________________
४६
ભાગરૂપે સ્તુતિની સાથે પ્રેક્ષણક કરવામાં આવતું તેના ત્રણેક વાર ઉલ્લેખો મળે છે. અપ્સરા દ્વારા કરાયેલ આ પ્રેક્ષણક-નૃત્યમાં વિત્ત રબાનો નિર્દેશ છે. ધાર્મિક તેમજ સામાજિક ઉત્સવો વખતે કરાતાં નૃત્યોનો પણ ઉલ્લેખ છે. લોકનૃત્ય રાસનું વર્ણન પણ અહીં મળે છે. સિંહલદ્વીપની સમૃદ્ધિ અને લોકોનું વર્ણન કરતાં કવિ કહે છે- શરદની રાતોમાં ગામની શેરીઓમાં ખેડૂતની સ્ત્રીઓ તાળીઓના અવાજ સાથે રાસ ગાય છે. વાદ્યોમાં કંસાલ, કાહલ, ઝલ્લરી, ઢક્ક, તિલિમ, ત્રિસ્વરી, તંતી, તૂર, પટ્ટુ, પડહ, પણવ, ભંભા, જયઘંટા, ભેરિ, મઉંદ, મડંબ મદ્દલ મહાસંખ, વાંસળી, વીણા અને હુક્ક નો ઉલ્લેખ છે.
અહીં નગરરચના અને ભવનોનું વર્ણન મળે છે જેમાં કેટલાંક સ્થાપત્યના કેટલાક પારિભાષિક શબ્દો પ્રયોજાયા છે જેવાકે - પ્રાકાર, બાઈ, કપિશીર્ષ, અટ્ટાલિકા, ગોપુર, સિંદ્ધાર, ચતુષ્ક, ત્રિક, પ્રતોલિ, તોરણ, મકરતોરણ, શિખર, છજ્જય, મત્તવારિણિ વગેરે.
સુદર્શનાએ નિર્માણ કરાવેલ જિનાલય(સિંહકર્ણ પ્રાસાદ)નું વિસ્તૃત, સુંદર વર્ણન મળે છે. (૧૩૧૫-૧૩૨૬). વળી મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગે ભવ્ય ઉત્સવનું આયોજન કરાયું હતું. પ્રતિષ્ઠા વિધિનું વર્ણન તત્કાલીન ધાર્મિક પરંપરાનો નિર્દેશ કરે છે. ઉત્તમ, કુલવાન, ભક્તિવાન, બ્રહ્મચર્યનું પાલન કરતાં, સંપૂર્ણ દેહવાળા, શ્વેતવસ્ત્રધારી બત્રીસ સુશ્રાવકો અને આઠ કુલીન સૌભાગ્યવતી સ્ત્રીઓએ મસ્તક પર પાણી ભરેલા કળશ લઈ જિનપૂજાવિધિ કરી. અહીં માત્ર મંદિર નિર્માણથી કાર્ય સમાપ્તિ થતી નથી. તેના નિભાવ માટેની આર્થિક વ્યવસ્થા પણ વિચારાઈ છે. તેના વહીવટ માટે ભંડારી પંચકુલિક, લેખક વગેરે સચિવો તેમજ ભક્તિવંત પૂજારીની નિમણૂક કરવામાં આવી. સુદર્શનાએ પોતાને ભેટ મળેલ ગામો તેમજ ઘોટકપુર અને હસ્તિમુંડકપુર આર્થિક નિભાવ માટે સમર્પિત કર્યા. સાથે સાથે ગરીબો માટે સર્વપ્રકારના ભોજન સહિતની દાનશાળા કરાવી. કુશળ વૈદ્યો અને ભોજન તેમજ ઔષધની વ્યવસ્થાવાળી ચિકિત્સાશાળા પણ બનાવી. ચતુર્વિધ સંઘ માટે બધી જ વ્યવસ્થા કરી. વળી વિવિધ પુષ્પયુક્ત ઉદ્યાનોની રચના કરાવી સાથે સાથે માળી-તંબોળી વગેરે માટે હાટો પણ બનાવડાવી. આમ તે કાળે ધર્મની સાથે સાથે સામાજિક અભિગમોને પણ ધ્યાનમાં લેવાતા હતા તેનું સ્પષ્ટ ચિત્ર અહીં આલેખાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org