________________
થવો જોઈએ તે પ્રગટતો નથી. સાંભળ્યા પછી જે રોમાંચ થવો જોઈએ તે પણ અનુભવાતો નથી. જ્યાં સુધી એ તાલાવેલી નહિ જાગે ત્યાં સુધી જ્ઞાનીઓ જણાવે છે કે, એ ઉપદેશ તમારા હૃદયના ઊંડાણ સુધી નહિ પહોંચે.
એ તો ત્યારે જ બને કે જ્યારે તમારા દિલમાં સંસાર પ્રત્યે ઉદાસીનતા જાગે, મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા પ્રગટે.
ગાંડો ભિખારી જેમ ડબલાં ભેગાં કરે તેમ આજે તમે દુનિયાની વસ્તુઓ ભેગી કરો છો અને તેનાથી તમને પોતાને સમૃદ્ધ માનો છો.
જેની પાસે વધારે ડબલાં હોય, જેની પાસે વધારે સંગ્રહ હોય, એ આજે દુનિયામાં ભાગ્યશાળી કહેવાય છે. જેની પાસે દુનિયાનાં સાધન ઓછાં હશે એને લોકો “અભાગિયો” કહેવાના.
ખૂબની વાત તો એ છે કે, જેમ પેલાં રમકડાં બાળકને રોકી રાખે છે તેમ દુનિયાની વસ્તુઓએ સારામાં સારા માણસોને રોકી રાખ્યા છે.
આપણા આત્માને જે પરમધામ તરફ જવાનું છે, જેને માટેની આપણી આ જીવનયાત્રા છે; જ્યાં પહોંચવા માટે આપણે નીકળેલા છીએ એ મૂળ વાત તો આજે ભુલાઈ જ ગઈ છે.
આ દુનિયાના રંગમાં આપણે એટલા બધા રંગાઈ ગયા છીએ કે આપણો અસલ રંગ કયો હતો તેની આપણને પોતાને જ કંઈ ખબર નથી.
આપણે જગતના જ દોષો જોઈએ છીએ; જગતની જ વાતો કરીએ છીએ અને જગતનો જ વિચાર કર્યા કરીએ છીએ. “ફલાણા ભાઈ આમ કરે છે, ને ઢીંકણા ભાઈ તેમ કરે છે' – એવી વાતો જ કરીએ છીએ, પરંતુ ભાઈ, આપણે શું કરીએ છીએ તે તો જરા વિચારો ! એવી બધી બાબતોમાંથી આપણે મુક્ત છીએ ખરા ?
આવી વાતોનું પરિણામ બહુ વિપરીત આવ્યું છે. માણસ બહિર્મુખ દશામાં એટલો બધો પડી ગયો છે કે અંતર્મુખ દશા સમજાતી જ નથી.
જ્ઞાનીઓ કહે છે, જ્યાં સુધી આત્મા બહિર્મુખ છે ત્યાં સુધી એનું સંસારનું ચક્કર-ભ્રમણ ચાલુ જ રહેવાનું છે. માણસ પોતાના તરફ વળે તો જ સંસારનું ચક્કર અટકે.
માણસ જો પોતાના અંતરમાં ડોકિયું કરે; મન-સાગરમાં ડૂબકી મારે અને વિચારે કે બહારની પંચાત કરવામાં મારા અનંત જન્મો ગયા છે, મેં મારા તરફ ક્યારે જોયું ? – આ બધાયમાં મારું શું વળ્યું ?
જ્યાં સુધી તરંગો છે ત્યાં સુધી તળિયું દેખાવાનું નથી. તરંગો ઓસરે તો જ “હું કોણ ? એ વાત સમજાય.
૧૬૪ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org