________________ 6 6 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१९ છે. ક્ષપકશ્રેણીના કાળમાં થતાં બીજા અપૂર્વકરણથી આરંભીને જ્યાં સુધી કેવળજ્ઞાન થઈને પરતત્ત્વનું-પરમાત્મતત્ત્વનું દર્શન ન થાય ત્યાં સુધી સામર્થ્યયોગ અને સામર્થ્યયોગ કાળમાં થતો આ અનાલંબનયોગ ચાલુ હોય છે. કેવળજ્ઞાન દ્વારા જ્યારે પરતત્ત્વ-પરમાત્મતત્ત્વનું કેવળજ્ઞાનાદિ સ્વભાવવાળી શુદ્ધાત્મપ્રદેશસ્વરૂપસિદ્ધાવસ્થાનું દર્શન થઈ જાય છે, ત્યારે ધર્મસંન્યાસરૂપ સામર્થ્યયોગ કે ધર્મસંન્યાસરૂપ સામર્થ્યયોગકાલીન અનાલંબનયોગ રહેતો નથી. - જેમધનુર્ધર ધનુષ્યમાં બાણ ચડાવી લક્ષ્ય સામે એકાગ્ર બની ધનુષ્યને ખેંચે છે, ત્યારે તેનું ધ્યાન લક્ષ્ય સાથે જોડાયેલું હોય છે. - એનું ધ્યેય લક્ષ્યવેધનું હોય છે અને એનું પૂરેપૂરું સામર્થ્ય એ માટે વપરાતું હોય છે. જ્યારે તે બાણ છોડે છે, ત્યારે બાણ સાથે એનો કોઈ સંબંધ રહેતો નથી. પૂર્વ પ્રયોગથી બાણ આગળ વધે છે અને જ્યારે એ બાણથી લક્ષ્ય વિધાય છે, ત્યારે પોતાનું કર્તવ્ય પૂરું થાય છે. અહીં પણ કેવળજ્ઞાન દ્વારા પરતત્ત્વ-પરમાત્મતત્ત્વનું દર્શન થયા પછી આ સામર્થ્યયોગ કે અનાલંબનધ્યાન રહેતું નથી. - ધનુર્ધારીએ નિશ્ચિત લક્ષ્યનો વેધ કરવા માટે છોડેલું બાણ, ધનુષ્યમાંથી છૂટ્યા પછી જ્યાં સુધી લક્ષ્યવેધ ન કરે, ત્યાં સુધીના સમયમાં તેની જેવી સ્થિતિ હોય છે, તેવી જ સ્થિતિ ધર્મસંન્યાસરૂપ સામર્થ્યયોગકાલીન અનાલંબનયોગના સમયમાં હોય છે. લક્ષ્યવેધરૂપ કેવળજ્ઞાન થતાં કેવળજ્ઞાનીને ધર્મસંન્યાસરૂપ સામર્થ્યયોગ કે તે સમયમાં થતો અનાલંબનયોગ હોતો નથી. - ગુણસ્થાનકની અપેક્ષાએ વિચારીએ તો આઠમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંત સુધીનો સમય તે અનાલંબન યોગનો સમય છે.તેરમું ગુણસ્થાનક એ કેવળજ્ઞાનનો સમય છે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનના યોગે પરતત્ત્વ-પરમાત્મતત્ત્વનું-આત્માના વિશુદ્ધ સ્વરૂપનું પૂરેપૂરું દર્શન થતું હોઈ ત્યાં અનાલંબનયોગ હોતો નથી. - અપેક્ષાએ કેવળજ્ઞાન પોતે જ આત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. એટલે એ અપેક્ષાએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ જ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ ગણાય છે. - ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલ સાધક, સામર્થ્યયોગ દ્વારા કેવળજ્ઞાન પામે ત્યારથી લઈને જ્યાં સુધી યોગનિરોધ ન કરે ત્યાં સુધી કોઈ પણ ધ્યાન નથી હોતું; પણ ધ્યાનાંતરિકા હોય છે. ક્ષપકશ્રેણીકાળમાં આઠમાથી બારમા ગુણસ્થાનક સુધી મન, વચન અને કાયાના યોગોનું દઢતાથી પ્રવર્તન કરવારૂપ શુક્લધ્યાનના પહેલા બે પાયા હોય છે. જ્યારે તેમાં ગુણસ્થાનકના અંતે મન, વચન અને કાયાના યોગોનો વિરોધ કરવારૂપ શુક્લધ્યાનના છેલ્લા બે પાયા હોય છે. પણ - તેરમા ગુણસ્થાનકે તો કોઈપણ ધ્યાન હોતું નથી. આથી આઠમાથી બારમા ગુણસ્થાનકમાં થતા શુક્લધ્યાનના પહેલા બે પાયા અને આવાજીકરણ કર્યા પછી તેરમા ગુણસ્થાનકના અંતે થતા શુક્લધ્યાનના છેલ્લા બે પાયા વચ્ચેના તેરમા ગુણસ્થાનકના કાળને “ધ્યાનાંતરિકા'નો કાળ કહેવાય છે. જુદા જુદા સમયમાં થતાં બે ધ્યાન વચ્ચેના ધ્યાન વિનાના સમયને “ધ્યાનાંતરિકા' કહેવાય છે. આ ધ્યાનાંતરિકાના કાળમાં અનાલંબન યોગ કે સાલંબનયોગ-બેમાંથી એક પણ યોગ હોતો નથી.