________________
૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ પોતાના પિતાનું ઠેકાણું પૂછે ત્યારે મારે શો જવાબ આપવો?” તે સાંભળીને શ્રેણિકે ખડી વડે ભારવટ ઉપર આ પ્રમાણે અક્ષર લખાવ્યા કે
“राजगृहे पालि गाम गोवालि धवले टोडे घर कहीया" રાજગૃહનગરમાં તે ગામના ગોવાળ (રાજા) અમે છીએ અને ઉજ્વળ ટોડાવાળું (રાજમહેલ) અમારું ઘર છે એમ કહેજે.”
આ વિષય ઉપર ઘર્મોપદેશમાળામાં નીચે પ્રમાણે શ્લોક છે– गोपालकाः पाण्डुरकुड्यवन्तो, वयं पुरे राजगृहे वसामः ।
आह्वानमंत्रप्रतिमानितीमान्, वर्णान् लिखित्वार्पयति स्मचास्यै ॥४॥ ભાવાર્થ-“ગોનું પાલન કરનારા અને શ્વેત વર્ણની ભીંતોવાળા રાજગૃહપુરમાં અમે રહીએ છીએ. આ પ્રમાણે પુત્રનું આહ્વાન કરવાના (બોલાવવાના) મંત્રના જેવા અક્ષરો લખીને શ્રેણિકે તેને (સુનંદાને) આપ્યા.”
પછી પ્રિયાને યુક્તિપ્રયુક્તિથી સમજાવી તેની રજા લઈને શ્રેણિક રાજગૃહનગરે આવ્યો, અને પિતાના ચરણકમળમાં પડી નમ્યો. તેને આવેલો જોઈને રાજાએ હર્ષનાં અશ્રુજળ સાથે સુવર્ણકળશના જળ વડે મહોત્સવપૂર્વક તેને રાજ્યાભિષેક કર્યો. પછી રાજાએ તપશ્ચર્યા અંગીકાર કરી, અને અનુક્રમે દેવલોકને પામ્યો.
શ્રેણિકે રાજા થયા પછી પરીક્ષા કરી કરીને ચારસો નવાણું મંત્રીઓ કર્યા. પછી તે સર્વનો ઉપરી ઇંગિતાકાર વડે પારકા મનની વાતને પણ જાણે એવો મંત્રી કરવાની ઇચ્છાથી તેણે પરીક્ષા કરવા માટે પોતાની ઊર્મિકા (વીંટી) એક જળ વિનાના ઊંડા કૂવામાં નાંખીને આઘોષણા કરાવી કે “આ ઊર્મિકાને જે પુરુષ કૂવાને કાંઠે રહીને પોતાના હાથવડે લઈ લેશે તે સર્વ મંત્રીઓમાં અગ્રેસર (મુખ્ય) મંત્રી થશે.” તે સાંભળી સર્વે મંત્રીઓ તથા બીજા ઘણા વિચક્ષણ પુરુષો તે કૂવા પાસે આવી તે મુદ્રિકા (વીંટી) લેવાનો પ્રયાસ કરવા લાગ્યા; પણ સર્વે ખેદ પામી નિરાશ થઈને પાછા ગયા.
અહીં બેનાતટમાં સુનંદાએ ગર્ભસમય પૂર્ણ થતાં એક પુત્રને જન્મ આપ્યો. તેનું અભયકુમાર નામ પાડ્યું. તે કુમાર અનુક્રમે મોટો થયો, તેને નિશાળે મોકલ્યો. ત્યાં તે સર્વ કળાઓમાં ઘણો નિપુણ થયો. એકદા તેને સાથે ભણનારા છોકરાઓ સાથે કજિયો થયો, એટલે તે છોકરાઓએ અભયને “બાપ વિનાના' કહીને તેની મશ્કરી કરી. તે સાંભળીને અભયે અતિ ખેદયુક્ત થઈ માની પાસે જઈ તેને પૂછ્યું કે “હે માતા! મારા પિતા કોણ છે અને ક્યાં છે?” સુનંદાએ કહ્યું કે, “હે વત્સ! તે હું જાણતી નથી. કોઈ પરદેશી પુરુષ મને પરણીને થોડી મુદત અહીં રહીને ગયેલ છે; પરંતુ જતી વખતે તેણે આ ભારવટ ઉપર કાંઈક અક્ષરો લખ્યા છે.” તે સાંભળીને અભયકુમારે ભારવટ પરના અક્ષરો વાંચી પિતાનું સ્વરૂપ જાણી માતાને કહ્યું કે “હે માતા! મારા પિતા તો રાજગૃહી નગરીના રાજા છે, માટે હવે આપણે ત્યાં જઈએ.” પછી ભદ્રશ્રેષ્ઠીની રજા લઈને અભયકુમાર પોતાની માને સાથે લઈ રાજગૃહી નગરીના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં સુનંદાને બેસાડીને અભયકુમારે ગામમાં પ્રવેશ કર્યો. પેલા કૂવા પાસે આવતાં ઘણા લોકોને એકઠા થયેલા જોઈને
૧. એક અર્થ પૃથ્વીનું પાલન કરનાર રાજા, બીજો અર્થ ગાયનું પાલન કરનાર ગોવાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org