SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા --- ધર્મના સ્વરૂપનું નિક્ષેપો દ્વારા નિરૂપણ કરે છે. પ્રસંગવશ તેમાં ચાર્વાક મતનું ખંડન પણ આવે છે. (૬) યોગના ક્ષેત્રમાં તેમનું પ્રદાન અપૂર્વ અને વિશિષ્ટ છે. યોગ ઉપર તેમણે યોગબિન્દુ, યોગશતક, યોગર્ટાષ્ટસમુચ્ચય, યોગવિંશિકા અને ષોડશકની રચના કરી છે. અન્ય યોગવિચારસરણીઓ અને યોગપ્રક્રિયાઓ સાથે જૈન યોગવિચારસરણી અને પ્રક્રિયાનો સમન્વય એ તેમનું વિશિષ્ટ પ્રદાન છે. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થ મહત્ત્વનો છે. અહીં આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવ્યું છે – (૧) મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા નામની આઠ યોગદૃષ્ટિઓ દ્વારા, (૨) ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ નામના ત્રણ યોગભેદો દ્વારા અને (૩) ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચક્રયોગી અને સિદ્ધયોગી આ ચાર યોગીભેદો દ્વારા. પ્રથમ વર્ગીકરણમાં નિર્દિષ્ટ આઠ યોગષ્ટિઓ સાથે ચૌદ ગુણસ્થાનોનો મેળ કરવામાં આવ્યો છે. મુક્ત તત્ત્વની વિસ્તા૨થી મીમાંસા કરવામાં આવી છે. આઠ યોગષ્ટિઓરૂપ આધ્યાત્મિક વિકાસની આઠ ભૂમિકાઓની પૂરી યોજના પતંજિના આઠ યોગાંગો, ભદત્ત ભાસ્કરના આઠ ગુણો અને ભગવદત્તના આઠ અદોષોના સંયાજનથી આચાર્ય હરિભદ્રે ઊભી કરી છે. વિભિન્ન યોગપરંપરાના સમન્વયનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે. આચાર્ય હરિભદ્ર સ્વયં કહે છે કે અનેક યોગશાસ્ત્રોમાંથી સામગ્રી ગ્રહણ કરીને આઠ દૃષ્ટિઓના ભેદથી યોગનું નિરૂપણ તેમણે કર્યું છે. ૪ अनेकयोगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥२०७॥ (૭) તે ઉચ્ચ કોટિના સર્જક કવિ હતા. તેમણે ૪૮૫ પ્રાકૃત ગાથાઓમાં ધૂર્તાખ્યાન નામની એક રોચક અને મનોરંજક રચના કરી છે. તે પાંચ આખ્યાનોમાં વિભક્ત છે. તેમાં વિનોદપૂર્ણ રીતે રામાયણ, મહાભારત અને પુરાણોનાં ઉટપટાંગ ચરિત્રો અને કથાનકો ઉપર વ્યંગ કરીને તેમને નિરર્થક સિદ્ધ કરવામાં આવ્યાં છે. રચના વ્યંગ, હાસ્ય અને ઉપહાસથી ભરપૂર છે. તે ભારતીય કથાસાહિત્યની એક અપૂર્વ અને અનન્ય કથા છે. તેમની બીજી કાવ્યકૃતિ છે સમરાઇચ્ચકહા. તે ધર્મકથા સાથે સાથે કાવ્યતત્ત્વથી પરિપૂર્ણ પ્રાકૃત ભાષાની વિશાલ રચના છે. તે ગદ્યપ્રધાન છે, વચ્ચે પદ્યો આવે છે. તેમાં બે જ આત્માઓના નવ માનવભવોનું વિસ્તૃત કથાનક છે. તે નવ પ્રકરણોમાં (ભવોમાં) વિભક્ત છે. તેમાં અનેક અવાન્તર કથાઓ આવે છે. શૈલી પ્રસન્ન છે. સમાજના વિભિન્ન વર્ગોનાં પાત્રોનું વૈવિધ્ય અને જીવંત ચિત્રણ રસપ્રદ છે. માનવભાવોનું આલેખન સચોટ અને વાસ્તિવક છે. કૃતિ ચિત્તાકર્ષક વર્ણનો અને નાવીન્યયુક્ત અલંકારોથી વિભૂષિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy