________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२७
વિશેષાર્થ : અનેકાંતવ્યવસ્થા ગ્રંથમાં મહામહોપાધ્યાયશ્રીજીએ જણાવેલ આ ગાથાનો અર્થ = પ્રથમ કહ્યું તેથી વિરુદ્ધ રીતે માનીએ તો અવયવોના સમૂહરૂપ અથવા પરિણામરૂપ જે કાર્ય જે કારણમાં થાય છે (૧) તે રત્ન વગેરે કારણો હાર વગેરે કાર્ય સ્વરૂપે જ છે અર્થાત્ સત્કાર્યવાદ, (૨) તે દહીં વગેરે કાર્ય દૂધ વગેરે કારણ સ્વરૂપ નથી અર્થાત્ અસત્કાર્યવાદ. આ રીતે જે એકાંતથી માનવું તે મિથ્યાત્વ છે.
તાત્પર્યાર્થઃ જુદા જુદા નયવાદો જો સાપેક્ષ પ્રતિપાદન કરે, તો જ સમ્યગ્દષ્ટિ બને છે એમ રત્નાવલીના દૃષ્ટાંતથી કહેવામાં આવ્યું છે. એ જ કથનને દૃઢ કરવા કેટલાક પ્રચલિત વાદો લઈ અહીં વિચાર કરવામાં આવ્યો છે.
કાર્યકારણભાવનો જે દાર્શનિક સિદ્ધાંત છે, તેમાં સાંખ્ય આદિ કેટલાક વાદીઓ સત્કાર્યવાદ માને છે. કારણ કે તેઓ પરિણામવાદી હોઈ કહે છે કે, “કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે છે.” અર્થાત્ કારણમાં અપ્રગટ એવું કાર્ય પ્રગટ થાય છે.
વૈશેષિક આદિ કેટલાક વાદીઓ અસત્કાર્યવાદ માને છે. કારણ કે તેઓ આરંભવાદી હોવાથી અવયવો દ્વારા અવયવીરૂપ કાર્યનો આરંભ થાય છે એમ માને છે અર્થાત્ કારણથી ભિન્ન એવું કાર્ય પ્રગટ થાય છે.
વળી, કેટલાક અદ્વૈતવાદીઓ માત્ર એક દ્રવ્ય સ્વીકારતા હોવાથી, કાર્ય અને કારણ જેવું કાંઈ જ નથી પણ બંને અભિન્ન સ્વરૂપે જ છે એમ માને છે.
પરિણામવાદ પ્રમાણે દહીં એ દૂધનો પરિણામમાત્ર છે અને તેથી તે બન્નેમાં ભેદ જ નથી. અવયવીકાર્યવાદ પ્રમાણે કપડું એ તાંતણાઓના સમૂહથી બનેલું એક કાર્ય છે તેથી તે કારણથી ભિન્ન જ છે. અદ્વૈતવાદ પ્રમાણે કાર્ય કે કારણની કલ્પના ખોટી છે; બધું માત્ર દ્રવ્યરૂપ જ છે.
આ ત્રણે વાદો લઈ ગ્રંથકારશ્રી કહે છે કે, એ ત્રણે વાદો પોતપોતાના પક્ષનું એકાંતપણે સમર્થન કરે છે અને બીજો પક્ષ મિથ્યા છે એમ નિરપેક્ષ પ્રતિપાદન કરે છે, તેથી એ વાદો મિથ્યા જ છે. પણ જો તે જ વાદો પોતાના પક્ષનું એવી રીતે પ્રતિપાદન કરે કે જેથી બીજા પક્ષની મર્યાદાનો ભંગ ન થાય અને પોતાના પક્ષની મર્યાદા પણ સચવાય તો તે જ વાદો સમ્યગુરૂપ બને છે.
આ ગાથાની ટીકામાં અન્ય મતથી નિરપેક્ષ રીતે પોતાના મતને રજૂ કરનારા સાંખ્યમાન્ય સત્કાર્યવાદ, સાંખ્યવિશેષમાન્ય કારણાત્મકપરિણામવાદ, વૈશેષિકમાન્ય અસત્કાર્યઉત્પત્તિવાદ, બૌદ્ધમાન્ય કારણથી ભિન્ન કાર્ય ત્યાં અસતું છે એ પ્રમાણે વાદ, તત્ત્વાદ્વૈતવાદ, દ્રવ્યાદ્વૈતવાદ, પ્રધાનાદ્વૈતવાદ, શબ્દાદ્વૈતવાદ, બ્રહ્માદ્વૈતવાદ વગેરે વાદોનું જૈનદર્શનના સાપેક્ષવાદથી નિરસન કરવામાં આવ્યું છે. (૨૭)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org