________________
વ્યાખ્યાન ૫]
સમકિતની પહેલી શ્રદ્ધા–પરમાર્થસંસ્તવ અભયે પૂછ્યું કે, “અહીં કેમ ઘણા લોકો એકઠા થયા છે?” ત્યારે તેઓએ તેને મુદ્રાનું વૃત્તાંત કહ્યું. તે સાંભળીને કુમારે કહ્યું કે “એ વાત કાંઈ દુષ્કર નથી, તરત જ બની શકે તેમ છે.” એમ કહીને તેણે કાંઠા પર રહીને એક છાણનો પિંડો તે મુદ્રિકા ઉપર નાંખ્યો, એટલે તે મુદ્રિકા છાણમાં ચોંટી ગઈ. પછી તે છાણ સુકાઈ ગયું, એટલે તે જળ વિનાનો કૂવો જળથી પૂર્ણ ભરી દીઘો. તે વખતે પેલું શુષ્ક છાણું મુદ્રિકા સાથે તરીને ઉપર આવ્યું. અભયકુમારે તે પોતાને હાથે લઈ લીધું અને તેમાં ચોંટી રહેલી વીંટી ઉખેડીને રાજાને મોકલી.
આ વૃત્તાન્ત સાંભળીને હર્ષ પામેલો રાજા શ્રેણિક જાતે કૂવા પાસે આવી કુમારને જોઈ અત્યંત ખુશ થયો. પછી રાજાએ કુમારને આલિંગન દઈને પૂછ્યું કે, “હે વત્સ! તું કયા ગામથી આવે છે? અથવા શું તું આ જ ગામમાં રહે છે?” કુમારે પ્રણામ કરીને જવાબ આપ્યો કે “હે સ્વામી! હું બેનાતટ નામના પુરમાંથી આજે જ અહીં આવ્યો છું.” રાજાએ પૂછ્યું “તે ગામમાં એક ઘન નામે શ્રેષ્ઠી રહે છે, તેને સુનંદા નામની પુત્રી છે, તેનું વૃત્તાંત તું કાંઈ જાણે છે?” કુમારે કહ્યું કે-“હાજી. તેણે એક પુત્ર પ્રસવ્યો છે. તેનું નામ અભયકુમાર પાડ્યું છે. તે કુમાર રૂપ, ગુણ અને ઉમ્મરવડે મારા જેવો જ છે. હે સ્વામી! મને જોવાથી તેને જ જોયો એમ જાણો. તેની સાથે મારે ગાઢ સ્નેહ છે. તેના વિના હું એક ક્ષણ પણ રહી શકતો નથી.” રાજાએ પૂછ્યું કે-“ત્યારે તેને મૂકીને તું અહીં કેમ આવ્યો?” કુમાર બોલ્યો “તેને અને તેની માતાને અહીં સમીપના ઉદ્યાનમાં જ મૂકીને હું અત્રે આવ્યો છું.” તે સાંભળીને રાજા તે કુમારની સાથે ઉદ્યાનમાં ગયો અને પોતાની પ્રિયા સુનંદાને મળ્યો. રાજાએ સુનંદાને પૂછ્યું કે, “તે વખતે તને જે ગર્ભ હતો તે પુત્ર ક્યાં છે?”
સુનંદા બોલી કે, “હે પ્રાણનાથ! આ આપની સાથે આવ્યો તે જ તે પુત્ર છે.” તે સાંભળી રાજાએ કુમારને કહ્યું કે, “હે વત્સ! તું મારી પાસે જૂઠું કેમ બોલ્યો?” તેણે જવાબ દીધો કે “હું નિરંતર મારી માતાના હૃદયમાં રહું છું; તેથી મેં તેવો જવાબ આપ્યો હતો.” તે સાંભળી રાજાએ આનંદ પામી કુમારને પોતાના ખોળામાં બેસાડ્યો. પછી રાજાએ અતિ આનંદપૂર્વક ધ્વજતોરણથી શણગારેલા રાજગૃહનગરમાં સુનંદાને પ્રવેશ કરાવ્યો, અને અભયકુમારને ચારસો નવાણું મંત્રીઓમાં પ્રઘાનમંત્રીનું પદ આપ્યું. પછી તે બુદ્ધિશાળી અભયકુમારને આગળ કરીને શ્રેણિક રાજાએ ઘણા દેશો સાધ્યા (પોતાને તાબે કર્યા).
એકદા શ્રી મહાવીરસ્વામી રાજગૃહીના ઉપવનમાં સમવસર્યા. તેમને વાંચવા માટે અભયકુમાર ગયો. ત્યાં ઘણા દેવ, દેવી, સાધુ, સાધ્વી વગેરેથી વ્યાપ્ત એવી ભગવાનની પર્ષદામાં એક કુશ ગાત્રવાળા શાન્ત મહર્ષિને જોઈને કુમારે ભગવાનને પૂછ્યું કે “હે સ્વામી! આ મહર્ષિ કોણ છે?” પ્રભુ બોલ્યા કે-“એ વીતભયપત્તનના રાજા નીતિમાન ઉદયન છે. તે રાજ્યાવસ્થામાં મને વાંદવા આવ્યા હતા, ત્યારે મેં તેમને આ પ્રમાણે ઘર્મોપદેશ આપ્યો હતો કે સંધ્યાના રંગ જેવું, પાણીના પરપોટા જેવું અને દર્ભના અગ્ર ભાગ ઉપર રહેલા જળના બિંદુ જેવું આ જીવિત ચંચળ છે, અને યુવાવસ્થા નદીના પૂરની જેમ વહી જનારી છે, તો તે પાપી જીવ! તું કેમ બોઘ પામતો નથી? અહો! મુક્તિના જેવું સુખ આ સંસારમાં કોઈ પણ સ્થળે નથી. આ વિષય પર અંગારદાહકનું દ્રષ્ટાંત છે તે તમે સાંભળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org