________________ સંપાદનની શુભપળે જીવ માત્રનો સ્વભાવ દુઃખથી બચવાનો અને સુખને પામવાનો છે. અનાદિકાળના મિથ્યા સંસ્કારોને કારણે જીવ અન્ય જીવોને દુઃખ આપી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ આ માર્ગે ચાલી આજ સુધી કોઈપણ જીવ સુખી થયો નથી, થતો નથી કે ભવિષ્યમાં સુખી થશે પણ નહિ. | ભિન્ન ભિન્ન દર્શનકારોએ જીવને શાશ્વત સુખી બનાવવા માટે અનેક માર્ગો બતાવ્યા છે, પણ તે દર્શનકારોનો પોતાનો બોધ સંપૂર્ણ ન હોવાથી, તેમણે બતાવેલા માર્ગો યથાર્થતાને પામ્યા નથી અને તે માર્ગે ચાલીને આજ સુધી કોઈપણ જીવ મુક્તિસુખને પામી શક્યો નથી. પરમતારક, વીતરાગ, સર્વજ્ઞપરમાત્માએ પોતાની કૈવલ્યદૃષ્ટિથી સંપૂર્ણ ચરાચર સૃષ્ટિને જોઈ જીવ માત્રને શાશ્વત-સ્વાધીન-અનંતસુખી બનાવવા માટે જે યથાર્થ છે તે માર્ગ જ બતાવ્યો છે. તે માર્ગને જ યોગમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે કે જે માર્ગ ઉપર ચાલી ભૂતકાળમાં અનંતા આત્માઓ મોક્ષ સુખને પામ્યા છે, વર્તમાનમાં પામી રહ્યા છે અને ભવિષ્યમાં પામશે. આ યોગમાર્ગને જાણવા, પામવા અને અનુભૂતિનો વિષય બનાવવા માટે મહાપુરુષોએ અનેક ગ્રંથોની રચના કરી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આચારાંગસૂત્ર, યોગાધ્યયન જેવા અનેક યોગમાર્ગને જણાવનારા આગમોમાંથી અનેક મહાપુરુષોએ યોગગ્રંથોની સંરચના કરી છે. તે મહાપુરુષોમાં મુખ્યત્વે વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજા, સમર્થ શાસ્ત્રકારશિરોમણિ પૂજય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, કલિકાલસર્વજ્ઞ પૂજય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વગેરેને ગણી શકાય, અનેક યોગગ્રંથોના રચયિતા એવા આ મહાપુરુષોએ પોતાના ગ્રંથોમાં યોગમાર્ગને સમજાવવા વપરાતા પારિભાષિક શબ્દોનું સચોટ અર્થ-ગાંભીર્યવાનું સ્પષ્ટીકરણ કર્યું છે. પ્રસ્તુત પ્રકાશનમાં તે યોગગ્રંથો પૈકી મુખ્ય 36 ગ્રંથોને તથા તેમાં આવતા ચોક્કસ પારિભાષિક શબ્દોને તથા કેટલાક અન્ય શબ્દોને સ્થાન આપવામાં આવ્યું છે. આમ છતાં એના દરેક શબ્દોનો સમાવેશ કરી શકાયો નથી. તે પારિભાષિક શબ્દોને અકારાદિક્રમમાં ગોઠવણપૂર્વક કોશસ્વરૂપે સંગ્રહ કરવામાં આવ્યો છે. જેથી એક જ શબ્દનો ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ શું અર્થ કરવામાં આવ્યો છે તે જાણી શકાય અને તે દ્વારા તે તે શબ્દોના ઐદંપર્યાર્થ સુધી પહોંચવું અતિ સરળ થઈ પડે તથા કોઈપણ નવા કર્તાને નવ્ય ગ્રંથ કે નવ્ય ટીકા બનાવવાની ભાવના હોય તો તેઓને માટે પણ પ્રસ્તુત સંગ્રહ અધિકૃત આધારરૂપે અતિ ઉપયોગી થઈ શકશે કે પૂર્વ મહાપુરુષોએ આ શબ્દનો કયા સંદર્ભમાં કયો અર્થ કર્યો છે વગેરે.