________________
બતાવ! પ્રભુ મહાવીરના સિદ્ધાન્તોને અણનમ નિશ્ચયપૂર્વક જીવનમાં ઉતારી, એમને અમર બનાવ ! ખાલી વાયડી વાતો ના કર.
આચારવિહોણાં ભાષણોથી કાંઈ વળે તેમ નથી. એવાં નિર્માલ્ય ભાષણો સાંભળી-સાંભળીને પ્રજા ત્રાસી ગઈ છે ! માટે લાંબા-પહોળા હાથ કરવા મૂકી દે અને એવું આચરણ કરી બતાવ કે તારું નિર્મળ ચરિત્ર જોઈ દુનિયા દંગ બની જાય !
કડક શિસ્ત કેળવ. જીવન-વિકાસમાં નડતર કરતી વાસનાઓ સામે બળવો પોકાર. વાસનાઓનો સમૂળગો નાશ કર ! આ તારા વિકાસના માર્ગમાં અન્તરાય કરનારને ઉખેડીને ફેંકી દે. જરા પણ ગભરાઈશ નહિ. કોઈથી અંજાતો નહિ. કોઈની શે'માં તણાતો નહિ ! જા ! એક પળની પણ વાર કર્યા વિના અહિંસા ને સત્યના સિદ્ધાન્તોને વિશ્વમાં વિકસાવવાના તારા આ મહાકાર્યમાં લાગી જા.
પણ યાદ રાખજે ! નૈતિક સંયમથી બરાબર કમર કસીને જ આ માર્ગે પ્રયાણ કરજે. સંયમમાં જરા પણ શિથિલતા ન પ્રવેશી જાય તે માટે પૂર્ણ કાળજી રાખજે. વાસનાઓ તારા પર વિજય ન મેળવી જાય તે માટે ચારિત્રની મજબૂત કિલ્લેબંધી કરીને, અવિરત જાગૃતિપૂર્વક જીવન-વિકાસના આ મહાપંથે વિહરજે.
વીજળીના ઝબકારા થાય કે વિપત્તિના વંટોળિયા વાય; બ્રહ્માંડના કાન ફોડી નાંખે એવા કડાકા-ભડાકા થાય કે પ્રલયના મેઘની ગર્જનાઓ થાય; તોય તારા નિશ્ચિત પંથને છોડીશ નહિ. નિશ્ચિત કરેલા ધ્યેયને પહોંચતા પહેલાં એક ડગલું પણ માર્ગથી ખસવું એ મહાપાપ છે. એ દિવ્ય સંદેશને ભૂલતો નહિ ! વિશ્વમાં એવી કોઈ શક્તિ નથી કે જે તારા નિશ્ચિત ધ્યેયથી તને ચલિત કરે; તારી વિરાટ શક્તિઓ જોઈ સાગર પણ તને માર્ગ આપશે !
આ કલ્પના નથી. વાકપટુતા કે લેખનકળા નથી; પણ કેવળ સત્ય છે, નક્કર છે, વાસ્તવિક છે. આવું બન્યું છે, બને છે અને બનશે. માત્ર શ્રદ્ધાની જ આવશ્યકતા છે. વિજયશ્રી આત્મશ્રદ્ધાવાન મહામાનવને જ વરે છે.
આ માર્ગમાં કાંટા પણ છે ને કીચડ પણ છે; કાંટાથી કંટાળી ન જવાય અને કીચડમાં ખૂપી ન જવાય તે માટે સચેત રહેજે. વિપત્તિના સમયમાં યાદ કરજે તારા આત્માની અનંત વિરાટ શક્તિઓને ! તારી વીર-ગર્જનાઓથી વિપત્તિઓ કંપી ઊઠશે, ઇંદ્રિયો ધ્રુજી ઊઠશે, વાસનાઓ બળીને ખાખ થશે, અંધકાર નાશ પામશે, અનંત પ્રકાશથી ઝળહળતો દીપક તારા પંથમાં પ્રકાશ પાથરશે અને પ્રકૃતિ મધુર સ્મિત કરી તારું સુસ્વાગતમ્ કરશે !
૧૧૬ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org