________________ તેથી બારે ઉપાંગસૂત્રોની સાથે સંબંધ છે એમ સમજવું. શ્રી તત્ત્વાર્થસૂત્રના પહેલા અધ્યાયના ૨૦માં સૂત્રના ભાષ્યની ટીકામાં ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિએ કહ્યું છે કે પરમ શ્રુતજ્ઞાની મહાપુરુષોએ દ્વાદશાંગી ગણિપિટકમાં કેટલાંક સૂત્રોના ગુંચવણ ભરેલા અર્થોને વિસ્તારથી સમજાવવાની જરૂરિયાત જાણી, તેથી તેમણે અંગોમાંના તેવા જરૂરી સ્થલોને વિસ્તારથી સમજાવવાના મુદ્દાથી બાર ઉપાંગસૂત્રોની અંગસૂત્રોની સાથે વ્યવસ્થા કરી. કહેવાનું તાત્પર્ય એ છે કે અંગોમાં જે અર્થો ટૂંકમાં કહેલા હોવાથી ગુંચવણ ભરેલા એટલે સમજવામાં કઠિન જણાયા, તે અર્થોને ઉપાંગસૂત્રોમાં અલગ અલગ સૂત્રમાં વ્યવસ્થિત કરીને સમજાવ્યા. એમ શ્રી તત્ત્વાર્થસૂત્રની હારિભદ્રીય ટીકા વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે. શ્રી હરિભદ્રસૂરીએ તત્ત્વાર્થની ટીકામાં કહ્યું છે કે જ્યાં આચારાદિ અર્થ પૂરો થાય તે શ્રી આચારાંગ વગેરે અંગો જાણવા. ને જયાં જુદા જુદા બીજા અર્થો કહ્યા હોય, તે રાજપ્રશ્રીય વગેરે ઉપાંગો જાણવા. શ્રી મહાવીર પ્રભુના નિવાર્ણકાલથી ૩૭૬માં વર્ષે એટલે વિક્રમ સંવત શરૂ થયા પહેલા ૯૪માં વર્ષમાં જેમનો સ્વર્ગવાસ થયો છે, તે શ્રી આર્યશ્યામાચાર્ય મહારાજે બાર ઉપાંગોમાંના ચોથા શ્રી પ્રજ્ઞાપનાસૂત્રની રચના કરી હતી. બાકીના ઉપાંગોની રચના કરનારા મહાપુરુષોના નામ જણાવ્યા નથી. પણ સૂત્રની રચના જોતા જણાય છે કે વિશિષ્ટ શ્રુતજ્ઞાની પૂર્વધરાદિ પુરુષો જ પ્રાય હોવા જોઈએ. ઉપપાત શબ્દના, 1. દેવ-નારક જીવોનો જન્મ. 2. મોક્ષમાં જવું આ બે અર્થો સમજવા. આ ઉપપાતને લક્ષ્યમાં જેમાં પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે તે ઔપપાતિક કહેવાય. આ પહેલુ ઉપાંગ સૂત્ર શ્રી આચારાંગ સૂત્રનું છે એમ સમજવું.” વિષય ઔપપાતિક સૂત્ર બે વિભાગમાં વહેંચાયેલું છે. 1. સમવસરણ 2. ઔપપાતિક પ્રકરણ. પહેલા વિભાગમાં ચંપાનગરી, અશોકવૃક્ષ, વનખંડ, કૂણિગરાજા, ધારિણીરાણીનું વર્ણન અને પ્રભુ વીરનું ચંપામાં આગમન, શ્રમણોનું વર્ણન, વિવિધ તપોનું વર્ણન, પ્રભુના દેહનું અને ગુણોનું ઝીણવટભર્યું આલ્હાદક વર્ણન, કૂણિકરાજાનું સમવસરણમાં ભવ્ય સામૈયા સાથે ગમન વગેરે બાબતો આવે છે. બીજા વિભાગમાં જીવોના ઉપપાત વિષે શ્રીગૌતમસ્વામિજીના પ્રશ્નો અને પ્રભુવીરના ઉત્તરો, વિવિધ તાપસો, પરિવ્રાજિકોની સામાચારીનું ઝીણવટભર્યું વર્ણન, અંબડપરિવ્રાજક અને એમના 700 શિષ્યોની અડગતા, અંબાના આગામી ભવમાં “દઢપ્રતિજ્ઞ' તરીકેના જન્મની વિગત વગેરે બાબતો છે. આ આગમગ્રંથ વિષે કેટલીક વિશેષ બાબતો શ્રીદેવેન્દ્રમુનિ શાસ્ત્રીના લેખમાં વર્ણવી છે તે આ જ ગ્રંથમાં અન્યત્ર આપી છે.