________________
મોટા મોટા વિદ્વાનો બેઠા હતા. રાજા પ્રસેનજિત ઊંચોનીચો થતો હતો, પણ કંઈ વળતું નહોતું.
આખરે મહામંત્રી મૃગધર સામે એની નજર ગઈ. એને આનો ઉત્તર આપવાનું સૂચવ્યું.
મૃગધર ઊભો થવા તો ગયો, પણ એને વિચાર આવ્યો કે ઊભો થઈશ ને ઓળખી શકીશ નહિ તો આજ સુધીની મારી બુદ્ધિની પ્રતિભા, જે ચારે બાજુ પ્રસરેલી છે, તેને બટ્ટો લાગશે.
ઊભા થયા પછી ઘોડીને ઓળખવી કેમ એ પ્રશ્ન બહુ જટિલ હતો. કઠિન પ્રશ્નોને ઉકેલે એનું નામ જ પ્રજ્ઞા છે. એની આ પ્રજ્ઞા ઝાંખી પડતી લાગી. એટલે મૃગધરે કહ્યું, “આજ નહિ, ત્રણ દિવસ પછી ઉત્તર આપીશ.” ત્રણ દિવસ પછી ઉત્તર આપવો ક્યાંથી ? એ હૈયા-ઉકલતનો સવાલ છે, અંદરની શક્તિનો પ્રશ્ન છે.
પછી તો મૃગધર ઘેર ગયા, જમવા બેઠા.
ભોજન પીરસાય છે, પીરસેલા ભોજનમાંથી એક કોળિયો લીધો, અને પાછા વિચારે ચઢી ગયા. ક્યાંય સુધી બસ એમ ને એમ જ બેસી રહ્યા. વિશાખા વિચારે છે કે, આજે સસરા ચિંતામાં પડી ગયા છે ? એણે પૂછ્યું, “પિતાજી, આજે તમે ચિંતામાં કેમ જણાઓ છો ?''
“બેટા, એ રાજદ્વારી વાતો છે. એમાં તમારું કામ નથી.'
“ના, બાપુ કહેવાનું હોય તે જરૂર કહો. અમે સ્ત્રીઓ ભલે ઘરમાં બેસી રહીએ, પરંતુ અમારી હૈયાકોટડીમાં પણ નાનો એવો પણ જ્ઞાનનો દીપક બળતો હોય છે. એના અજવાળે કોઈક વાત ઉકેલી શકાય તેમ હોય તો વળી ઉકેલી પણ નાખીએ.’’
“પણ બેટા, એ સમસ્યા તો એવી કઠિન છે કે, મારા જેવાથી પણ નથી ઊકલતી.’’
“બાપુ, વાત તો સાચી છે. પણ કેટલીક વાર એવું બને છે કે મોટાઓથી ન ઊકલતી સમસ્યા કદીક નાનકડાઓ ઉકેલી નાખે છે. કેટલીક જગા એવી હોય છે કે તેમાંથી જાડા-મોટા માણસો નીકળી શકતા નથી, જ્યારે નાના હોય તો તરત જ નીકળી જાય છે.''
મૃગધરે પુત્રવધૂને બધી વાત કહી.
વિશાખા કહે, “અરે, આ તો બહુ સહેલી વાત છે.”
“હેં !'' મહામંત્રી આભો બન્યો. “કેવી રીતે સહેલી છે ? આ તે કંઈ પેંડા ખાવાની વાત છે ?''
Jain Education International
૯૮ * જીવન-માંગલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org