________________
ફરતું, રખડતું, ભટકતું કેવી રીતે અટકાવવું, અસ્વસ્થ મનને કેવી રીતે ઠેકાણે લાવવું, એ પ્રસન્ન કેમ બને, એ વાતો એમણે પહેલી વિચારી
એટલે એમણે કહ્યું કે તનના વૈદ્ય બનવા માત્રથી કે ભાષાના વૈદ્ય બનવા માત્રથી, આપણું શ્રેય નથી. આખર તો જેને શોધવાનું છે અને વિશુદ્ધ કરવાનું છે, તે તો મન છે.
જેનું મન શુદ્ધ છે. તંદુરસ્ત છે, એનું શરીર કદાચ માદલું હશે તોપણ, એ માંદગીની અસર એના મન ઉપર નહિ થાય. એ વિચાર કરશે કે પ્રકૃતિનો સ્વભાવ છે અને કદાચ ઘડીભર માટે શરીરને રોગ આવી જાય પણ મન તો સલામત છે ને ?
તમે જોજો કે ઘણા માણસો શરીરના અલમસ્ત હોય છે, સુખ અને સાધનથી સભર પણ હોય છે; છતાં એમને ચિંતા કોરી ખાતી હોય છે. જેવી રીતે મડદા ઉપર સમડીઓ ઘૂમરીઓ લેતી હોય છે એમ માણસના મગજ ઉપર ચિંતાઓ ઘૂમરીઓ લેતી હોય છે. એ માણસ ગમે ત્યાં જાય, એકલો પડે, તોપણ ચિંતા એનો કેડો છોડતી નથી. પછી એનું જીવન દયાજનક બની જાય છે. એનામાં જે મનનું ચૈતન્ય હતું, મનની જે તાજગી હતી, મનની જે પ્રસન્નતા રહેવી જોઈતી હતી તે ન રહેવાને કારણે, એના જીવનની સંવાદિતા, સંગીતમયતા અને સંલગ્નતા તૂટી જાય છે. તેના અભાવને લીધે એ માણસ અસ્વસ્થ અને ચિંતાઓથી ઘેરાયેલો ફરે છે.
આખી ગાડીને ખેંચનાર એન્જિન છે; પણ એન્જિનમાં મુખ્ય બળ હોય છે વરાળનું. આ વરાળ એવી પાતળી હોય છે કે હવામાં તો તે ઊડી જાય છે, પરંતુ એ વરાળને જો યોગ્ય પ્રમાણમાં સંચિત કરવામાં આવેલી હોય તો એ વરાળમાં એટલી બધી શક્તિ પડેલી છે કે તે હજારો ટનના ભારને પણ સહેલાઈથી ખેંચી જાય છે.
ટ્રેનની અંદર જે સ્થાન વરાળનું છે તે સ્થાન જીવનની અંદર મનનું છે. વરાળનો જેમ દુરુપયોગ ન થાય, વરાળને નકામી જવા ન દેવાય, તેમ આપણા મનને જ્યાંત્યાં ભટકવા ન દેવાય, એ જ્યારે ભટકવા જાય ત્યારે તમે તેને પૂછો કે તું ક્યાં ગયું હતું ?
આપણા મિત્રો સાથે વાત કરી; દોસ્તો અને જુદા જુદા માણસો સાથે વાત કરી; પણ હવે કોઈ દિવસ મન સાથે બેસીને વાત માંડીએ.
‘મન' નામના તત્ત્વની શક્તિ અને એના મહત્ત્વનો આપણે કદી વિચાર જ કર્યો નથી અને તેથી જ આપણે તનને સાચવીએ છીએ, વાણીને સાચવીએ છીએ, પણ મન નામના તત્ત્વને માટે કશી કાળજી રાખતા નથી.
Jain Education International
જીવન-માંગલ્ય * ૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org