________________
૩૮૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
માનવામાં આવે છે. મુક્તાત્માઓને શરીર ન હોવાથી તેજજન્ય સંકોચ-વિકાસ હોવાનો પણ સંભવ નથી. તેથી મુક્તાત્માઓની આકૃતિ (અવગાહના) વગેરેની કલ્પના અંતિમજન્મના શરીરને આધારે કરવામાં આવે છે. જો કે આ મુક્ત જીવ રૂપાદિથી રહિત હોય છે તથાપિ આ આત્મ પ્રદેશોના આ જે વિસ્તારની કલ્પના કરવામાં આવી છે તે આકાશપ્રદેશમાં રહેલ આત્માના અદશ્ય પ્રદેશોની અપેક્ષાએ કરેલ છે. અપૂર્વ હોવાથી એક આત્માના પ્રદેશોમાં અન્ય આત્માનો પ્રદેશ પણ રહી શકે છે.
સુખ : “કર્મના પ્રકરણમાં દર્શાવવામાં આવેલું કે સુખ અને દુઃખનો અનુભવ પોતાનાં સંચિત વેદનીય કર્મો અનુસાર થાય છે. તેથી શંકા થાય છે કે જો આ મુક્તાત્માઓ કમરહિત હોય તો પછી તેને સુખનો અનુભવ કેવી રીતે થાય ? સુખ અને દુઃખ કર્મજન્ય હોવાથી કર્મરહિત મુક્તાત્માઓમાં દુઃખાભાવની જેમ સુખનો પણ અભાવ માનવો જોઈએ. આના ઉત્તરમાં એ કહેવું પૂરતું છે કે મુક્તાત્માઓમાં જે સુખની કલ્પના કરવામાં આવી છે તે અલૌકિક સુખ છે, વેદનીય કર્મજન્ય સાંસારિક સુખ નથી. તેથી ગ્રંથમાં આ સુખને અનુપમેય સુખ કહેવામાં આવેલ છે. મુક્તાત્માઓને શરીર કે ઈન્દ્રિયાદિ ન હોવાથી તેનું સુખ કર્મજન્ય હોઈ શકતું નથી. આત્માનો સ્વભાવ સુખરૂપ માનવાથી તથા માનવની પ્રવૃત્તિ સુખપ્રાપ્તિની દિશામાં હોવાથી મોક્ષાવસ્થામાં અવિનશ્વર અને અનુપમેય સુખની કલ્પના કરવામાં આવી છે. અહીં વસ્તુત: બધા પ્રકારનો દુઃખાભાવ જ અલૌકિક સુખાનુભાવ છે કારણ કે જીવ પોતપોતાની અનુભૂતિ અનુસાર જ સુખ અને દુઃખની કલ્પના કરે છે. જ્યાં કોઈ ઈચ્છા જ નથી ત્યાં દુ:ખ કેવું?
જ્યાં કોઈ વિષયની ઈચ્છા હોય છે ત્યાં દુ:ખ છે અને જ્યાં પૂર્ણતા છે ત્યાં માનો તો અલૌકિક સુખ છે અને ન માનો તો સુખ કે દુઃખ કંઈ નથી. આ મુક્તિ પૂર્ણ નિષ્કામ અવસ્થા છે. દુ:ખાભાવ હોવાથી તથા જીવનું સ્વરૂપ સુખસ્વભાવ માનવાથી અહીં અલોકિક સુખની કલ્પના કરવામાં આવી છે.
૧ જુઓ – પૃ. ૩૭૭, પા. ટિ. ૩-૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org