________________
વ્યાખ્યાન ૨૬] ઉપદેશલબ્ધિ
૯૩ અન્યદા નંદિષેણ ચારિત્ર લેવા તૈયાર થયો. તે વખતે શાસનદેવીએ તેને કહ્યું કે, “હજુ તારે ભોગકર્મ ઘણાં બાકી રહ્યાં છે, માટે હાલ દીક્ષા લઈશ નહીં.” એમ નિષેધ કર્યા છતાં પણ નંદિષેણે દીક્ષા ગ્રહણ કરી. જિનેશ્વરે પણ તેને નિષેઘ કર્યો, તોપણ તેમણે પોતાનો આગ્રહ મૂક્યો નહીં, અને હર્ષપૂર્વક ચારિત્રનો સ્વીકાર કરી ઉગ્ર તપસ્યા કરતા તે પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે નંદિષેણ મુનિ અનેક સૂત્રાર્થના જાણ થયા.
કેટલેક કાળે ભોગાવળી કર્મનો ઉદય થવાથી નંદિષેણ મુનિને કામવિકાર ઉત્પન્ન થવા લાગ્યો-ભોગની ઇચ્છા થવા લાગી. તેને રોકવા માટે તેણે ઘણી ઉગ્ર તપસ્યા કરવા માંડી, આતાપના લેવા માંડી, તોપણ ઇન્દ્રિયોનો વિકાર શાંત થયો નહીં; તેથી ચારિત્રનું રક્ષણ કરવાના હેતુથી પર્વતપર ચડીને પૃપાપાત કરવાનો તેણે વિચાર કર્યો. પછી જેવો તે પડવા ગયો તેવો શાસનદેવીએ તેને ઉપાડી લીઘો અને કહ્યું કે, “શા માટે ફોકટ મરવા ઘારો છો? ભોગાવળી કર્મ પૂર્ણ કર્યા વિના મરણ થવાનું નથી.” એમ કહીને દેવી અદ્રશ્ય થઈ. પછી એક દિવસે તે મુનિએ છઠ્ઠના પારણાને માટે ગામમાં ફરતાં અજાણ્યે એક ગણિકાના ઘરમાં પેસીને ઘર્મલાભ આપ્યો. તે સાંભળીને વેશ્યા હસતી હસતી બોલી કે, “હે સાઘુ! અમારે ઘર્મલાભનું કાંઈ કામ નથી. અહીં તો અર્થલાભ જોઈએ છે.” તે સાંભળીને “આ સ્ત્રી મારી મશ્કરી કરે છે.” એમ વિચારી અભિમાનથી મુનિએ ઉપરથી એક તૃણ ખેંચીને લબ્ધિવડે દશ કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી. તે જોઈને આશ્ચર્ય પામેલી વેશ્યા તેના ચરણકમળને ભ્રમરીની જેમ વળગી પડીને બોલી કે “હે પ્રાણનાથ! અનાથ અને તમારાપર અનુરક્ત થયેલી એવી મને તજવાને તમે યોગ્ય નથી.” ઇત્યાદિ અનેક પ્રાર્થનાનાં વાક્યો સાંભળીને દેવીએ કહેલા ભોગકર્મનું સ્મરણ કરી તેના વચનોથી રક્ત થઈ તે વેશ્યાને અંગીકાર કરી; પરંતુ તે વખતે તેણે એવો અભિગ્રહ લીઘો કે, “અહીં આવતા નટવીટ પુરુષોને ઘર્મોપદેશ આપીને તેમાંથી દરરોજ દશ જણને પ્રતિબોધ પમાડી તેમને દીક્ષા લેવા મોકલ્યા પછી જ મારે ભોજન કરવું.” પછી મુનિવેષનો ત્યાગ કરી વેશ્યા સાથે કામક્રીડા કરતા સતા ત્યાં રહ્યા, અને હમેશાં દશ માણસોને પ્રતિબોઘ કરી દીક્ષા ગ્રહણ કરવા માટે પ્રભુ પાસે મોકલવા લાગ્યા. એવી રીતે બાર વર્ષ વ્યતીત થયાં. પછી એક દિવસ તેણે નવ માણસોને પ્રતિબોઘ પમાડ્યો, પણ દશમો એક સોની કોઈ રીતે પ્રતિબોઘ પામ્યો નહીં. ભોજન સમય વીતી ગયો. વેશ્યાએ બે વખત રસોઈ કરી, તે પણ ઠરી ગઈ. તે વારંવાર ભોજન માટે બોલાવવા લાગી. ત્યારે તે બોલ્યા કે, “હજુ દશમો માણસ બોઘ પામ્યો નથી.” તે સાંભળી વેશ્યા હસીને બોલી કે, “હે સ્વામી! ત્યારે દશમા તમે જ થાઓ!” તે સાંભળીને નંદિષેણ તરત જ ભોગકર્મ ક્ષીણ થવાથી ઊઠ્યા, અને વેશ્યાએ ઘણાં મોહક વાક્યોથી આગ્રહ કર્યા છતાં તેની કિંચિત્ પણ દરકાર કર્યા વિના તેને તૃણની જેમ છોડી દઈને જિનેશ્વર પાસે જઈ ફરીથી દીક્ષા ગ્રહણ કરી, અને પોતાના દુષ્કર્મની આલોચના કરીને નંદિષણ મુનિ અનુક્રમે સ્વર્ગે ગયા.
હે ભવ્ય જીવો! જેઓ આગમવાક્યની યુક્તિ વડે ભવાભિનંદી જીવોને પણ પ્રતિબોઘ પમાડે છે તેઓ નંદિષેણ મુનિની જેમ દિવ્ય ભોગો ભોગવીને અનુક્રમે સિદ્ધિપદને પામે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org