________________
ગયો, આંખો લાલચોળ થઈ ગઈ, પણ બંધનમાં બંધાયેલો હતો એટલે લાચાર હતો.
આ વખતે એનું મન વિચારે ચડી ગયું કે આટલાં વર્ષો સુધી મેં યક્ષની ભક્તિ કરી, પુષ્પો ચઢાવ્યાં અને એનું ફળ આ જ કે ! એના મંદિરની અંદર જુલમ થાય અને એનો જવાબ કંઈ ન મળે ? માળી યક્ષની સામે જોઈને બોલ્યો, “હે યક્ષ, તું હવે ખરેખર યક્ષ નથી, કેમ કે મેં તારી આટલાં વર્ષો સુધી ભક્તિ કરી છતાં તેનું પરિણામ કાંઈ ન આવ્યું. તારાં દેખતાં જ અમારા પર આ અત્યાચાર ગુજરી રહ્યો છે. મૂગો મૂગો તું આ બધું જોયા કરે છે. લાગે છે કે તારામાં હવે દેવપણું રહ્યું નથી.” આમ કહેતાં એનામાં ઝનૂન પ્રગટ્યું. પોતાની પ્રિયા પર થયેલા અત્યાચારને જોતાં એ ક્રોધ અને ધિક્કારથી ભરાઈ ગયો. યક્ષે માળીના શરીરમાં પ્રવેશ કર્યો. માળીમાં શક્તિ પ્રગટી, દોરડાં છૂટી ગયાં, અને એનું બળ એટલું બધું વધ્યું કે એણે એ બધાયને પછાડીપછાડીને મારી નાખ્યા.
એક વાર શરીરમાં શક્તિ પ્રવેશી પછી એને કાઢવી બહુ મુશ્કેલ છે પછી એ શક્તિ દૈવી હોય કે આસુરી હોય. આ આસુરી શક્તિથી એના મનમાં એવો દૃઢ નિશ્ચય પ્રગટ્યો કે આજથી મારે રોજ છ પુરુષ અને એક સ્ત્રીને મારવાં.
અત્યાચાર અને અનાચાર સામે જો કોઈ અવાજ ન ઉઠાવે તો એનો દંડ પ્રજાને પણ ભોગવવો પડે. આપણે ઘણી વાર કહીએ છીએ કે, ‘આપણે આપણું સંભાળો.' પણ બીજાઓનો ગુનો પણ આપણે ભોગવવાનો છે એટલે પ્રજામાં એક પણ ખરાબ તત્ત્વ પ્રવેશે તો એની અસર આખીય પ્રજા પર થાય.
તમારું ઘર તમે ચોખ્ખું રાખો પણ તમારા ઘ૨આંગણે જો કચરો હશે તો બહાર જતાં તમારા પગ કચરાવાળા થવાના છે. વળી બહારથી ઊડીને એ અંદર આવવાનો છે. સમાજના દોષ વ્યક્તિને પણ લાગુ પડે છે. એટલા માટે વ્યક્તિની શુદ્ધિ એ સમાજની શુદ્ધિ છે.
આમ રોજ છ પુરુષ અને એક સ્ત્રી એને મળે નહિ ત્યાં સુધી એ જંપે નહિ. લોકો કહેતા હતા કે આ અર્જુન નામનો દેવ એ માળીમાં પ્રવેશી ગયો, એટલે અર્જુનમાળી થયો. આ અરસામાં ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં ત્યાં નીકળ્યા.
એમને ખબર હતી કે રોજ સાત જણને મારનારો અર્જુનમાળી આ પહાડોમાં ફરી રહ્યો છે. છતાં ભગવાન આવ્યા, કારણ કે એ નિર્મળ હતા. એમના હૃદયમાં અભય હતો, નયનોમાં કરુણા હતી.
Jain Education International
પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org