________________
૪૬૦ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ભદન્ત ! આપ મિથ્યા બોલવું બંધ કરો.
મુનિ હે રાજા ! તું મેં પ્રયોજેલ “અનાથ” અને “સનાથ' શબ્દોનો સાચો અર્થ જાણતો નથી. તેથી ધ્યાનપૂર્વક મારા પૂર્વવૃત્તને સાંભળ.
દીક્ષા લીધી તે પહેલાં હું અપાર ધનસંપત્તિવાળા મારા પિતાની સાથે કૌશાંબી નગરીમાં રહેતો હતો. એક વાર મને અસહ્ય ચક્ષુરોગ થયો. તે રોગ મટાડવા માટે અદ્વિતીય ચિકિત્સાચાર્યોએ બધા પ્રકારે મારી ચિકિત્સા કરી પણ તેઓ મારા રોગને દૂર કરી શક્યા નહીં, પિતાએ ખૂબ જ રકમ ખર્ચા પણ તેઓ મારા રોગજન્ય દુઃખને દૂર કરી શક્યા નહીં. રડતી માતા, બહેન, પત્ની વગેરે સંબંધીજનો પણ મને દુ:ખમાંથી મુક્ત કરી શક્યા નહીં. આ મારી અનાથતા છે. આમ અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છતાં જ્યારે મારો રોગ દૂર ન થયો ત્યારે મેં એક દિવસ સંકલ્પ કર્યો કે જો હું આ રોગથી મુક્ત થઈશ તો સાધુ બની જઈશ. આવો સંકલ્પ કરી હું સૂઈ ગયો. જેમ જેમ રાત્રિ પસાર થઈ તેમ તેમ રોગ શાંત થતો ગયો અને પ્રાત:કાળે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો. સંકલ્પ અનુસાર મેં પણ માતા-પિતા પાસેથી અનુમતિ લઈ પ્રવજ્યા લીધી. ત્યારથી હું મારો અને બીજાનો નાથ બની ગયો છું. આ મારી સનાથતા છે. જેઓ આત્માને સંયમિત કરી શ્રમણધર્મનું સમ્યક પાલન કરે છે તેઓ સનાથ છે અને જેઓ શ્રમણા હોવા છતાં વિષયાસક્ત રહે છે અને ધર્મનું વિધિપૂર્વક પાલન કરતા નથી તેઓ અનાથ છે.”
રાજા (સનાથ અને અનાથ વિષયક આ અશ્રુતપૂર્વ અર્થ સાંભળી પ્રસન્ન થતાં હાથ જોડીને) : હે ભગવાન ! આપે મને અનાથ અને સનાથ એ બે શબ્દોના યોગ્ય અર્થ સમજાવ્યા. આપનો મનુષ્યજન્મ સફળ થયો છે. આપ સનાથ અને સબાંધવ છો. એટલું જ નહીં આપ તો નાથના પણ નાથ છો. હું આપના દ્વારા ધર્મમાં અનુશાસિત થવા ઈચ્છું છું. મેં આપને ભોગો માટે નિમંત્રણ આપીને તથા પ્રશ્નો પૂછી આપનો અપરાધ કર્યો છે તે બદલ ક્ષમા આપો.
આ પછી રાજા પોતાના બંધુજનો સાથે ધર્મમાં દીક્ષિત થયો અને મુનિને વંદન કરી પાછો ફર્યો. મુનિ પણ નિર્મોહી ભાવે અન્યત્ર વિહારાર્થે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org