________________
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४३-४५
२२७
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિથી પરિપૂર્ણ એવો ભવ્યજીવ નિચ્ચે સંસારરૂપી દુઃખોનો નાશ કરનાર થશે.” આ હેતુવાદસ્વરૂપ આગમનું લક્ષણ છે. (૪૪)
જે હેતુવાદસ્વરૂપ આગમના વિષયને પ્રબળ હેતુથી રજૂ કરવામાં કુશળ છે અને આગમવાદસ્વરૂપ આગમના વિષયને આગમથી જણાવવામાં કુશળ છે, તે સ્વસમયના અર્થાતું જૈન દર્શનના સિદ્ધાંતોને જણાવવામાં કુશળ છે અને બીજો અર્થાત્ સિદ્ધાંતને અન્યથા પ્રતિપાદન કરનારો સિદ્ધાંતનો વિરાધક થાય છે. (૪૫)
તાત્પર્યાર્થઃ મનુષ્યના સ્વભાવમાં શ્રદ્ધા અને બુદ્ધિ એ બન્ને તત્ત્વો છે, પણ કોઈમાં શ્રદ્ધા મુખ્ય ભાગ ભજવે છે તો કોઈમાં બુદ્ધિ. વ્યક્તિની જેમ સમૂહમાં પણ ક્યારેક શ્રદ્ધાના તો ક્યારેક બુદ્ધિના ઉદ્રકનો યુગ આવે છે. શ્રદ્ધાયુગના માણસો બુદ્ધિ અને તર્કની સામે થઈ તેની પ્રવૃત્તિનો વિરોધ કરે છે; અને બુદ્ધિયુગનાં માણસો શ્રદ્ધાની પ્રવૃત્તિનો વિરોધ કરે છે. આ પ્રમાણે શ્રદ્ધા અને બુદ્ધિનું ચક્ર ઉપર નીચે થયા કરે છે.
માત્ર શ્રદ્ધાજીવી થવું કે માત્ર બુદ્ધિજીવી થવું એ બન્ને પરસ્પર વિરોધી એવા અપૂર્વ છેડાઓ છે. માત્ર બુદ્ધિજીવી થવામાં અપૂર્ણતામાં પૂર્ણતા માની લેવાનું અગર તો પોતાનાથી ચડિયાતી શક્તિનો ઈન્કાર કરવાનું અભિમાન આવતું હોવાથી ઘણી સારી બાબતો છૂટી જવાનો દોષ ખુલ્લો છે; અને માત્ર શ્રદ્ધાજીવી થવામાં તદ્દન પરાશ્રયીપણું તેમજ પોતાનાથી સાધી શકાય તેટલા બુદ્ધિવિકાસનો પણ નાશ સંભવતો હોવાથી તેમાં અસત્ય વસ્તુઓના સ્વીકારનો દો ખુલ્લો છે. આમ હોવાથી સત્યનું સમતોલપણું સાચવવા ગ્રંથકારશ્રી અનેકાંતષ્ટિનો આશ્રય લઈ શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેનો આદર કરે છે અને આપણા જેવા સાધારણ મનુષ્યો માટે શ્રદ્ધાનું ક્ષેત્ર કયું અને બુદ્ધિનું ક્ષેત્ર કયું એ પૃથક્કરણ બતાવી, શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેના વાસ્તવિક ઉપયોગનો માર્ગ દર્શાવે છે, અને તેમ કરી શ્રદ્ધાયુગ અને બુદ્ધિયુગના વિરોધને ટાળી, બન્ને યુગનો જીવનમાં સમન્વય કરવાનું સૂચવે છે.
ગ્રંથકારશ્રી કહે છે કે, શાસ્ત્રમાં કેટલોક ભાગ અહેતુવાદસ્વરૂપ છે, તો બીજો કેટલોક ભાગ હેતુવાદસ્વરૂપ છે. જે વિષયોમાં આપણા જેવા સાધારણ મનુષ્યોના પ્રત્યક્ષ કે અનુમાનજ્ઞાનને અવકાશ જ નથી અને જે માત્ર આગમકથિત હોવાથી આગમ ઉપર વિશ્વાસ કેળવીને જ માનવા યોગ્ય છે, તેવા પદાર્થોનું નિરૂપણ કરનાર શાસ્ત્ર તે અહેતુવાદ; અને જે પદાર્થોને આપણા જેવા સાધારણ મનુષ્યો પ્રત્યક્ષથી જાણી શકે કે અનુમાનથી સાધી શકે, અગર તો જેને સ્વીકારવામાં આગમ ઉપર વિશ્વાસ કેળવવાની જરૂર નથી રહેતી, તેવા પદાર્થનું નિરૂપણ કરનાર શાસ્ત્ર તે હેતુવાદ છે. અહેતુવાદ શાસ્ત્રને શ્રદ્ધાથી જ સ્વીકારી તેમાં કહેલ બાબતો શ્રદ્ધાથી જ માની લેવી અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તેવી બાબતો ઉપર બુદ્ધિ કે તકનો પ્રયોગ ન કરવો; અને હેતુવાદ શાસ્ત્ર હોય ત્યાં તેમાં કહેલી બાબતો પ્રત્યક્ષ અને અનુમાનથી તપાસી ખાતરી કરવી અને પછી જ તેના ઉપર શ્રદ્ધા કેળવવી. આમ, અપૂર્ણ સાધકે એક બાજુ શ્રદ્ધા અને બીજી બાજુ બુદ્ધિ બન્નેનો વિકાસ કરતા જવું અને એ રીતે ક્રમે ક્રમે બન્નેના વિષયનું અંતર તોડી, શ્રદ્ધા અને બુદ્ધિનો અભેદ સાધવો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org