________________
રાજસુતાએ આ પર્વત વિશે આશ્ચર્યથી પૂછતાં શીલવતીએ જણાવ્યું કે વિદ્યાધર દ્વારા અપહૃત હું અહીં મુક્ત થઈ હતી. (૮૪૮-૮૫૫) આ સાંભળી તે સ્થળને જોવા સુદર્શના પર્વત ઉપર ચઢીને ચારે બાજુ વેરાયેલ વનશ્રીને નીરખવા લાગી. ત્યાં પથ્થર પર બેઠેલા નિશ્ચલ મુનિને જોઈને સુદર્શનાએ ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. (૮૫૬-૬૩) ધ્યાનમાંથી સંવરિત થયેલા મુનિએ તેનું સ્વાગત કર્યું. નવયૌવનમાં આવું ઉગ્ર તપ અને ચારિત્ર કેમ ગ્રહણ કર્યું એવી સુદર્શનાની પૃચ્છાના જવાબમાં મુનિએ જણાવ્યું– “વિષયાસક્ત જીવો આપત્તિ પામે છે. પછી વૈરાગ્ય માર્ગે જાય છે.” વિષયાસક્ત જીવો કેવી રીતે દુઃખ પામે છે, તેનું વિસ્તૃત વર્ણન કરી પોતાનું ચરિત્ર કહેવાનું શરૂ કર્યું. (૮૭૭-૮૨)
ભારત વર્ષમાં કુણાલનગરીમાં આહૂમલ્લ નામનો રાજા હતો. તેને કમલશ્રી નામની પત્ની અને વિજયકુમાર નામનો પુત્ર હતો. કુમારના રૂપથી આકર્ષાઈને એક વિદ્યાધરે બાળપણમાં જ પુત્રાર્થે તેનું હરણ કર્યું હતું. સમય જતાં તે કુમાર નવયૌવનશ્રીને પામ્યો. કુમારનું રૂપ જોઈ વિદ્યાધરીના મનમાં કામ બેઠો થયો. (૮૭૭-૮૮૨) કામાસક્ત એવી તેણે જો કુમાર પોતાની કામના પૂરી કરે તો રાજયશ્રી તેમજ સકળ વિદ્યા આપવાની લોભામણી લાલચ આપી. વળી એ પણ જણાવ્યું કે તે આહૂમલ્લ રાજાનો અપહૃત રાજકુમાર છે, તેનો પુત્ર નથી. (૮૮૩-૮૬)
પહેલાં તો આ વાત સ્વીકારી કુમારે તેની પાસેથી બધી વિદ્યાઓ જાણી લીધી. પછી કહ્યું – “તું આજન્મ મારી માતા છે અને હવે વિદ્યાગુર પણ. તો આ પાપકાર્ય હું નહિ કરું.” કુમારની આ વાત સાંભળી તેણે રોષપૂર્વક ફરી કામેચ્છા પ્રગટ કરી. આ જોઈ સ્ત્રીઓના દુર્ગુણો વિશે વિચારતાં ગૃહત્યાગ કરવાનો નિશ્ચય કરી તે ગગનમાર્ગે કુણાલાનગરી પહોંચ્યો. (૮૮૭-૯૦)
પોતાની ઓળખ આપી માતા-પિતા ગુરુજનોને વિધિપૂર્વક પ્રણામ કરી પોતાનો વૃત્તાંત કહ્યો. ત્યાં તો દૂત આવ્યો. તેણે આહૂમલ્લ રાજાને જણાવ્યું– ““અયોધ્યા નગરીના જયધર્મ રાજાએ આપને ચાકરી માટે બોલાવ્યા છે.” આ સાંભળી ગુસ્સે થયેલા વિજયકુમારને રાજાએ સમજાવ્યો કે જયધર્મ રાજા તેમનો સાધર્મિક અને સન્મિત્ર છે. પિતાની અનુજ્ઞા મેળવી સૈન્ય સહિત થોડા જ દિવસમાં કુમાર અયોધ્યા પહોંચ્યો. (૮૯૧-૯૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org