________________ 59 તપાસ કરી કહ્યું કે આ ગાય જીવે તેમ નથી. ન ખાય ન પીએ. પેલા રતિભાઈ તો ઘરના સ્વજનની જેમ ગાયને સાચવે. રડવા લાગ્યા. સાહેબજીના પગમાં પડ્યાં કાકલુદિ કરી કહ્યું કે સાહેબ આ ગાયને કંઈ થાય તો મારું શું થશે ? આ જ માત્ર અમારા ભરણપોષણનો આધાર છે. બીજી ગાય લાવવાના પૈસા નથી. તમે ભગવાન છો એને બચાવો. અને સાહેબજી સામેથી એમના કોળીવાસમાં ગયા. ભગવાનનું સ્મરણ કરી ગાય ઉપર વાસક્ષેપ નાખ્યો. અને ચમત્કાર સર્જાયો. ગાય બેઠી થઈ ગઈ. દૂધ પણ આપવા લાગી અને ઘાસચારો પણ ખાવા લાગી. આ અમે અમારી નજરે નીહાળેલો ચમત્કાર હતો. સંવત્ ૨૦૬૪નું પાલીતાણાનું ચાતુર્માસ પૂર્ણ કરી અમે નાકોડા જવા નિકળ્યા. જીરાવાલા અને ભીનમાલ પણ પહોંચી ગયા. ભીનમાલથી સાંજે વિહાર કરી ભીનમાલવાળા શેઠશ્રી માણેકચંદજીના વેરામાં રાત રોકવાનું નક્કી કર્યું. રાજસ્થાનમાં જે ખેતરમાં કંઈક પીવા યોગ્ય મીઠું પાણી નીકળે તેને વેરો કહેવાય છે. ત્યાં મકાનની ખાસ વ્યવસ્થા ન હતી. પણ તેમણે ગરમીના દિવસો હોવાથી સામાન્ય મંડપની વ્યવસ્થા કરાવી હતી. અમે ત્યાં પહોંચતા સુધી દિવસ આથમી ગયો હતો. અને મંડપમાં ઉતરવાની તૈયારી કરીએ ત્યાં તો વાવાઝોડું શરૂ થયું. કમોસમી માવઠું પણ શરૂ થયું. મકાનની વ્યવસ્થા હતી નહીં. મંડપ પણ તૂટી ગયો. ખેતરની દેખભાળ કરનાર માળી માટે નાનકડી ત્રણ ચાર જણા સમાય તેવડી રૂમ તથા ઓસરી હતી. માળી તેના પરિવાર સાથે રહેતો હતો. માળી ઘણો ભલો માણસ. તેણે પોતાની પત્ની અને ઘોડિયામાં સુતેલા બાળક સહિત બાજુના અસ્થાયી પત્રાના છાપરા નીચે જઈ અમને તે રૂમ ખાલી કરી આપી. અમે બધા આઠે જણા સાંકડ મુકડ એ નાનકડી રૂમને ઓસરીમાં બેઠા. વાવાઝોડાએ જોર પકડ્યું. વૃક્ષોની મોટી મોટી શાખાઓ તૂટી તૂટીને ધરાશાયી થવા લાગી. પેલો માળી પરિવાર પણ ચારેબાજુ ખુલ્લા છાપરા નીચે વરસાદની ઝાડીઓ વચ્ચે જેમ તેમ કરીને ઉભો હતો. પૂજયશ્રીને તેના પરિવારની ખૂબ ચિંતા થવા લાગી. તેમણે અમને કહ્યું કે એ પરિવારને પણ આપણા ભેગા જલ્દીથી તરત બોલાવી લો. એવી આજ્ઞા કરી એટલે અમે એ માળી પરિવારને તુરત જ અમારી સાથે રૂમમાં બોલાવી લીધા. અને જેવા તેઓ છોકરાના ઘોડિયા સહિત અમારા ઓટલા પર ચડવા ગયા ત્યાં જ અમારી નજર સામે જે છાપરા નીચે તેઓ 1 મિનિટ પહેલા ઉભા હતા તે છાપરું મોટા અવાજ સાથે પત્રા સહિત નીચે પડ્યું. અમને થયું કે જો સાહેબજીએ ત્વરાથી એ પરિવારને ન બોલાવ્યો હોત તો આખો પરિવાર એ છાપરા નીચે દબાઈ જાત અને ન બનવાનું બની જાત ? શું સાહેબજીની અગમ દૃષ્ટિ અને કરૂણા હતી ? આવા અનેક ગુણોના ધારક એવા પૂજ્ય ગુરૂદેવ શ્રીજંબૂવિજયજી મ.સા. સંવત્ ૨૦૬૫નું નાકોડા તીર્થ ચાતુર્માસ પૂર્ણ કરી કારતક વદિ ૭ને સોમવાર તા. ૯-૧૧-૨૦૦૯ના જેસલમેર જ્ઞાનભંડારનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાના સંકલ્પ સાથે વિહાર કર્યો અને 45 કિ.મી. જેટલો વિહાર થઈ ગયો. બાડમેર રોડ પર ભીમરલાઈ ફાટાથી 13 કી.મી. દૂર વાયતું જવા માટે કારતક વદિ ૧૧ને ગુરુવાર તા. ૧૨-૧૧-૨૦૦૯ની સવારે 635 લગભગ નીકળ્યા અને દોઢેક કી.મી.નો વિહાર થયો. સવારનો 7-00 વાગ્યાનો સમય અને એક જીવલેણ અકસ્માત થયો. સ્થાન પર જ પૂજયશ્રી અને તેમના પ્રપ્રશિષ્ય પ.પૂ. મુનિરાજ શ્રીનમસ્કારવિજયજી મ.સા.એ બન્નેનો આત્મા પરલોકની લાંબી યાત્રાએ પ્રયાણ કરી ગયો.