________________
વ્યાખ્યાન ૨૪]
સમકિતનો પહેલો પ્રભાવક-પ્રવચન પ્રભાવક
૮૫
ધનગિરિ સહિત ગુરુ સિંહગિરિ તે ગામે પધાર્યા. મઘ્યાહ્ન સમયે ધનગિરિએ આહાર લેવા જવા માટે ગુરુની આજ્ઞા માગી. ત્યારે ગુરુએ કહ્યું કે‘આજે તને જે કાંઈ સચિત્ત કે અચિત્ત મળે તે વિના વિચાર્યે તારે ગ્રહણ કરવું.’’ ઘનગિરિ ગામમાં જઈ ગોચરી માટે ફરતાં અનુક્રમે સુનંદાને ઘેર જઈ ચડ્યા. તે પોતાના પતિને જોઈને બોલી કે—“હે પૂજ્ય! આ તમારા પુત્રને તમે લઈ જાઓ.’’ એમ કહીને તેણે તે બાળકને સાધુના પાત્રમાં મૂક્યો, એટલે તેને ધર્મલાભ આપીને ધનગિરિ ગુરુ પાસે લઈ આવ્યા. દૂરથી વજ્ર જેવા ભા૨વાળી ઝોળી લઈને આવતા જોઈને ગુરુએ તે ઝોળીમાંથી
બાળકને કાઢીને પોતાના ઉત્સંગમાં લઈ તેનું વજ્રકુમાર નામ રાખ્યું. પછી ગુરુએ તે બાળકને સાધ્વીના ઉપાશ્રયમાં સોંપ્યો. ત્યાં પારણું બાંધીને શ્રાવિકાઓ તેનું પાલન પોષણ કરવા લાગી. તે
બાળક પારણામાં સૂતો સૂતો, સાધ્વીઓ શ્રુતનો અભ્યાસ કરતી હતી તેનું શ્રવણ કરવાથી જ, અગિયાર અંગ શીખી ગયો. અનુક્રમે તે ત્રણ વર્ષનો થયો ત્યારે તેના પિતા તથા ગુરુ વિહારના ક્રમે
ફરીથી ત્યાં આવ્યા. તે અવસરે વજ્રકુમારની માતા સુનંદાએ આવીને મુનિ પાસે પોતાનો પુત્ર માગ્યો, પણ તેમણે પાછો આપ્યો નહીં. એટલે સુનંદાએ રાજા પાસે ફરિયાદ કરી. ત્યારે રાજાએ ઠરાવ કર્યો કે “તે બાળકનો પિતા તથા તેની માતા તેને સભાની સમક્ષ બોલાવે, તેમાં જેની પાસે તે જાય તેને તે પુત્ર સ્વાધીન કરવો.’ પછી વજ્રકુમારને સભામાં બોલાવ્યો, તેની એક બાજુએ થોડે દૂર તેના પિતાને અને બીજી બાજુએ તેની માતાને બેસાડ્યાં. પછી હાથમાં દ્રાક્ષ, સાકર, રમકડાં વગેરે રાખીને તેને બતાવતી સુનંદા બોલી કે–‘“હે પુત્ર! અહીં આવ, અહીં આવ, આ લે.’’ એ સાંભળી લોભ પમાડતી માતાને જોઈ વજકુમારે વિચાર્યું કે‘માતા એ તીર્થરૂપ છે; પરંતુ તે આ ભવમાં જ સુખ આપી શકે છે, અને ગુરુ તો દરેક ભવમાં સુખ આપે છે.’' એમ વિચારીને તે તેની પાસે ન ગયો. પછી તેના પિતાએ પોતાનો ઓધો (રજોહરણ) બતાવીને કહ્યું કે—“આ લે” એટલે તે દોડીને ત્યાં ગયો અને પિતાનો ઓઘો લીધો. તેથી તે પુત્ર તેમને આપવાનો નિશ્ચય થયો; એટલે તે સુનંદાએ પણ વૈરાગ્ય પામીને દીક્ષા લીઘી. વજ્રકુમારે પણ ત્રણ વર્ષની વયે ચારિત્ર અંગીકાર કર્યું.
એકદા વિહાર કરતાં માર્ગમાં સર્વ સાધુઓમાંથી વજસ્વામીની પરીક્ષા કરવા માટે તેનો પૂર્વભવનો મિત્ર કે જે દેવતા થયો હતો તેણે જળની વૃષ્ટિ કરી. નિરંતર વરસાદ પડવાથી સર્વ સાધુઓ વૃક્ષ નીચે ઊભા રહી સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. પછી તે દેવે મોટો સાર્થ વિકુર્વાને ત્યાં આવી પડાવ નાંખ્યો, અને આહારને માટે મુનિઓ પાસે વિનંતિ કરવા ગયો. ત્યારે ગુરુ બોલ્યા કે,‘‘બીજા કોઈને આ વખતે આહા૨ની ઇચ્છા નથી; પરંતુ આ વજ્રમુનિ બાળક છે, માટે તેને લઈ જાઓ.’’ એ પ્રમાણે ગુરુની આજ્ઞા થતાં વજ્રમુનિ તે સાર્થવાહની સાથે આહાર લેવા ગયા. તે દેવ ઘેબર વિકુર્તીને મુનિને આપવા લાગ્યો. ત્યારે મુનિએ તેની સામે જોયું તો તેની અનિમેષ દૃષ્ટિથી તેને દેવતા ઘારી આહાર લીઘો નહીં. તે જોઈને પ્રસન્ન થઈ તે દેવ બોલ્યો કે “હે મુનિ! હું તમારો પૂર્વ ભવનો મિત્ર દેવતા છું. તમારા ચારિત્રની પરીક્ષા કરવા માટે આવ્યો છું; પણ તમારું ચારિત્ર ચલિત કરવાની મારી શક્તિ નથી. માટે હું તમારાપર પ્રસન્ન થયો છું; તેથી તમે કાંઈ પણ વરદાન માગો.’’ તે સાંભળીને વજ્રમુનિએ કહ્યું કે “અમારે કાંઈ પણ ઇચ્છા નથી.’’ તે સાંભળીને અધિક પ્રસન્ન થયેલા તે દેવે તેમને વૈક્રિયલબ્ધિ આપી. ફરીથી બીજી વાર પરીક્ષા કરીને આકાશગામિની વિદ્યા આપી. એવી રીતે વજ્રમુનિને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org