________________
એણે છ મહિના સુધી અખંડ તપ કર્યું. એણે એક પણ દુર્ભાવ ન કેળવ્યો. એની આંખ આગળ ભગવાનની છબી ૨મતી હતી. એને થયું કે કેવી સુંદર કરુણા એમાંથી નીતરી રહી છે ! કેવો સુંદર મધુર અવાજ એના કાનમાં આવી રહ્યો છે ? એવો એ વિચાર કરે અને દુઃખોને સમતાથી સહન કરે છે.
એમ કરતાં કરતાં છ મહિના થયા, અને અર્જુનમાળીનાં બધાંય કર્મો ખપી ગયાં. એનો આત્મા નિર્મળ થયો, કારણ કે એણે પોતાના આત્માનું સંશોધન કર્યું. આત્માને ધોઈ નાંખ્યો અને એનાં દાનવ કરતાંય કાળાંમાં કાળાં કર્મો હતાં એને સાફ કરી નાંખ્યાં. એનો આત્મા કાંચન જેવો નિર્મળ બની ગયો. ભગવાનના એક જ સમાગમે અર્જુનમાળીનું જીવન સુધરી ગયું. લોકો વાતો કરવા લાગ્યા કે અર્જુનમાળીને સુધારનાર કોણ ? એને ભગવાન પાસે લઈ જનાર કોણ ? એને ભગવાનનો સમાગમ કરાવનાર કોણ ? પેલો એક નાનકડો વેપારી.
ગામમાં વાતો થવા લાગી કે આપણે ક્ષત્રિય થઈને પણ જે કામ ન કરી શક્યા એ પેલો વણિક, જે ઊગતી યુવાનીમાં છે, સુંદર જેની કાયા છે, આશા અને અનંત ઉત્સાહ જેની સામે ઊભાં છે એવો માણસ મૃત્યુની સામે ગયો, અને અર્જુનમાળી જેવાને પણ એણે ઓગાળી નાંખ્યો.
લોકો કહેવા લાગ્યા કે, ભગવાનના સમાગમને પામનારા બંને માણસો તરી ગયા. અર્જુન માળીએ પોતાના આત્માને ધોયો, અને આ સુદર્શન શેઠે જીવનમાં અભય કેળવ્યો.
આ બે વસ્તુ સમજીને આપણે એ વિચાર કરવાનો છે કે, અર્જુનમાળીએ ભગવાનનો સમાગમ સાધીને અંતરને નિર્મળ કર્યું, એમ આપણે પણ ભગવાનની વાણી સાંભળીને આપણા અંતરને નિર્મળ કરીએ અને જીવનને અભય બનાવીએ. આપણા પર લાગેલા દોષોને આપણે દૂર કરીએ તો આપણો આત્મા પણ સ્ફટિક જેવો ઉજ્જ્વળ અને નિર્મળ બની જશે.
Jain Education International
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org