SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ બુદ્ધ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમની પાછળ જનાર અને તેમને વીંટળાઈ વળનાર ટોળાં ઇતરધર્મીઓનાં નહિ પણ હિંદુઓનાં જ હતાં અને તેઓ વેદધર્મથી રંગાયેલાં હતાં. પણ બુદ્ધનો ઉપદેશ તેમના હૃદયની જેમ સાર્વભૌમ અને સર્વવ્યાપી હતો, અને તેથી તે એમના નિર્વાણ પછી પણ ટક્યો અને આખી પૃથ્વી પર ફરી વળ્યો. બુદ્ધના અનુયાયી ગણાવાનું જોખમ વહોરીને પણ હું કહું છું કે એ હિંદુ ધર્મનો વિજય છે. બુદ્ધ હિંદુધર્મનો અસ્વીકાર કદી કર્યો નહોતો, તેમણે તો તેનો પાયો વિશાળ કર્યો; તેમણે હિંદુધર્મને નવજીવન આપ્યું અને એનું નવું રહસ્ય બતાવ્યું. બુદ્ધના ઉપદેશનો મહત્ત્વનો ભાગ હિંદુધર્મમાં ભળી જઈને આજે તેનું અંગ થઇ ગયો છે. આજે હવે હિંદુ-ભારત-વર્ષ પાછાં પગલાં ભરે, અને ગૌતમે હિંદુધર્મ પર જે સુધારાનું મોજું ફેરવ્યું તેને ભૂસી નાંખી શકે, એ શકય રહ્યું નથી. પોતાના ભારે આપભોગથી, ભવ્ય ત્યાગથી અને જીવનની નિષ્કલંક પવિત્રતાથી તેઓ હિંદુધર્મ પર કદી ન ભૂંસાય એવી છાપ મૂકી ગયા, અને હિંદુધર્મ એ મહાન ગુરૂનો કાયમનો ઋણી બનેલો છે.” - ૪૯ શ્રી બુદ્ધના સમકાલીન શ્રી ભ.મહાવીર હતા અને તેમને વિષે પણ શ્રી બુદ્ધ માટે જે ઉપર કહ્યું છે તે પ્રાયઃ કહી શકાય તેમ છે. શ્રી મહાવીરને વેદવિત્ (પ્રા. વયવી) તરીકે આચારાંગમાં સ્પષ્ટ વર્ણવેલ છે. બૌદ્ધ ધર્મ તે નામથી હિંદમાં લુપ્ત થયો, અને જૈન ધર્મ પોતાનું નામ-વ્યક્તિત્વ હિંદમાં અત્યાર સુધી જાળવી રાખ્યું. બંનેની અસર-બંનેનાં તત્ત્વોની મેળવણી હિંદુ ધર્મમાં થઈ છે. બંનેના સંસ્કાર પ્રકૃતિથી આર્યધર્મી છે. હિંદુઓનો ધર્મ વિશાળવ્યાપી હોઈ તેણે પોતામાં નિરીશ્વરવાદી નાસ્તિક ચાર્વાકની ફિલસૂફીનો પણ સમાવેશ કર્યો છે. બૌદ્ધો અને જૈનો વેદાદિને પોતાના ધર્મગ્રંથો ન માનતા છતાં તે આર્ય સંસ્કારવાળા છે-આર્યધર્મનાં જ અંગ છે. હિંદુઓના ધર્મને જો હિન્દુ ધર્મ કહેવામાં આવે તો ભારતમાં ઉત્પન્ન થનારા સર્વ ધર્મ હિન્દુ ધર્મ કહેવાવા યોગ્ય છે. ૫૦. જૈન એક જાતિ નથી પણ એક ધર્મ છે-આર્ય ધર્મ છે-ભારતવર્ષમાં જન્મેલો ધર્મ છે. હિંદુ એ જાતિ છે અને તેથી જૈનો જાતિએ (by race) હિંદુ છે. જૈન ધર્મ પાળનારામાં હિંદમાં વસતી વણિક આદિ જુદી જુદી વર્ણો-જાતિઓ છે. ગમે તે વર્ણના તે ધર્મ પાળી શકે છે. ૫૧. શાસ્ત્ર-દરેક ધર્મમાં તેના મુખ્ય ધર્મગ્રંથોને “શાસ્ત્ર' કહેવામાં આવે છે; અને તેનું પ્રમાણ છેવટનુંનિર્ણયાત્મક ગણવામાં આવે છે. કોઈ વખત એક ધર્મશાસ્ત્રમાં કંઈ તો બીજા ધર્મના શાસ્ત્રમાં તેથી જાદું જ હોય એમ જોવામાં આવે છે. શાસ્ત્રની કસોટી શી એમ પ્રશ્ન થતાં તેનો ઉત્તર પ્રજ્ઞ પુરૂષો એમ આપે છે કે જે શાસ્ત્ર વચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં તે અપ્રમાણ છે. જેને બુદ્ધિ સમજે નહિ, જે હૃદયમાં ખૂંચે તે શાસ્ત્ર નહિ. એમ ન હોય તે આપણને ધર્મભ્રષ્ટ થવાનો ભય રહે. જે શાસ્ત્ર મદિરાપાન, માંસભક્ષણ, પાખંડ ઇત્યાદિ શીખવે તે શાસ્ત્ર ન કહેવાય. શાસ્ત્ર એવું હોઈ જ ન શકે કે જે અક્કલની બહાર હોય, જે સત્ય ન હોય, જેને હૃદય ન માને. બાકી શાસ્ત્રના અર્થ તો ગમે તેવા થઈ શકે. આપણે શાસ્ત્રને નામે શું નથી કરતા ? શાસ્ત્રને નામે બાવાઓ ભાંગ પીયે છે અને ગાંજો ફેંકે છે; શાસ્ત્રને નામે દેવી ભક્તો માંસ મદિરાનું સેવન કરે છે, અનેક માણસો વ્યભિચાર કરે છે, અને મદ્રાસ ઇલાકામાં કુમળી બાળાઓને વેશ્યા બનાવવામાં આવે છે. આના કરતાં શાસ્ત્રનો બીજો શો અનર્થ હોઈ શકે ? આવાં અનર્થકારી શાસ્ત્રોની અસર-ગતિ રોકવી ઘટે. જાહેર સેવા કરનારનો ધર્મ પ્રજાના પ્રવાહની જે ગતિ હોય તેમાં તણાવાનો નથી; પણ જો તે ગતિ અવળી હોય તો તેને સવળી કરવાનો છે. જો પોતાના દિલમાં ‘ના’ હોય છતાં સ્વામીનું મોં જોઈને તેને ‘હા’ જોઈએ છે કે “ના” એ વિચારી લઇને તે પ્રમાણે વાત કરવામાં આવે છે એ કાયરતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy