________________
લાખ રૂપિયા મળવા જેટલા સરળ છે, તેટલા એ પચાવવા કે વાપરવા સહેલ નથી. તમે મેળવેલા રૂપિયાનો પણ તમારે સરકારને જવાબ આપવો પડે છે ને ? તમે એને ગમે તેમ વાપરી ન શકો. વિદ્યાનું પણ એમ જ છે.
જેટલું ભણ્યા હો તેટલું સારા માર્ગે કામ લાગે, તો સમજો કે એ સુકૃતનું છે. હાથમાં પેન લેતા તમારો આત્મા જો સાક્ષીપૂર્વક કહી શકે કે હું આ પેન વડે એવો અક્ષર નહીં લખું કે જેથી મારી સરસ્વતી લાજે; અક્ષર લખતાં લખતાં તો મારા જીવનને અ-ક્ષર એટલે કે શાશ્વત બનાવીશ, તો એ વિદ્યા સુંદર છે.
બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામે એક વિદ્વાન થઈ ગયા. કારણવશાત્ સ્ટેશન ઉપર કોઈની રાહ જોતા એ ઊભા હતા. એ જ વખતે ગાડીમાંથી એક યુવાન બનારસથી ભણીને ઘરે પાછો જવા ઊતર્યો. પાસે એક બૅગ હતી. પેલાએ ખાદીનાં જાડાં વસ્ત્રધારી ઈશ્વરચંદ્રજીને પૂછ્યું : “તમે મજૂર છો ?' જવાબ આપ્યા વગર તેમણે મૂંગા મોઢે બૅગ ઉપાડી લીધી.
માર્ગો અને ગલીઓ વટાવતાં, એ યુવાનનું ઘર આવ્યું. યુવાને ઘરમાં બૅગ મુકાવી પૂછ્યું : “ભાઈ, કેટલા પૈસા આપું ?' જવાબમાં વિદ્યાસાગરે કહ્યું : હું આપનાં માતા-પિતાનાં દર્શન કરવા ઇચ્છું છું.” એટલામાં તો એના મોટાભાઈ અંદરથી દોડી આવ્યા. એમણે એમને ઓળખી લીધા અને વિનમ્રભાવે વિદ્યાસાગરને પગે પડી ક્ષમા માગી; પધારવાનું કારણ પૂછ્યું. મર્મમાં હસીને વિદ્યાસાગરે કહ્યું, “તમારા નાના ભાઈ એટલું બધું ભણીને આવ્યા છે કે તેના ભારના લીધે આ બૅગ પણ તે ઉપાડી ન શક્યા. જ્યારે મારી પાસે કંઈ નહીં એટલે હું એનો ભાર ઉપાડું તો એમને મદદરૂપ બને ને ?'
યુવાન આ વાક્ય સાંભળી ખૂબ શરમાઈ ગયો ! એ તરત સમજી ગયો કે આ વ્યક્તિ બીજી કોઈ નહિ પણ બંગાળને કેળવણીથી ભરનાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે.
શરમાયેલ યુવાનની પીઠ ઉપર હાથ થાબડતાં વિદ્યાસાગરે કહ્યું : “તારે શરમાવાની જરૂર નથી. મારું મહેનતાણું એ જ કે આજથી તું સ્વાશ્રયી બનીશ તો હું માનીશ કે મને મારી મજૂરી મળી ગઈ છે.”
આજે જગતમાં સારા વિચારો ઓછા થયા છે; વિજ્ઞાન વધ્યું છે; એરોપ્લેન ને જેટ વિમાનો શોધાયાં છે; પણ માણસમાં માણસાઈ ઓછી થતી જાય છે. આજે અમેરિકાના પ્રમુખ કેનેડીને એક ઝનૂની માનવીએ, પળવારમાં હતા ન હતા કરી દીધા. જો એ માનવીમાં સુકૃતપૂર્ણ વિદ્યા હોત તો આવું અઘટિત કામ એ કદી કરતા ?
ચાર સાધન = ૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org