________________
૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨ મનમાં વંદન કર્યા પછી જ મેં આશીર્વાદ આપ્યા છે.” રાજા બોલ્યો- તમે સાચે જ સર્વજ્ઞપુત્ર છો, પણ તમે ઘર્મલાભ કેમ કહ્યું?” ત્યારે સૂરિ બોલ્યા કે, “હે રાજા! આ ઘર્મલાભરૂપ આશીર્વાદ ક્રોડ ચિંતામણિ કરતાં પણ અધિક દુર્લભ છે, કેમકે
दीर्घायुर्भव वर्ण्यते यदि पुनस्तन्नारकाणामपि सन्तानाय च पुत्रवान् यदि पुनस्तत्कुर्कुटानामपि । अर्थो म्लेच्छकुलाश्रिते नरपतौ संपूर्ण उद्विक्ष्यते
तस्मात्सर्वसुखप्रदोऽस्तु भवतां श्रीधर्मलाभः श्रिये ॥१॥ ભાવાર્થ-હે રાજા! તું દીર્ઘ આયુષ્યવાળો થા, એવા આશીર્વાદ આપીએ તો દીર્ઘ આયુષ્ય તો નારકી જીવોને પણ છે; સંતાનને માટે પુત્રવાન્ થા, એવો આશીર્વાદ આપીએ તો કૂકડાઓને પણ ઘણાં બચ્ચાં હોય છે. ઘનવાન થા એવો આશીર્વાદ આપીએ તો મ્લેચ્છ કુળમાં ઉત્પન્ન થયેલા રાજાને પણ સંપૂર્ણ ઘન જોવામાં આવે છે. માટે સર્વ પ્રકારનાં સુખને આપનાર ઘર્મલાભરૂપી આશીર્વાદ તમારા કલ્યાણને માટે હો.”
ઊંચા હાથ કરીને ઘર્મલાભરૂપ આશિષ આપતા સૂરિ ઉપર સંતુષ્ટ થયેલા રાજાએ તેમને કોટી દ્રવ્ય આપ્યું, પરંતુ નિઃસ્પૃહી હોવાથી તેમણે તે દ્રવ્ય લીધું નહીં, એટલે રાજાએ તે શ્રાવકોને આપ્યું, તેમણે જીર્ણોદ્ધારાદિકમાં તે દ્રવ્યનો વ્યય કર્યો.
એકદા સૂરિ વિહાર કરતાં ચિત્તોડગઢ ગયા. ત્યાં એક સ્તંભ હતો. તેની અંદર પૂર્વની આમ્નાયવાળાં પુસ્તકો ગુપ્ત રાખેલાં હતાં. તેને જળ, અગ્નિ, શસ્ત્ર વગેરેથી અભેદ્ય એવી ઔષધિઓથી લિપ્ત કરેલા જોઈને સૂરિએ તે સર્વ ઔષધિઓ ગંઘવડે ઓળખીને તેની પ્રતિસ્પર્ધી (વિરોઘી) ઔષધિઓ વડે મિશ્રિત જળ છાંટી તે સ્તંભ કમળની જેમ વિકસિત કર્યો (ખોલ્યો). પછી તેમાંથી એક પુસ્તક લઈ તેનું પ્રથમ પાનું વાંચ્યું તો તેમાં સરસવ વિદ્યા અને સુવર્ણ વિદ્યા એ બે વિદ્યાઓ જોઈ. પહેલી વિદ્યાનો ચમત્કાર એવો હતો કે તે મંત્રવડે મંત્રેલા જેટલા સરસવના દાણા જળાશયમાં નાંખે તેટલા ઘોડેસવારો તેમાંથી નીકળીને શત્રુના સૈન્યનો પરાભવ કરી પાછા અદ્રશ્ય થઈ જાય. બીજી વિદ્યા એવી હતી કે તે મંત્ર વડે મંત્રિત કરેલા ચૂર્ણના યોગથી કોટી સુવર્ણ ઉત્પન્ન થાય. પછી આગળ બીજું પાનું વાંચવા જાય છે, તેવામાં દેવીએ સૂરિને નિષેઘ કરી હાથમાંથી પુસ્તક લઈ લીધું, અને તે સ્તંભ પણ હતો તેમ પાછો મળી ગયો.
ત્યાંથી વિહાર કરીને સૂરિ કુમારપુરે આવ્યા. ત્યાંના રાજા દેવપાળે સૂરિને નમન કરીને કહ્યું કે, “હે ગુરુ! મારા સીમાડાના રાજાઓ મારું રાજ્ય લેવાને ઇચ્છે છે; માટે જો આપ કાંઈ કૃપા કરો તો મારું રાજ્ય સ્થિર થાય.” તે સાંભળીને ગુરુએ સરસવ વિદ્યાના બળે શત્રુના સૈન્યનો પરાભવ કર્યો, તેથી દેવપાળ રાજા જૈનઘર્મી થઈ આચાર્યનો એકાંતભક્ત થયો. પછી રાજાના આગ્રહથી સૂરિ હમેશાં સુખાસનમાં બેસી બંદીજનોથી સ્તુતિ કરાતા રાજસભામાં જવા લાગ્યા. આ પ્રમાણેના તેમના પ્રમાદની વાત સાંભળીને તેમના ગુરુ વૃદ્ધવાદી વેષ બદલીને ત્યાં આવ્યા. તે વખતે સિદ્ધસેન સૂરિ રાજસભામાં જવા માટે નીકળ્યા હતા. તેના સુખાસનના એક દંડને વૃદ્ધવાદીએ પોતાના સ્તંઘ ઉપર લઈ લીઘો. તે વખતે અસ્ત-વ્યસ્ત ચાલતા તે વૃદ્ધને જોઈને ગર્વિષ્ઠ સૂરિ બોલ્યા કે—હે વૃદ્ધ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org