________________
પ૭
વ્યાખ્યાન ૧૫]
સમકિતની પ્રથમ શુદ્ધિ-મનશુદ્ધિ કહીને તે સંબંધી સર્વ વૃત્તાંત રાજાને કહી બતાવ્યું. તે વખતે શાસનદેવતાએ પણ જયસેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. રાજાએ “બંધુશ્રી જ દુષ્ટ છે” એમ નિશ્ચય થવાથી તેને ગામ બહાર કાઢી મૂકી.
પછી રાજાએ જયસેનાને પૂછ્યું કે “હે ગુણિયલ બહેન! જગતમાં કયો ઘર્મ શ્રેષ્ઠ છે? તે તું કહે.” જયસેના બોલી કે “સ્યાદ્વાદથી યુક્ત એવા જૈનઘર્મ વિના બીજા સર્વ ઘર્મો એકાંતવાદી અને ઘણા દોષયુક્ત હોવાથી આરાઘવા યોગ્ય નથી.” ફરી રાજાએ પૂછ્યું કે-“હે શીલવંતી! ગંગા પ્રયાગ વગેરે તીર્થોમાં કયું તીર્થ સંસારતારક છે?” જયસેના બોલી-“હે રાજા! લોકમાં અડસઠ તીથ કહેવાય છે, પણ તે સર્વે આત્મઘર્મને પુષ્ટિ આપનારાં નથી; તીર્થ તો માત્ર એક સિદ્ધાચળ જ છે. કેમકે તે ગિરિપર કાર્તિક શુદિ પૂર્ણિમાએ શ્રી ઋષભદેવના પુત્રો દ્રાવિડ અને વારિખીલ મુનિ દશ કરોડ સાધુઓ સહિત મુક્તિ પામ્યા છે. ફાગણ શુદિ દશમને દિવસે નમિ અને વિનમિ નામના મુનિ બે કરોડ સાધુઓ સહિત સિદ્ધિપદને પામ્યા છે. ફાગણ શુદિ આઠમને દિવસે શ્રી ઋષભદેવ સ્વામી નવાણું પૂર્વ વખત તે ગિરિપર આવ્યા છે. શ્રી શાંતિનાથ સ્વામીએ તેના પર ચાતુર્માસ કર્યું હતું. તે વખતે મુનિવેષે તથા શ્રાવક વેષે મળીને સત્તર કરોડ મનુષ્યો સિદ્ધિ પામ્યાં હતાં. બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામીના હાથથી દીક્ષિત થયેલા પંચાણું હજાર સાધુઓ તે પર્વત પર ચાતુર્માસ રહ્યા હતા. તેમાંથી કાર્તિક શુદિ પૂર્ણિમાને દિવસે દશ હજાર સાધુઓ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા. આસો શુદિ પૂર્ણિમાએ પાંચ પાંડવો વીશ કરોડ સાધુઓ સહિત સિદ્ધ થયા હતા. ફાગણ શુદિ તેરસને દિવસે શાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડાત્રણ કરોડ સાધુઓ સહિત મુક્તિપદને પામ્યા છે. શ્રી કાલિક મુનિ એક હજાર સાધુઓ સહિત, શ્રી સુભદ્ર મુનિ સાતસો મુનિઓ સહિત, શ્રી રામચંદ્ર પાંચ કરોડ મુનિ સહિત, શ્રી રામના ભાઈ ભરત ત્રણ કરોડ મુનિ સહિત તથા શ્રી વસુદેવની બોંતેર હજાર સ્ત્રીઓમાંથી પાંત્રીસ હજાર સ્ત્રીઓ તે જ સિદ્ધગિરિપર સિદ્ધપદને પામી છે. બીજી સાડત્રીસ હજાર સ્ત્રીઓ બીજે સ્થાને સિદ્ધિપદને પામી છે. તથા દેવકી અને રોહિણી નામની વસુદેવની સ્ત્રીઓ તો આગામી કાળે તીર્થકર થવાની છે. સુકોશલ મુનિ વાઘણના કરેલા ઉપસર્ગથી કાળઘર્મ પામીને પંગુલગિરિ (સિદ્ધાચળની એક ટૂંક) પર સિદ્ધ થયા છે. ઇત્યાદિ અનંત સાઘુઓ તે ગિરિપર સિદ્ધિપદ પામ્યા છે અને પામશે.
ચૈત્ર શુદિ પૂર્ણિમાને દિવસે તે ગિરિપર શ્રી પુંડરિક ગણઘર પાંચ કરોડ મુનિઓ સહિત સિદ્ધ થયા છે, માટે હે રાજા! એકવાર શ્રી શત્રુંજયને જોવાથી (યાત્રા કરવાથી) સર્વ તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે સાંભળીને રાજા વગેરે સર્વ લોકોએ શ્રી જૈનઘર્મનો તથા શ્રી સિદ્ધાચળ તીર્થનો સ્વીકાર કર્યો અને તેને જ માનવા લાગ્યા.
પછી રાજાએ જયસેનાને મોટા ઉત્સવપૂર્વક તેને ઘેર મોકલી. કેટલેક કાળે જયસેનાએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, અનુક્રમે તપસ્યા કરીને તે સિદ્ધિપદને પામી.
સ્યાદ્વાદ ઘર્મના વિચારમાં જ ચિત્ત રાખનારી તથા મિથ્યાદર્શનપર કિંચિત્ પણ રાગ નહીં રાખનારી જયસેના મનની શુદ્ધિથી અનુક્રમે અનંત સુખવાળું મોક્ષપદ પામી. તે જ પ્રમાણે હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ મનઃશુદ્ધિને દ્રઢ કરો, જેથી તમને પણ કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય.”
|| પ્રથમ સત્ર સમાપ્ત |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org