________________
૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૧ દરવાજા પર ચોકી કરવા રાખીને સમવસરણમાં આવ્યો; પાછળ તે બ્રાહ્મણે પુરદેવની પાસે વડાં, પકવાન્ન વગેરે ઘણું નૈવેદ્ય પુરજનોએ મૂકેલું હતું તે કંઠ સુઘી ઠાંસી ઠાંસીને ખાધું. પછી અત્યંત તૃષા લાગવાથી પાણી પાણી કરતો મૃત્યુ પામીને તે દરવાજાની જ પાસેની વાવમાં દેડકો થયો.
એકદા ફરીથી અમારું સમવસરણ અહીં થયું. તે વખતે અમને વંદન કરવાની ઉત્કંઠાવાળી પાણી ભરનારી સ્ત્રીઓના મુખથી અમારું આગમન સાંભળીને તે દેડકાને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે દેડકો અમને વાંચવા માટે વાવમાંથી બહાર નીકળી માર્ગમાં કૂદતો કૂદતો આવતો હતો, તેવામાં તમે પણ તે રસ્તેથી અહીં આવતા હતા, એટલે તમારા ઘોડાના પગ નીચે દબાઈને અમારા ધ્યાનમાં મરણ પામી સૌધર્મ દેવલોકમાં દર્દરાંક નામે દેવતા થયો.
તે દેવ આજે ઇન્દ્ર પોતાની સભામાં કરેલી તમારા સમકિતની પ્રશંસા સાંભળીને તે પર શ્રદ્ધા નહીં આવવાથી તમારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યો, અને તેણે કુષ્ઠના મિષથી ગોશીર્ષચંદનવડે અમારી ભક્તિ કરી.”
આ પ્રમાણે તે દેવનું વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજાએ ફરીથી પ્રભુને પૂછ્યું કે, “હે ભગવાન! તે દેવતાએ આપને છીંક આવી ત્યારે મરવાનું શા માટે કહ્યું, મને ચિરકાળ જીવવાનું શા માટે કહ્યું, અભયકુમારને “જીવો અથવા મરો” કેમ કહ્યું અને કાલસૌકરિકને “ન મરો, ન જીવો' એવું શા હેતુથી કહ્યું?” જિનેશ્વર બોલ્યા કે, “હે રાજા! તે દેવે ભક્તિના રાગથી અમને એમ કહ્યું કે હે સ્વામી! તમે સમગ્ર કર્મનો ક્ષય કરીને જન્મ જરા મરણ વગેરેથી રહિત સ્વાભાવિક સુખવાળા મોક્ષપદને જલદી પામો. તમને ચિરકાળ જીવવાનું એવા હેતુથી કહ્યું કે, તમે જીવતા છો ત્યાં સુધી રાજ્યસુખને અનુભવો છો, પણ મરી ગયા પછી ઘોર નરકમાં જવાના છો માટે ઘણો કાળ જીવતા રહો એમ કહ્યું, તથા અભયકુમાર મંત્રીને જે કહ્યું તે એવા હેતુથી કહ્યું કે તે જીવતો સતો અહીં સુખ ભોગવે છે, અને મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થનાર છે, માટે “મરો અથવા જીવો” એમ કહ્યું, અને કાલસૌકરિકને એવા અભિપ્રાયથી કહ્યું કે–તે અહીં આવીને હમેશાં પાંચસો પાડાનો વઘ કરે છે, અને મરીને ઘોર નરકમાં જવાનો છે, માટે તેને જીવવું કે મરવું એક્કે લાભકારી ન હોવાથી “ન મરો, ન જીવો” એમ કહ્યું.”
આ સર્વ ખુલાસા સાંભળીને રાજા આશ્ચર્ય પામી ફરીથી જિનેશ્વરને વંદના કરીને બોલ્યો કે, હે સ્વામી! મારી નરકગતિ ન થવા માટે તેના નિવારણનો ઉપાય બતાવો.” પ્રભુ બોલ્યા કે “પૂર્વે મિથ્યાત્વપણામાં તમે જે નારકીનું આયુષ્ય બાંધ્યું છે તે અવશ્ય ભોગવવું જ પડશે–તેની બીજી પ્રતિક્રિયા છે જ નહીં.” આ પ્રમાણે કહ્યાં છતાં પણ શ્રેણિકે વધારે આગ્રહ કરવાથી તેને બોઘ થવા માટે પ્રભુએ કહ્યું કે, “હે રાજા! જો તું તારી કપિલા નામની દાસીને હાથે મુનિને દાન અપાવે, અથવા હમેશાં પાંચસો પશુનો વઘ કરનાર કાલસૌકરિકને એક દિવસ હિંસાકર્મથી અટકાવે, તો તારે દુર્ગતિમાં જવું ન પડે.” તે સાંભળીને રાજા “આ કાર્ય તો મારા હાથની વાત છે” એમ ઘારતો પોતાના નગર તરફ ચાલ્યો.
માર્ગમાં દરાંક દેવે રાજાની પરીક્ષા કરવા માટે નદીમાં જાળ નાંખીને માછલાં પકડતાં એક મુનિનું રૂપ બતાવ્યું. પછી તે મુનિને મત્સ્યનું માંસ ખાતા દીઠો. એટલે રાજાએ તેને કહ્યું કે, “હે સાધુ! આ દુષ્કર્મ કરવું મૂકી દે.” ત્યારે તે સાધુ બોલ્યો કે, “હું એકલો જ આવું કર્મ કરું છું એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org