોપાંગનું કવિત્વભરી બાનીમાં વર્ણન કર્યું, હાવભાવની રજેરજની ચર્ચા કરી, વાર્તાવિનોદના પ્રકારની સર્વ વિશેષતાઓ કહી સંભળાવી.' વળી વાત કરનારી થોભી. એનું અંતર એમ ને એમ ઓળઘોળ થતું હતું. થોડી વારે એ બોલી : કહેનારી કહી રહી. પણ એ સાંભળી પેલી શ્રવણ કરનારીના અંતરમાં થયું કે, રે ! આવા જ અંગભંગવાળો પોતાનો સ્વામી છે, આવા જ હાવભાવ એ દાખવે છે; આ પ્રકારનો વાર્તાવિનોદ એ રચે છે. રખે ને રસિયો મને શ્રમિત અને સૂતેલી જાણી એને ત્યાં જતો ન હોય ! સંસારમાં કમલિનીને એક જ સૂર્યપુરુષ હોય છે, પણ સૂર્યપુરુષને તો અનેક કમલિનીઓ હોય છે. આજ તપાસ કરું.” બોલનારી થોભી. એનું વક્ષસ્થળ મનોરમ રીતે ઊછળી રહ્યું હતું. સુષેણ પણ એક નવી પ્રેમદીવાની સૃષ્ટિમાં પ્રવેશ્યો હોય એમ બેઠો હતો. પેલી સુંદરીએ વાત આગળ ચલાવી : ૧૩૮ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy