________________
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३८-४२
२२३
છે ? તો તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, વિભાગજન્ય દ્રવ્યોત્પત્તિ માનવામાં પણ એવો ટેકો છે જ, કારણ કે, કોઈ એક સ્કંધદ્રવ્ય તૂટતાં તેના વિભાગમાંથી અનેક દ્રવ્યનો ઉત્પાદ પણ પ્રતીતિ અને વ્યવહારસિદ્ધ છે; એક ઘટ ફૂટતાં ઘણા કકડાની ઉત્પત્તિ દેખાય છે, અને ઘટના ભેદની પ્રતીતિ અને ઘટના ભેદનો વ્યવહાર સિદ્ધ જ છે, તેથી દ્રવ્યોત્પત્તિને સંયોગજન્ય કે વિભાગજન્ય માનવામાં સરખી જ દલીલ છે.
કોઈપણ એક દ્રવ્યમાં દર સમયે એક ઉત્પાદ, એક નાશ અને એક સ્થિતિ સંભવતાં હોવાથી અનંતકાળના અનંત સમયો લઈ વિચારતાં તેમાં અનંત ઉત્પાદ, અનંત નાશ અને અનંત સ્થિતિઓ ઘટી શકે ખરી; પણ એક જ સમયમાં તેમાં અનંત ઉત્પાદ વગેરે માનવામાં આવે છે તે કેવી રીતે ઘટે ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એક સમયમાં પણ એક દ્રવ્યમાં અનંત ઉત્પાદ આદિ ઘટે જ છે. કારણ કે કોઈપણ એક વિવક્ષિત દ્રવ્ય વિવક્ષિત એક જ સમયમાં સહભાવી અનંત પર્યાયરૂપે પરિણમે છે ત્યારે એક જ સાથે પૂર્વવર્તી અનંત પર્યાયોના અનંત નાશો અને ઉત્તરવર્તી અનંત પર્યાયોના અનંત ઉત્પાદો તેમાં હોય છે જ, એ જ રીતે તે તે વિશેષરૂપે પરિણામ પામતું તે દ્રવ્ય અનંત સામાન્યરૂપે સ્થિર હોવાથી અનંત સ્થિતિઓ પણ ધારણ કરે છે જ. તેથી એક જ સમયમાં એક જ દ્રવ્યમાં ઉત્પાદ આદિ ત્રણે અનંત હોવામાં કશો જ બાધ નથી. આ મુદ્દો એક જીવદ્રવ્ય લઈ સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
સંસારી જીવ એટલે દેહધારી આત્મા. એના પર્યાયો એટલે કેવલ પુદ્ગલાશ્રિત કે કેવલ ચેતનાશ્રિત પર્યાયો નહિ પણ યથાસંભવ ઉભયાશ્રિત સમજવાના છે. મન, વચન અને કાયા વગેરે સ્વરૂપ વિવિધ પરિણતિ પૌલિક હોવા છતાં તે કાષાયિક પરિણામ અને વીર્યવિશેષના દૂર કે નજીકના સંબંધ વિના સંભવતી ન હોવાથી, ચેતનાશ્રિત પણ છે. એ જ રીતે જ્ઞાન અને વીર્ય વિશેષ આદિ પરિણતિ ચેતનાશ્રિત હોવા છતાં કર્મપુદ્ગલસાપેક્ષ હોવાથી પુદ્ગલાશ્રિત પણ છે જ.
એક સંસારી જીવદ્રવ્યમાં જે સમયે સૂક્ષ્મ કે સ્થૂળ દેહરૂપે પુદ્ગલ પરિણમે છે, તે જ સમયે મનોવર્ગણાના પુદ્ગલો મનરૂપે અને વચનવર્ગણાના પુદ્ગલો વચનરૂપે પરિણમે છે, તે જ સમયે શરીર અને આત્માના પારસ્પરિક સંબંધથી અસંખ્ય આત્મપ્રદેશોમાં કાયિક વગેરે ક્રિયાઓ થાય છે, તે જ સમયે રૂપ વગેરે અનેક પર્યાયો પણ તરતમભાવે પરિણમન પામતા હોય છે, તે જ સમયે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વગેરેથી થયેલ કર્મબંધના કારણે ભાવિ એવી ગતિવિશેષની ઉત્પત્તિ થાય છે, તે જ સમયે ગ્રહણ કરાતા અનંતાનંત પરમાણુઓના નવા નવા સંયોગો ઉત્પન્ન થતા હોય છે અને છૂટા પડતા પૂર્વ સંયુક્ત પરમાણુઓના વિભાગ થતા હોય છે, તે જ વખતે તરતમભાવથી વિવિધવિષયક જ્ઞાન આદિ પર્યાયોનો અને સ્વપરજ્ઞાનવિષયત્વરૂપ શેયત્વ વગેરે પર્યાયો પ્રગટ થતા હોય છે. આ અને આના જેવા બીજા અનંત સહવર્તી નવીન પર્યાયોના ઉત્પાદો, પૂર્વ પર્યાયોના વિનાશો અને પૂર્વોત્તર પર્યાયમાં અનુગત સામાન્યરૂપે સ્થિતિઓ એ બધું એક જ સમયમાં સંભવતું હોવાથી, એક સંસારી જીવદ્રવ્ય કોઈપણ એક જ જન્મદિના સમયમાં અનંત ઉત્પાદ, અનંત વિનાશ તથા અનંત સ્થિતિયુક્ત ઘટી શકે છે. (૩૮-૪૨)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org