________________
3४
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૧ જણાય છે, કે જેણે સર્વ લોકોને ભ્રમમાં નાંખ્યા છે, પરંતુ સૂર્ય જેમ અંઘકારને સહન ન કરે અને સિંહ જેમ પોતાની કેશવાળીના છેદને સહન ન કરે, તેમ હું તેને સહન કરી શકીશ નહીં. મેં મોટા મોટા વાદીઓને મોટી સભામાં મૌન ધારણ કરાવ્યું છે, તો આ માત્ર ઘરમાં જ શૂરવીર એવો મારી પાસે કોણ માત્ર છે? જે વાયુએ મોટા હાથીઓને ઉડાડી દીધા છે તેની પાસે રૂનું પૂમડું શા હિસાબમાં છે?” આવાં તેનાં વચનો સાંભળીને અગ્નિભૂતિ બોલ્યો કે “હે ભાઈ! આવા સામાન્ય ઘૂર્ત ઉપર તમારે શા માટે પરાક્રમ ફોરવવું જોઈએ? શું પક્ષીરાજ (ગરુડ) નાના કીડાઓ ઉપર પોતાનું પરાક્રમ વાપરે છે? માટે આવા સાઘારણ વાદી ઉપર તમારે જાતે શા માટે પ્રયત્ન કરવો જોઈએ? હે બંધુ! હું જ તેની પાસે જઈશ. એક કમળનો છોડ ઉખેડવા સારુ શા માટે એરાવણ હાથીને લઈ જવો જોઈએ?” તે સાંભળીને ગૌતમે પોતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે, “હે ભાઈ! મેં સર્વવાદીઓનો પરાજય કર્યો છે, છતાં આ મગના પાકમાં રહેલા કોરડુંની જેમ, ઘાણીમાં આખા રહેલા તલના કણની જેમ, અને અગતિએ સમુદ્રનું પાન કરતાં બાકી રહેલા જળબિંદુની જેમ નાના ખાબોચિયા જેવો બાકી રહ્યો છે; પરંતુ તેને એકને જીત્યા વિના બઘાને જીત્યા તે ન જીત્યા બરાબર ઠરે છે; કેમકે એક વાર શિયળનું ખંડન કરનાર સતી સ્ત્રી કાયમને માટે અસતી કહેવાય છે. સમુદ્રમાં રહેલા વહાણમાં એક નાનું પણ છિદ્ર હોય, તો તે સમગ્ર વહાણને ડુબાવી દે છે. અહો! મારા ભયને લીઘે ગૌડદેશના પંડિતો તો દૂર દેશ જતા રહ્યા છે, ગુજરાતના વિદ્વાનો જર્જરિત થઈને ત્રાસ પામ્યા છે, માલવ દેશના પંડિતો તો મૃત્યુ પામી ગયા છે, અને તિલંગ દેશમાં ઉદય પામેલા પંડિતો અસ્તને પામ્યા છે; વિશ્વને વિષે મારી સામે વાદ કરે એવો એક પણ પંડિત રહ્યો નથી. માત્ર આ એક જ ઘૂર્ત જેમ દેડકો કૃષ્ણ સર્પને લાત મારવા તૈયાર થાય, જેમ બળદ એરાવણ 'હાથીને શીંગડાં મારવા તૈયાર થાય અને જેમ હાથી પોતાના દાંતવડે પર્વતને પાડવા યત્ન કરે, તેમ મારી સાથે વાદ કરવા ઇચ્છે છે; અથવા એણે અહીં આવીને મને જે ક્રોઘ પમાડ્યો છે, તે તેણે સૂતેલો સિંહ જગાડ્યો છે. પોતાની આજીવિકાને અને યશને હાનિ પહોંચાડવા માટે તેણે આવું અવિચારી કૃત્ય શું કર્યું? એણે વાયુની સન્મુખ રહીને અગ્નિ સળગાવ્યો છે, દેહના સુખને માટે કૌચલતાનું તેણે આલિંગન કર્યું છે, અને શેષનાગની ફણા ઉપરનો મણિ લેવા માટે તેણે હાથ લાંબો કર્યો છે. અરે! જ્યાં સુધી સૂર્યનો ઉદય થયો ન હોય ત્યાં સુધી જ ખદ્યોત અને ચંદ્ર પ્રકાશ કરી શકે છે; પણ સૂર્યનો ઉદય થયો એટલે ખદ્યોત અને ચંદ્ર ક્યાંય જતા રહે છે. એક જ સિંહના નાદ વડે સર્વ પશુઓ નાસી જાય છે. જ્યાં સુધી ગુફામાં રહેલા સિંહના પૂંછડાના ઝપાટાનો શબ્દ સાંભળ્યો નથી, ત્યાં સુધી જ મદોન્મત્ત હાથી કાળા મેઘની જેવી ગર્જના કરે છે, પરંતુ જેમ દુષ્કાળમાં ભૂખ્યા માણસને ક્યાંયથી અન્ન મળી જાય તેમ મને આજે મારા ભાગ્યવશાત્ આ વાદી મળ્યો છે. માટે હવે હું તેની પાસે જાઉં. યમરાજને કાંઈ માલવદેશ દૂર નથી, ચક્રવર્તીને કાંઈ પણ અજેય નથી; પંડિતોને કાંઈ અજાણ્યું નથી, અને કલ્પવૃક્ષને કાંઈ પણ ન આપવા લાયક હોતું નથી; તેથી આજે તેની પાસે જઈને તેનું પરાક્રમ જોઈ લઉં. સાહિત્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર વગેરે સર્વ શાસ્ત્રોમાં હું નિપુણ છું. કયા શાસ્ત્રમાં મારો પ્રયાસ નથી? તેથી આ વાદીને હું જીતું અને તેના સર્વજ્ઞપણાના આડંબરને દૂર કરું.”
૧ કૌચનો સ્પર્શ માત્ર કરવાથી આખા શરીરે ચળ ઊઠે છે, તો તેને આલિંગન કરવાથી શું ન થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org