________________
२२८
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४३-४५
અહેતુવાદ અને હેતુવાદનું પૃથક્કરણ કરી તેને સમજાવવા બન્નેના દાખલાઓ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે, શાસ્ત્રમાં જે ભવ્ય અને અભિવ્ય એવા બે વિભાગ કરી જીવની બે સ્વત:સિદ્ધ જાતો દર્શાવવામાં આવી છે, તે અહેતુવાદનો વિષય છે. કારણ કે, બધા જીવ ભવ્ય જ કે બધા જીવ અભવ્ય જ કેમ નહિ ? એ પ્રશ્નનો ઉત્તર કોઈપણ તર્કથી આપી શકાતો નથી. ભવ્ય અને અભવ્ય એવી બે જીવની જાતો સ્વીકારવામાં આગમનું પ્રામાણ્ય અને તેના વક્તાનું આપ્તત્વ માની લેવું એ એક જ ઉપાય છે. ભવ્ય-અભવ્યની જાતના વિભાગનું કારણ બુદ્ધિથી શોધી શકાય તેમ જ નથી. એને માનવામાં “જીવોનો એવો સ્વભાવ છે અને સ્વભાવ સર્વજ્ઞગમ્ય છે' એવો વિશ્વાસ રાખવો એ એક જ ઉપાય છે, તેથી ભવ્ય-અભવ્યની જાતિનો વિભાગ દર્શાવનાર શાસ્ત્રીય વચનોને અહેતુવાદ સમજવાં. એ જ રીતે સાધારણ વનસ્પતિમાં અનંત જીવો છે અને પ્રત્યેકમાં એક જીવ છે એવું શાસ્ત્રીય કથન તે પણ અહેતુવાદ છે.
ભવ્ય-અભવ્યનો જાતિવિભાગ અને તેનાં શાસ્ત્રોક્ત લક્ષણો માની લીધા પછી જ્યારે એ સમ્યગ્દર્શન આદિ લક્ષણો કોઈમાં દેખાય, ત્યારે તે જોઈ એમ અનુમાન કરવું કે, આ જીવ સમ્યગ્દર્શન આદિ ગુણવાળો હોવાથી ભવ્ય છે, અને તે ક્યારેક ખાતરીથી સંસારનો અંત કરશે; તે હેતુવાદ છે. એ જ રીતે જ્યાં જીવનું લક્ષણ ન દેખાય ત્યાં અજીવપણાનું અનુમાન કરી તે પુગલ આદિ પદાર્થોને અજીવ માનવા, તે હેતુવાદની મર્યાદા છે.
અહેતુવાદ અને હેતુવાદની વિષયમર્યાદા જાણી લઈ, જે હેતુવાદના વિષયમાં જ હેતુ, તર્ક કે યુક્તિનો પ્રયોગ કરે અને આગમના વિષયમાં માત્ર આગમનો આધાર લે, પણ તેમાં હેતુનો પ્રયોગ ન કરે, તે જ વક્તા જૈન સિદ્ધાંતની પ્રરૂપણાનો અધિકારી છે અને તે જ જૈનવચનનો સાચો આરાધક છે. તેથી ઊલટું, જે વક્તા અહેતુવાદના વિષયમાં હેતુનો પ્રયોગ કરે અને હેતુવાદના વિષયમાં માત્ર આગમ ઉપર આધાર રાખે, તે અનેકાંતશાસ્ત્રની પ્રરૂપણાનો અધિકારી ન હોવાથી, તેની પ્રરૂપણા કરવા જતાં તે તેનો વિરાધક બને છે એમ સમજવું. દાખલા તરીકે જીવ અજીવ આદિ નવ તત્ત્વોમાં જીવતત્ત્વ યુક્તિથી સિદ્ધ થઈ શકે, પણ તેના સ્વરૂપ અને પ્રકારની બાબતમાં સર્વત્ર યુક્તિવાદ ન ચાલી શકે. “જીવના અસંખ્યાત પ્રદેશો છે, તે પ્રત્યેક પ્રદેશનું અમુક સ્વરૂપ છે, કર્મ અને જીવનો સંબંધ અનાદિ છે, અનંત નૈગોદિક જીવો એક જ શરીરમાં રહે છે,' વગેરે બાબતો કેવળ આગમવાદ ઉપર અવલંબિત છે. એ જ રીતે અજીવ તત્ત્વની બાબતમાં ધર્માસ્તિકાય આદિનું અસ્તિત્વ યુક્તિથી સિદ્ધ થઈ શકે છતાં તેનું સ્વરૂપ તો છેવટે આગમવાદ ઉપર જ અવલંબિત છે. આસવ આદિ તત્ત્વોમાં પણ અમુક અંશ યુક્તિસાધ્ય હોવા છતાં બીજો કેટલોક ભાગ આગમવાદનો જ વિષય હોય છે, તેથી એ બન્ને વાદની વિષયમર્યાદા સમજીને જ પ્રત્યેક તત્ત્વનું નિરૂપણ કરવા માટે તે તે વાદનો આશ્રય કરવામાં આવે, તો જ શ્રોતાઓને જૈન પ્રવચન ઉપર આદરશીલ કરી શકાય; નહિ તો ઊલટા તેઓ અસંભવ-અસંગતિ આદિ દોષો જોઈ શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા ગુમાવી બેસે. (૪૩-૪૫)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org