________________
‘હું કોણ'નો પ્રશ્ન આપણને ક્યારેક સૂઝે છે.
ઘડીભર અરીસામાં મોઢું જોઈએ ત્યારે આપણને એમ લાગે છે કે હું જરાક સારો લાગું છું. પણ એ તો દેહની વાત થઈ.
આપણે તો અંતરના અરીસામાં જોઈને આત્માનો વિચાર કરવાનો છે કે, ‘હું કોણ ?’
માણસ પાપ કરે, જૂઠું બોલે, ખોટું કરે, પોતાને વેચી નાખે, પણ શેને માટે ? આ બધાને મૂકીને જવા માટે ?
આ બધાંનું સરવૈયું શું આ જ છે ? જે અહીં મૂકીને જવાનું છે તેને માટે આત્મા જેવા આત્માને ફટકારી મારવો એમાં ડહાપણ ક્યાં છે ? જ્ઞાનીઓ પૂછે છે કે, જેના માટે તું તારા જીવનને વેચી નાખે છે તેમાં એવી તો કઈ વસ્તુ છે જે તારી સાથે આવવાની છે ?
જો કશુંય સાથે આવવાનું ન હોય તો તેને માટે આ આત્માનું વિસ્મરણ શા માટે ? તેના માટે આવી કાળી મજૂરી શા માટે ?
તમારી આ મૂડી જે તમારી સાથે નથી આવવાની, એ તમારી સાચી મિલકત નથી. તમારી મિલકત તો તમે જે દાન સહજભાવથી અને હૃદયની ઊર્મિથી આપ્યું છે તે જ છે.
આકાશમાંથી જેમ વાદળાં વરસી જાય છે તેમ તમારા હૃદયમાં પણ વરસી જવાની ભાવના જાગવી જોઈએ.
આજે નામના મેળવવા માટે અને મોભો જાળવવા માટે દાન દેવાય છે. સમાજમાં તમારું નામ સારું હોય, તમારો મોભો ઊંચો હોય, અને સવારના પહોરમાં પાંચ માણસો ટિપ લઈને તમારે ત્યાં આવ્યા હોય, તો પહેલાં તો તમને ફાળ જ પડે કે, “આ લોકો અત્યારે ક્યાંથી આવ્યા ?'
તમે વિચાર કરો કે આપની સ્થિતિ સારી છે, એટલે આ લોકો બસો રૂપિયા ભરાવ્યા વિના પાછા નથી જવાના. એટલે તમે સોથી શરૂઆત કરવાના !
એટલે પેલા આવનાર કહેશે, “શેઠ, તમારા માટે સો ન શોભે !' એટલે તમે કહેવાના કે, “ભાઈ, આજકાલ વેપારધંધા ખોરવાઈ ગયા છે, સ્થિતિ બગડી છે, પરંતુ તમે આવ્યા છો, એટલે ના પાડી શકાતી નથી.” એક બાજુ આવાં રોદણાં રોવાની વાતો કરાય છે, ત્યારે બીજી બાજુ રેફ્રિજરેટર, અદ્યતન મૉડેલની ઍરકંડિશન મોટો વગેરે મોજશોખનાં સાધનો તો વધતાં જ જાય છે. ખરેખર, જો આવક ઓછી થઈ ગઈ હોય તો પછી આ બધા ભપકા ક્યાંથી વધ્યે જાય છે !
Jain Education International
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org