________________
હોય તો તે મન જ છે ને !
પણ આપણે આ મૂળ શોધતા નથી અને બહાર જઈએ છીએ. આપણે મૂળમાં પાણી રેડતા નથી અને ડાળાં–પાદડાં–ફળ ઉપર પાણી રેડીએ છીએ એ ક્યાં સુધી ચાલવાનું છે ?
મહાપુરુષો કહે છે કે, જેમ વૃક્ષના મૂળમાં પાણી રેડવું પડે છે તેમ, મનના મૂળમાં પણ જ્ઞાનનું વારિ સીંચવું પડે છે. પણ આ મન કેવું છે એનો આજે આપણને ખ્યાલ નથી. મન શું છે એનો આપણી પાસે સ્પષ્ટ વિચાર નથી.
ત્યારે, જે લોકો ચિંતક છે, જે લોકો જીવનની શોધ કરનારા છે, એ લોકો કહે છે કે તન તો ઠીક, પણ ભાઈ, પહેલાં મનના વૈદ્યને શોધો.
મનનું આવું ઔષધ આપનાર નિષ્ણાત પાસે આપણે જવું જોઈએ અને એમનું દીધેલું લઈને, આપણું જે માંદલું મન છે તેને સ્વસ્થ બનાવવું જોઈએ. એવા નિષ્ણાત પાસેથી, મનની ઔષધિ લેવામાં આવશે તો રુગ્ણ મન સ્વસ્થ થશે. પછી તમે જોશો કે જેનું મન સ્વસ્થ થયું હશે, તે પ્રભાતનાં પુષ્પોની જેમ સદા પ્રસન્ન ને ખીલેલો હશે.
કોઈક વાર સ્વજનનો વિયોગ થાય, કોઈક વાર વસ્તુઓનો વિયોગ થાય, કોઈક વાર અપમાન પણ થાય, ને કોઈક વાર નહિ ધારેલું અને ન બનવા જેવું બની પણ જાય. પણ એ બધાય સંજોગોની અંદર આવો માણસ તો, પ્રભાતના પુષ્પની જેમ સુકુમારતા, પ્રસન્નતા અને વિકાસને જ મનમાં ધારણ કરશે, કારણ એનું મન નીરોગી છે, તંદુરસ્ત છે. સ્વસ્થ છે.
આવો માણસ, પૈસા હોય કે ન હોય, સત્તા હોય કે ન હોય, સાધન હોય કે ન હોય, સ્વજનો હોય કે ન હોય છતાં એ વિષાદથી હતાશ તો નહિ જ બને. એ પોતાના તંદુરસ્ત અને સ્વસ્થ મનના બળે, વિષમ સંયોગો વચ્ચે પણ ‘સમ’નો માર્ગ નહિ મૂકે.
દુનિયાએ તનને જોયું, જ્ઞાનીઓએ મનને જોયું. તેથી એમણે મનની ઉ૫૨ ખૂબ ધ્યાન આપ્યું છે. મહર્ષિ પતંજલિએ ત્રણ ગ્રંથો લખ્યા છે. વાણીને વિશુદ્ધ કરવા માટે એમણે વ્યાકરણ રચ્યું; શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વૈદકનો ગ્રંથ લખ્યો; પણ એમણે જોયું કે વાણીને વિશુદ્ધ કરી, કાયાને શુદ્ધ કરી, પણ સાથે સાથે મન જો પરિશુદ્ધ નહિ હોય તો, વાણી અને કાયા, નિર્મળ હોવા છતાં પણ, માણસ નિર્મળ અને પ્રસન્ન નહિ રહે. એ વિચારથી એમણે છેલ્લે યોગશાસ્ત્ર રચ્યું.
આ યોગશાસ્ત્રમાં તેમણે પ્રથમ વાત મનના નિરોધની કરી છે. મનને
Jain Education International
૩૪ * જીવન-માંગલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org