________________
૨૫ -
વ્યાખ્યાન ૫]
સમકિતની પહેલી શ્રદ્ધા–પરમાર્થસંસ્તવન તેણે વિચાર્યું કે “અહો! આ રાણી દુરાચારિણી જણાય છે, અને મારા સિવાય બીજો કોઈ પુરુષ વઘારે પ્રિય લાગે છે; તેથી ખરેખર આ વ્યભિચારિણી છે; તો પછી બીજી સર્વે રાણીઓ પણ વ્યભિચારિણી હોય તેમાં શું આશ્ચર્ય!” આ પ્રમાણે મનમાં નિર્ણય કરી રોષને ઘારણ કરતા રાજાએ વિચારમાં ને વિચારમાં નિદ્રારહિતપણે રાત્રિ નિર્ગમન કરી. “ઘણું કરીને ડાહ્યા માણસો પણ પોતાની સ્ત્રીને સ્નેહથી બોલાવનાર ઉપર ઈર્ષ્યાળુ થાય છે.”
પ્રાતઃકાળે રાજાએ અભયકુમારને બોલાવીને આજ્ઞા કરી કે “મારું સમગ્ર અન્તઃપુર દુરાચારી છે; તેથી હમણા જ આખા અન્તઃપુરને સળગાવી મૂક. આ બાબત મને બીજી વાર પૂછીશ નહીં.” તે સાંભળીને અભય બોલ્યો કે “પિતાનું વાક્ય પ્રમાણ છે.” પછી શ્રેણિક રાજા તરત જ જિનેશ્વરને વાંદવા ગયા. પ્રભુના મુખથી ઘર્મદેશના સાંભળ્યા પછી રાજાએ પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી!ચેટક રાજાની પુત્રી (ચેલણા)ને એક જ પતિ છે કે અનેક પતિ છે?' સ્વામીએ ઉત્તર આપ્યો કે “હે શ્રેણિક! ચેટકરાજાની સાત પુત્રીઓ અને તારી સર્વ સ્ત્રીઓ ઘર્મપત્ની (પતિવ્રતા) છે. ગઈ કાલે અહીંથી જતાં તે તથા ચેલણાએ નદીતીરે જે મુનિને જોયા હતા તેનું સ્મરણ કરીને મધ્યરાત્રે ચેલણાએ કહ્યું હતું કે “આવી ટાઢમાં તેમની શી ગતિ (દશા) થઈ હશે?” પરંતુ બીજાને આશ્રયીને તે બોલી નથી.” આ પ્રમાણેનાં વચનો ભગવાનના મુખથી સાંભળીને શ્રેણિક રાજા પોતાના ઘર તરફ ઉતાવળથી ચાલ્યા.
અહીં અભયકુમારે રાજાની આજ્ઞા થયા પછી વિચાર્યું કે, “રાજાએ મને આજ્ઞા તો આપી છે; પણ તે કાર્ય સહસા કરવાથી પરિણામે અત્યંત દુઃખદાયી થશે.” એમ વિચારીને તેણે અન્તઃપુરની પાસે રહેલા ઘાસનાં ઘરો ખાલી કરી જીવજંતુરહિત શોધાવીને સળગાવી મૂક્યાં. પછી તે પણ ભગવાનના સમવસરણ તરફ ચાલ્યો. માર્ગમાં શ્રેણિક રાજા સામા મળ્યા. તેણે અભયને પૂછ્યું કે “તેં શું કર્યું?” અભય બોલ્યો કે “આપની આજ્ઞા પ્રમાણે કર્યું છે.” તે સાંભળીને રાજાએ ક્રોઘથી કહ્યું કે “મારી દ્રષ્ટિથી દૂર જા, મને તારું મુખ દેખાડીશ નહીં; આવું અવિચારી કામ તારા વિના બીજો કયો મૂર્ણ કરે?” તે સાંભળીને “પિતાનું વાક્ય પ્રમાણ છે.” એમ કહીને અભયકુમારે સમવસરણમાં જઈ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી.
અહીં રાજાએ ગામમાં આવીને જોયું, તો માત્ર ઘાસનાં ઘરો જ સળગાવેલાં દીઠાં, એટલે તેણે વિચાર્યું કે “અહો! અભયે મને કપટ કરીને છેતર્યો, જરૂર તેણે દીક્ષા લઈ લીધી હશે.” એમ વિચારીને તે મૂઠી વાળીને દોડતા પાછા સમવસરણમાં આવ્યા. ત્યાં તો અભયકુમારને વ્રત લઈને બેઠેલા દીઠા, એટલે “તેં મને છેતર્યો. ખેર, તેં તારું કામ કરી લીધું. આટલો વખત મેં તને દીક્ષામાં અંતરાય કર્યો તે બદલ ખમાવું છું.” એમ કહીને શ્રેણિક રાજાએ તેમને વંદના કરી, અને ક્ષમા માગીને ઘેર ગયા. અભયમુનિ પ્રભુ પાસે રહી ચારિત્ર પાળી તપસ્યા કરી કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવતા થયા.
“આ પ્રમાણે ગુણના સ્થાનરૂપ અભયમંત્રીએ પરમાર્થસંસ્તવ નામની પ્રથમ શ્રદ્ધાને સફળ કરી; તેમ હે ભવ્ય જીવો! તમારે પણ જો મુક્તિરૂપી સ્ત્રીને આલિંગન કરવાની ઇચ્છા હોય તો તમે પણ તે પ્રમાણે કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org