________________
૪૭૯. નિમંત્રણ
રા જીવન-સરોવરમાં પાણી છે કે નહિ તે તું પહેલાં જોઈ લે;
માછલાઓનો વિચાર તું શા માટે કરે છે ? સરોવરમાં પાણી હશે તો માછલાં આવ્યા વિના રહેશે ખરાં ?
તારા જીવન-પુષ્પમાં સુગન્ધ મહેકે છે કે નહિ તે તું જરા જોઈ લે; મધુકરોને તું શા માટે બોલાવે છે ? તારા જીવન-પુષ્પમાં પરિમલ હશે તો મધુકરો આકર્ષાયા વિના રહેશે ખરા ?
તારા જીવન-તરુવર પર મીઠાં ફળો ઝૂલે છે કે નહિ તે તું મને કહે; મીઠાં ફળો ઝૂલતાં હશે તો પંખીઓ આવ્યા વિના રહેશે ખરાં ?
તારા જીવન-ઉપવનમાં વૃક્ષો ઊગ્યાં છે કે નહિ એ તું તપાસી જો; પથિકોની પ્રતીક્ષા તું શા માટે કરે છે ? વૃક્ષોની શીળી છાયા હશે તો પથિકો વિસામો લેવા માટે આવ્યા વગર રહેશે ખરા ?
તારા જીવનની આમ્રઘટામાં કોયલ ટહુકે છે કે નહિ એ તું જરા સાંભળી લે; સંગીતરસિકોને તું શા માટે નિમંત્રે છે ? કોયલનો પંચમ સૂર વાતાવરણને સંગીતથી ભરશે ત્યારે સાંભળનારની ખોટ દેખાશે ખરી ?
તારા જીવન-આકાશમાં ચંદ્રોદય થયો છે કે નહિ તે તું જરા નિહાળી જો; સાગરને તું શા માટે વિનવે છે ? ચંદ્રનો ઉદય થશે ત્યારે સાગર ભરતીની છોળો ઉછાળ્યા વિના રહેશે ખરો ?
તારા જીવન-ગગનમાં મેઘ ગર્જે છે કે નહિ તે તું વિચારી જો; મોરલાઓને પ્રાર્થના તું શા માટે કરે છે ? મંજુલ મેઘધ્વનિ ગુંજશે ત્યારે મોરલા નાચ્યા વિના રહેશે ખરા ?
તારા જીવન-દીપકમાં પ્રકાશ છે કે નહિ તે તે પહેલાં નીરખી લે; પતંગિયાંઓને તું ઇશારા શા માટે કરે છે ? પ્રકાશ હશે તો પતંગિયાં ઝંપલાવ્યા વિના રહેશે ખરાં ?
તારા જીવન-મંદિરમાં સાચા દેવ બિરાજે છે કે નહિ તે તું પહેલાં ખાતરી કરી લે; ભક્તોને તું શા માટે નિમંત્રે છે ? દેવ જો સાચા હશે તો પ્રાર્થના ટાણે ભક્તો ઊભરાયા વિના રહેશે ખરા ?
૧૪૮ - મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org