________________
તમે જુઓ છો ને આ બધું કેટલું ચંચળ છે ! ચિલીમાં તો અમુક સમયે ધરતીકંપ થાય પણ આ માનવજીવનમાં તો કઈ ઘડીએ કંપ થવાનો છે એની પોતાને પણ ખબર નથી. સાંજે સૂતેલો માણસ સવારે ઊઠ્યો જ નહિ એવું આપણે છાપામાં ક્યાં નથી વાંચતા ? અમુક ઠેકાણે ગયેલાં માણસ પાછાં આવ્યા જ નહિ એવું પણ આપણે સાંભળીએ છીએ. એટલે આ સંસાર ચિલી પ્રદેશ જેવો છે. કઈ ઘડીએ કર્યો બનાવ બની જાય એની ખબર નથી.
તો આ આત્મારૂપી રહેવાસીએ શું કરવું ? ચિલીના માણસો બે કામ કરે છે : પાયો ઊંડો નહિ અને દીવાલ તોતિંગ નહિ. એમ આ સંસારમાં આપણે આ રાગદ્વેષના પાયા ઊંડા નાખવા નહિ અને મોહની દીવાલો ઊંચી ચણવી નહિ. આ બે વસ્તુ બહુ સાવધાનીથી કરવાની છે. લોકોએ પાયા બહુ ઊંડા નાખ્યા છે, મારા-તારાના ઝઘડા ઊભા કર્યા. પહેલાં તો ઝઘડા જર, જમીન અને જોરુ માટે કરતા. હવે તો ભાષાને માટે, પંથને માટે, સંપ્રદાયને માટે, એમ જ્યાં જોવા જાઓ ત્યાં ઝઘડા થવા લાગ્યા છે. જે તરવાનું સાધન છે, જેનામાંથી કલ્યાણ થવાનું છે. જે કરવાથી આપણા આત્માના રાગદ્વેષ ઓછા થવાના છે એના નામે જ ઝઘડો ! અમૃતને જ ઝેર બનાવવું છે ! આ જાણીને માનવીએ એટલું તો સાવધાન રહેવું જ જોઈએ કે પોતાનાં રાગ-દ્વેષના પાયા ઊંડા ન નખાય, કોઈની સાથે તીવ્ર મનદુઃખ ન થાય. ઘડીભર કદી મનદુ:ખ થઈ ગયું તો સાંજ થાય તે પહેલાં તો એના ચોપડા ચોખ્ખા. શી ખબર આવતી કાલનું પ્રભાત જોવાનો વારો આવશે કે નહિ આવે ? કદાચ તમારે જોવાનો વારો આવે અને મારે જોવાનો વારો ન આવે. આપણા બેમાંથી એક જો દુનિયામાંથી ચાલ્યો જાય અને આપણો ચોપડો ચોખ્ખો કર્યા વિના એમ ને એમ ચાલ્યા જાઈએ તો બીજા જન્મમાં આપણે દેવું ચૂકવવા જવું પડે. આ જ્ઞાનદશા આવે, આ અપરોક્ષાનુભવ થાય તો આ કાયા, આ શરીર, આ ધન, જે બીજાને માટે જગતમાં ઊંડા પાયા નાખવાનું કારણ બને છે એ ઉડ્ડયનનું કારણ બની જાય છે. આ જગતમાં જેટલા દિવસો રહેવું, જેટલા મહિનાઓ રહેવું, જેટલાં વર્ષો રહેવું એમાં આપણો પાયો અજાણતાં પણ ઊંડો ન નંખાઈ જાય તે માટે જાગ્રત રહેવું. ભૂલથી પણ પાયો ઊંડો નખાઈ ગયો તો સમજી લેજો કે તમારે જ સહન કરવાનું છે. તોતિંગ દીવાલનું નુકસાન બીજા કોઈને થવાનું નથી, તમને જ થશે. ધરતીકંપ થાય છે ત્યારે તોતિંગ દીવાલો બાંધનારની છાતી ઉપર જ ધસી પડે છે.
માણસ ખૂબ લોભ કરે. ખૂબ અહંકાર કરે, આ દુનિયાની ઘણીબધી ઉપાધિઓ ઊભી કરે તો જીવ એ જ ઉપાધિઓ નીચે દબાઈ જાય છે.
Jain Education International
પૂર્ણના પગથારે * ૨૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org