________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૨ અનુક્રમે વજમુનિ આઠ વર્ષના થયા, ત્યારે એક વખતે ગુરુ બહિર્ભુમિએ ગયા હતા અને બીજા મુનિઓ ગોચરી માટે ગયા હતા, તે વખતે વજમુનિ સર્વ સાધુઓની ઉપથિ (આસન વગેરે સાધન) પાસે જઈ તેઓ જે જે સૂત્ર ભણતા હતા તેની તેને ઉદ્દેશીને વાચના આપવા લાગ્યા. બહિર્ભુમિથી આવેલા ગુરુએ તે બધું સાંભળ્યું; તેથી તેને મહાવિદ્વાન જાણીને સમગ્ર શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. પછી તેને યોગ્ય જાણીને સૂરિપદ આપ્યું, તે વજસ્વામીની વાણીથી પ્રતિબોઘ પામીને પાંચસો મુનિઓ તેમના પરિવારમાં થયા, અને બીજા પણ અનેક ભવ્ય મનુષ્યોએ વ્રતો ગ્રહણ કર્યા.
પાટલીપુરમાં ઘનશ્રેષ્ઠીને રુક્મિણી નામે પુત્રી હતી. તેણે સાધ્વીઓના મુખથી વજસ્વામીના ગુણોની પ્રશંસા સાંભળીને “આ ભવમાં મારે વજકુમારને જ પતિ કરવો, તે સિવાય બીજા કોઈને વરવું નહીં.” એવી પ્રતિજ્ઞા કરી. એકદા વજસ્વામી પાટલીપુર પઘાર્યા, તે ખબર સાંભળીને ઘનશ્રેષ્ઠી એક કરોડ દ્રવ્ય સહિત રુકિમણીને લઈ ગુરુ પાસે જઈ તેમને વંદના કરીને બોલ્યો કે, “હે સૂરિ! આ કરોડ દ્રવ્ય સહિત તમે આ મારી પુત્રીને ગ્રહણ કરો (પરણો), નહીં તો તે મરણ પામશે.” વજસ્વામી બોલ્યા કે, “અમો સાઘુઓ મલમલિન ગાત્રવાળી સ્ત્રીઓની ઇચ્છા જ કરતા નથી.” ઇત્યાદિ વચનોવડે રુક્મિણીને ઘર્મોપદેશ આપ્યો, જેથી તેણે વૈરાગ્ય પામીને તરત જ તેમની પાસે દીક્ષા લીધી.
એકદા બારવર્ષ દુષ્કાળ પડવાથી સમગ્ર સંઘ અત્યંત વ્યાકુળ થયો. તે જોઈને વજસ્વામી સમગ્ર સંઘને એક કપડા પર બેસાડીને આકાશગામિની વિદ્યાના બળથી સુભિક્ષાપુરી (સુકાળવાળી નગરી) એ લઈ ગયા. ત્યાં રહીને દિવસો નિર્ગમન કરતાં પર્યુષણ પર્વ આવ્યાં. તે વખતે તે નગરીનો રાજા બૌદ્ધ હોવાથી તેણે જિનાલયને માટે પુષ્પ આપવાનો નિષેઘ કર્યો. તેથી તે વાત સંઘે મળીને વજસ્વામીને કહી, એટલે સૂરિ આકાશગામિની વિદ્યા વડે માહેશ્વરીપુરીએ ગયા. ત્યાં પોતાના પિતાનો મિત્ર એક માળી હતો તેને પર્યુષણના ઉત્સવની વાત કહીને પુષ્પોની માંગણી કરી. તેણે એકવીશ કરોડ પુષ્પો એકઠાં કરીને આપ્યાં. તે લઈને સૂરિ હિમવાન પર્વતપર ગયા. ત્યાં લક્ષ્મીદેવીએ મોટું કમળ આપ્યું. તે લઈ ત્યાંથી હતાશન યક્ષના વનમાં આવતાં તેણે ઘણાં પુષ્પો આપ્યાં. તે સર્વ પુષ્પો લઈ પૂર્વભવના મિત્ર જંભક દેવે રચેલા વિમાનમાં બેસીને સૂરિ આકાશમાર્ગે સુભિક્ષાપુરીમાં આવ્યા. પછી તે પુષ્પોથી મહા મહોત્સવ કર્યો. જિનઘર્મની પ્રભાવના થઈ. તે જોઈ આશ્ચર્ય પામેલો બૌદ્ધ રાજા પણ શ્રાવક થયો.
એકદા વજસ્વામીના શરીરમાં કફનો વ્યાધિ થયો. તેથી ભોજન કર્યા પછી ખાવા માટે એક સૂંઠનો કકડો તેમણે કાનપર રાખી મૂક્યો; પરંતુ ભોજન કર્યા પછી તે ખાવાનું ભૂલી ગયા. તે કકડો પ્રતિક્રમણ સમયે કાનપરથી પૃથ્વી પર પડ્યો. તે જોઈને “આવો અસંભવિત પ્રમાદ થવાથી હવે મૃત્યુસમય નજીક છે.” એમ નિશ્ચય કરી સૂરિએ પોતાના શિષ્ય વજસેનને સૂરિપદે સ્થાપન કર્યા અને પોતે રથાવર્ત ગિરિપર જઈ અનશન ગ્રહણ કરીને સ્વર્ગે ગયા.
શ્રી વજસેનસૂરિ વિહાર કરતાં સોપારકપુરે ગયા. ત્યાં જિનદત્ત નામે એક શ્રાવક રહેતો હતો. ત્યાં દુકાળને લીઘે ઘાન્ય એટલું બધું મોંઘું હતું કે બે ચાર માણસોને માટે પણ એક લક્ષ દ્રવ્યનો ભોજનખર્ચ થતો હતો. તે શ્રેષ્ઠીએ એક લક્ષ દ્રવ્યની હાંડલી ચડાવી હતી તેમાં વિષ નાંખી ખાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org