________________
કારણ એ છે કે જે મરે છે અને જે નથી મરતો એવા બે જણા આ શરીરમાં ભેગા થાય છે. મરે છે એવો એક છે અને નથી મરતો એવો બીજો છે. અને એ બંનેની partnership ભાગીદારી – ચાલી રહી છે. મરનારો કોણ ? આ દેહ. અને ન મરનારો કોણ ? આ આત્મા. એટલે આત્મા આછું આછું પણ, અપ્રત્યક્ષ રીતે પણ, જાણે છે કે હું મરવાનો નથી. જે મરે છે એ કોણ મરે છે ? આ દેહ મરે છે અને આ દેહના મૃત્યુની સાથે આત્માનું અમરત્વ તો રહેલું છે; પણ એનું સ્પષ્ટ જ્ઞાન કર્મને લીધે, વાસનાઓને લીધે, વૃત્તિઓને લીધે આપણને નથી થતું. એટલે ઘડીભર માટે આપણે ફફડી જઈએ છીએ અને મૃત્યુનો ભય લાગી જાય છે. પણ જો ખરેખરું જ્ઞાન થઈ જાય, જો સાચોસાચ અનુભવ થઈ જાય તો કોઈ માણસ મરી જાય, જુદો થાય તે વખતે પણ તમને એમ જ થાય કે મરનાર મરે છે, નથી મરનાર નથી મરતો. આ દેહ છે, આત્મા મરતો નથી. એટલે તમને જે મૃત્યુનો વિચાર આવ્યો એ મૃત્યુનો વિચાર આત્મા માટે ન આવવો જોઈએ. જે મૃત્યુનો વિચાર આવે છે એ દેહને માટે આવે છે.
આ અનુભવ આનંદઘનજીન થયો અને એમણે ગાયું : “દેહ વિનાશી, હમ અવિનાશી, અપની ગતિ પકડેંગે.' જ્યારે અમારી partnership ભાગીદારી જુદી થશે ત્યારે અમે બંને જુદા પડી જવાના. ‘દેહવિનાશી’ આ શરીર અહીં રહેવાનું. સગાંવહાલાં શરીર લઈ જવાનાં, ગોઠવવાનાં, બાળવાના. ‘હમ અવિનાશી' – હું મરવાનો નથી. આ જ આત્માનું અવિનાશીપણું છે એનું જો ભાન થાય, એનુ જો જ્ઞાન થાય તો ચોવીસે કલાક આ જીવ શરીરની મમતામાં, ધનની ચિંતામાં, પ્રતિષ્ઠાના મોહમાં અને મારાપણાના અજ્ઞાનમાં મૂંઝાઈને જે સહન કરી રહ્યો છે એ સહન કરવામાંથી મુક્ત થઈ જાય છે. દક્ષિણ અમેરિકામાં ચિલી નામનો પ્રદેશ છે. એમાં ઘણી વાર ધરતીકંપ થાય છે, આથી ત્યાંના લોકોએ નક્કી કર્યું કે આપણે ઊંચાં મકાનો બાંધવાં નહિ, જો મકાનો મોટાં બાંધીશું તો એ જ આપણા મૃત્યુનું કારણ બનવાનાં. એટલે ચિલી પ્રદેશના માણસો પાયા ઊંડા ઓછા નાખે અને મકાન ઓછાં ઊંચાં બાંધે કે જેથી એના ભારથી માણસો દબાઈને મરી ન જાય. એ જાણે છે કે ગમે તે ઘડીએ ધરતીકંપ થાય, ગમે તે ઘડીએ આંચકો આવે અને આપણે બહાર નીકળવું પડે.
આત્માના અમરત્વનો અપરોક્ષ અનુભવ જેને થાય છે તે સંસારમાં રાગદ્વેષનાં ઊંડા પાયા ન નાખે. એ તો ચિલી પ્રદેશમાં વસતા માણસોની જેમ આ દેહમાં અપ્રમત્તપણે વસે.
Jain Education International
૨૧૦ * જીવન-માંગલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org