________________ 50. માત્ર ગુજરાતી 4 ધોરણ સ્કૂલમાં ભણાવી પાંચમા ધોરણમાંથી સ્કૂલમાંથી રજા લેવડાવી દીધી. અને ચીનુભાઈને સાથે રાખીને સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, વ્યાકરણ વગેરેનો અભ્યાસ દીક્ષા પહેલા જ પૂજય પિતાશ્રીએ કરાવી દીધો. અને પછી 14 વર્ષની ઉંમરે વિક્રમસંવત્ 1993 વૈશાખ સુદિ 13 શનિવાર તા. ૨૫-૫-૧૯૩૭ના દિવસે રતલામમાં પૂ.ચંદ્રસાગરજી મ.સા.ના હસ્તે દીક્ષા આપી. પોતાના પુત્રને હવે શિષ્ય બનાવ્યા. ગુજરાતમાં તે વખતે ગાયકવાડી સરકારનો બાળ દીક્ષા પ્રતિબંધધારો હોવાથી તેમની દીક્ષા મધ્યપ્રદેશના રતલામમાં થઈ હતી. તેમનું નામ મુનિશ્રી જંબૂવિજયજી રાખવામાં આવ્યું. તે પછી બે વર્ષે માતુશ્રીની દીક્ષા થઈ હતી. - દીક્ષા પછી પૂજ્ય મુનિ શ્રીજંબૂવિજયજી મ.સા.ને જ્ઞાન ધ્યાનમાં અજોડ બનાવવા માટે પિતા મુનિરાજ શ્રીભુવનવિજયજી મ.સા.એ બરાબર કમર કસી. અભ્યાસમાં એવા તો નિમગ્ન કરી દીધા કે મધ્યપ્રદેશનું ચાતુર્માસ પૂર્ણ થયું ત્યારે સંઘને ખબર પડી કે અત્રે તેમની સાથે તેમના પુત્રનું પણ ચાતુર્માસ ભેગું જ હતું. આખા ચાતુર્માસમાં કોઈ ગૃહસ્થને એમની પાસે પણ ફરકવા દીધા નહીં. એમના અભ્યાસમાં ખલેલ ન પડે માટે ગોચરી, પાણી, પડિલેહણ, આદિ બધા કાર્યો પિતાજી મ. પોતે જ કરી લેતા. અને પુત્રને અદ્ભુત જ્ઞાન સાધનામાં તરબોળ કરી દીધો. પરિણામ એ આવ્યું કે તે વખતના પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ વિદ્વાન એવા પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસે સાથે મળીને સાત વર્ષની જેહમત બાદ સમ્મતિતર્ક નામના જટીલ જે ગ્રંથનું સંપાદન કરેલું, તે ગ્રંથ પૂજ્યશ્રીના હાથમાં આવતાની સાથે માત્ર 19 વર્ષની વયે એટલે કે દીક્ષાના પાંચમા વર્ષે તે ગ્રંથમાં રહેલી અનેક ત્રુટીઓ તરફ પંડિત સુખલાલજીનું લક્ષ દોર્યું. પંડિતજીને પણ લાગ્યું કે મારા જેવાના ગ્રંથમાં ભૂલો બતાડનાર આ પ્રતિભાવંત છે કોણ ? અને તેમણે તેમની પ્રચંડ પ્રતિભાને પારખીને પૂ.મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મ. કે જેઓ આગમ સંશોધનનું કઠીન અને મહેનતપૂર્ણ કામ વર્ષોથી કરતા હતા તેમને એવી ભલામણ કરી કે - પૂજ્ય શ્રીજંબૂવિજયજી મ.ને દ્વાદશાર નયચક્રનું કામ સોંપો. ન્યાયના વિષયનો પહેલો જ પ્રાથમિક કક્ષાનો ગ્રંથ તર્કસંગ્રહ કર્યો પછી તરતજ તેમની ન્યાયના વિષયની અદ્દભૂત પકડ જોઈને પૂ.મેઘસૂરીશ્વરજી મ.સા.એ આદેશ કર્યો કે સમ્મતિતર્ક તમે હવે જાતે જ વાંચી લો. પૂજયશ્રી કહે કે હજી તો હું એકડીયા જેવી કક્ષામાં છું અને સમ્મતિતર્ક તો કૉલેજ લેવલનો ગ્રંથ છે. હું શી રીતે સમજી શકીશ ? ત્યારે પૂજ્ય મેઘસૂરિજીએ કહ્યું કે હું કહું છું ને તમે વાંચી શકશો. અને એમના વચનની પ્રાસાદિકતાથી ખરેખર તે ગ્રંથ તેમણે જાતે વાંચી લીધો. તેમજ આગમો પણ જાતેજ તેમના કહેવાથી વાંચ્યા. પદર્શન અને ન્યાયના પ્રકાંડ અભ્યાસી થયા. તેથી તેમની બુદ્ધિ પણ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ન્યાયનો અને દર્શનશાસ્ત્રનો પ્રાયે કોઈ ગ્રંથ બાકી નહોતો રાખ્યો. અને આ રીતે બુદ્ધિના દાવપેચમાં પારંગત થવાને કારણે તેમણે એક વખત પુનામાં એક વિદ્વાન્ પ્રોફેસરને જણાવ્યું કે “ભગવાનનું કર્તુત્વ મારા મગજમાં કોઈપણ હિસાબે બેસતું નથી. મારી બુદ્ધિથી ભગવાન કોઈપણ રીતે સિદ્ધ થતા નથી.' ત્યારે તે વિદ્વાને કહ્યું કે “મહારાજ, તમે ભૂલ્યા. ભગવાન બુદ્ધિનો વિષય જ નથી. તે તો હૃદયનો વિષય છે. જેમ મોઢામાં દાંતણ રાખીને તમે કહો કે આનાથી તાવ માપી શકાતો નથી. એના જેવી વાત છે. તાવ માપવો એ દાંતણનો વિષય જ નથી. એના માટે થર્મોમીટર જ જોઈએ. તેમ ભગવાન ઉપાસનાનો વિષય છે. તર્કનો નહીં. લાખો કરોડો માણસોનો અનુભવ છે કે ભગવાનની કૃપાથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે. એ અનુભવને તમે શી રીતે નકારી શકશો?' એ પછી તો એમને હૈયામાં ભગવાન એવા વસી ગયા કે તેઓ પરમાત્માનો પરમ ઉપાસક