________________
પુણ્યને લીધે અનુકૂળ મળે ત્યારે નમ્ર બનો અને પાપને લીધે પ્રતિકૂળ મળે ત્યારે સમભાવ રાખો. પ્રતિકૂળ આવે ત્યારે અનુકૂળ બની જાઓ.
પ્રતિકૂળને અનુકૂળ થાઓ તો પ્રતિકૂળને પ્રતિકૂળ બન્યા વિના ચાલ્યા જ જવું પડે.
લોકોને સુખ ભોગવવું ગમે છે પણ દુઃખ ભોગવવું નથી ગમતું. સુખ અને દુઃખ એ બે પોતાની કરણીથી જ પ્રાપ્ત થાય છે, બંને ભોગવી લઈએ તો જ મુક્તિ થાય.
કવિવર લખે છે : પગમાં દોરીની ગૂંચ પડી હોય ત્યારે કૂદાકૂદ કરવાથી તો વધારે ગૂંચ પડે. એ વખતે તો બેસીને શાંતિથી ગૂંચ ખોલવાથી જ એ ઊકલે.
એમ આપણાં કર્મના લીધે ગૂંચ પડી જાય તે વખતે શાંતિ અને સમાધાન રાખવાને બદલે, ધ્યાન, મૌન અને સ્વાધ્યાય કરવાને બદલે ધાંધલ-ધમાલ કરીએ તો એનો ઉકેલ કેમ થાય ? ભલે બધુંય પ્રતિકૂળ થાય પણ તે અનુકૂળ બની શકે તો બધું જ સરળ બની જાય.
એક ઋષિની ચામડી ઉતારવા જલ્લાદ આવ્યો તો ઋષિ કહે કે, “તું કહે તેમ હું ઊભો રહું જેથી ચામડી ઉતારતાં તને ક્યાંય વાગી જાય નહિ.” આનું નામ જ પ્રતિકૂળને અનુકૂળ.
પ્રતિકૂળતા વખતે દુઃખમાં દુઃખ વડે વધારો કરો, આર્તધ્યાનમાં દિવસ પૂરો કરો એના કરતાં કહો કે આ દિવસ પણ પૂરો થઈ જશે. વાદળ ખસતાં પ્રકાશ પાછો આવવાનો જ છે.
આ વિચાર કોને આવે ? જે પરિસંવાદ કરે છે તેને આવે. એ પોતાને જ પૂછે કે શું આ નિમિત્તોમાં એટલી તાકાત છે કે તને દુઃખ આપી શકે ? દુઃખ તને કોણ દે છે ? નિમિત્તો નહિ, તારા પૂર્વજન્મનું દેવું દુઃખ દે છે.
સાધુને સહુ વંદન કરે પણ રસ્તામાં ગાંડો મળે તો ગાળ દે, ત્યારે સાધુ શું વિચારે ? એણે ગાળ કેમ દીધી, તુંકારો કેમ દીધો ? એમ નહિ વિચારે પણ વિચારશે કે ગાંડો છે, એને કર્મનો ઉદય છે. મારે એના નિમિત્તે આવું સાંભળવાનો ઉદય છે. તો જીવ, તું સાંભળી લે. એક કર્મ બાંધે છે, બીજો સમતા રાખે છે.
ભગવાન પાર્શ્વનાથને ધરણેન્દ્ર પૂજે છે અને સામાન્ય દેવ હેરાન કરે છે.
એક ઉપાસના કરે છે, બીજો ઉપદ્રવ અને ઉપહાસ કરે છે. એ બેની વચ્ચે સમતા રાખવી, તુલ્ય મનોવૃત્તિ રાખવી એ જ તો વિચારણાની મઝા છે. આ સમજણ જેટલી જેટલી જીવનમાં આવતી જાય, તેટલા તેટલા જન્મ સુધરતા જાય. દેવું પૂરું થઈ જતાં લેણિયાત નહિ આવે.
પૂર્ણના પગથારે ૯ ૨૧૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org