________________
વધારે નિર્મળ અને શુદ્ધ બને છે. સંતોનો પ્રેમ જોયો ? એમને માણસ ગમે તેમ સંભળાવે તોય તે અનુકંપાથી કહે છે : “બરાબર છે. તું હજુ નાનું બાળક છે. બાળકને વિવેક ન હોય; એ તો ધૂળ પણ મોંમાં નાખે. પણ મા એને ધૂળ ખાતો બચાવે છે. એ એને ઝૂંટવીને લઈ લે છે. તું બાળક છે એટલે આ ધૂળ જેવા શબ્દો તું મોંમાં ભરે છે. તેને બચાવવો જોઈએ.” આમ સંતો સહન કરીને પણ જગતને શાંતિ અને શીતળતા આપે છે.
માણસ જેમ પોતાની જાતને જોતો થાય તેમ તે વધારે અને વધારે ઉદાર અને ઊંચો થતો જાય. પૈસાદાર, પૈસા કમાય છે ત્યારે કેવો કઠોર હોય છે ! પણ એની માનવતા જાગે છે ત્યારે એ હજારોની અને લાખોની સખાવત કરે છે ને ? સામાન્ય માણસો, જે પાયધુનીથી અહીં સુધી પગપાળા ચાલીને આવે છે, તે પણ ભૂખ્યાને જોઈ પાવલી આપી દેવાના. જે પોતાની સગવડ માટે નથી ખર્ચતા, તે બીજાને આપે છે. માનવતા જાગે ત્યારે આવા સગુણો આવે અને થયેલી ભૂલો પર પશ્ચાત્તાપ થાય. આંખમાંથી આંસુ ટપકે અને સુધરવાની વૃત્તિ જાગે.
કલકત્તામાં સ્વરૂપ નામે એક સુખી માણસ હતો. તે સંગના કારણે મદિરાના વ્યસનમાં લપેટાઈ ગયો. પછી તો દારૂ વિના એને ચાલે જ નહિ. દારૂ એના જીવનનું મુખ્ય અંગ થઈ ગયું. એક દિવસ વર્ષોમાં એના બંગલાના કંપાઉન્ડની દીવાલમાં મોટું ગાબડું પડ્યું. એણે કડિયાને બોલાવ્યા અને કહ્યું : “તમારે આજે જ આ ગાબડું પૂરવાનું છે.” કડિયો કહે : “આજ તો હું વચનથી બીજે બંધાયેલો છું. કાલે આવીશ.” સ્વરૂપ કહે “ખરેખર, તું કાલે આવીશ ? ફરી નહિ જાય ?" કડિયાએ સરળ પણ સચોટ ઉત્તર વાળ્યો :
સાહેબ, શું આપ મને દારૂડિયો ધારો છો ? હું દારૂ નથી પીતો કે બોલીને ફરી જાઉં કે ભૂલી જાઉં...”
કડિયો તો ગયો પણ સ્વરૂપ એવા શબ્દો સાંભળી વિચાર કરતો થઈ ગયો. અરે, દારૂડિયાની આટલી હલકી છાપ ! એક કડિયાથી પણ હું હલકો ? શું વ્યસનને કારણે માણસ આટલો નીચો ઊતરી જાય છે ? – અને એ અંદર ગયો. દારૂની ઊંચામાં ઊંચી કીમતી બાટલીઓ હતી તે લાવીને ગટરમાં ફેંકી દીધી !
એ જ ક્ષણે એના મનમાં પ્રસન્નતાની એક લહેરખી આવી. એ હળવો હળવો થઈ ગયો. વ્યસનમુક્તિનો આ આનંદ છે.
માણસ પાપથી જ્યારે પાછો વળે છે ત્યારે જે સુખ એ અનુભવે છે, તે અપૂર્વ છે, કારણ કે તે પોતાના સહજ સ્વભાવ તરફ વળે છે; મળ અને મેલથી મુક્ત થાય છે.
ચાર સાધન - ૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org