________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
શૈવ ધર્મનું મહાતીર્થ પ્રભાસ મધ્યયુગમાં પ્રશસ્ય જિનક્ષેત્ર તરીકે પણ પ્રસિદ્ધ હતું. શત્રુંજયમાહામ્ય (ઈસ્વી ૧૪મી સદી પૂર્વાર્ધ) અને એવા પ્રકારના જૈન ગ્રંથોનાં પાછલા કાળના પ્રક્ષેપસૂત્રોમાં પ્રભાસપાટણનો “ચંદ્રપ્રભાસ તરીકે ઉલ્લેખ થયેલો મળે છે, એટલું જ નહિ પણ જૈન દૃષ્ટિએ એ તીર્થનું મહત્ત્વ સૌરાષ્ટ્રપ્રદેશમાં શત્રુંજયેશ શ્રીયુગાદિદેવ અને રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિ પછી તરતનું સ્વીકારાયેલ છે. આ પુરાણ-પવિત્ર તીર્થની પ્રાચીનતા અંગે જૈન સાહિત્યમાં જે દંતકથાઓ અને આખ્યાયિકાઓ પ્રચલિત છે તેને બાજુએ રાખીએ તોપણ એટલું તો ચોક્કસ સ્વીકારવાનું રહેશે કે વલભીભંગ સમયે ચંદ્રપ્રભ, અંબિકા, અને ક્ષેત્રપાલની પ્રતિમાઓ ત્યાંથી પ્રભાસમાં લાવવામાં આવેલી. ને એ હકીકત લક્ષમાં લેતાં પ્રભાસમાં જૈન તીર્થની પ્રાચીનતા એ કાળ સુધીની ગણવી જ જોઈએ. એ પરંપરાગત હકીકત ખાસ કરીને ૧૪મા-૧પમા શતકના જ પ્રબંધાત્મક અને તીર્થ નિરૂપણ સાહિત્યમાં જળવાયેલી જોવામાં આવે છે; પરંતુ એ ગ્રંથોની રચના પ્રમાણમાં પાછલા કાળે થયેલી છે એવું કારણ દર્શાવી આ સબળ પરંપરા કાઢી નાખવા જેવી નથી. પ્રભાસમાં પાછળથી બંધાયેલાં કેટલાંયે જૈન મંદિરો આજે વિલીન થઈ ગયાં છે, એનું વિસ્મરણ પણ થઈ ગયેલ છે, પણ મધ્યકાલીન જૈન સાહિત્યમાં આ તીર્થના જૈન અધિષ્ઠાતા દેવ ચંદ્રપ્રભનો ઉલ્લેખ વારંવાર થયેલ છે એ હકીકત નકારી શકાય નહીં. સંભવ તો એવો છે કે આ પ્રતિમાઓ વલભીથી પ્રભાસમાં લાવવામાં આવી તેનું કારણ એ યુગનું એ જાણીતું જૈન કેન્દ્ર હશે. આજે પણ પરંપરાગત ચંદ્રપ્રભ જિનાલય કાળના વારાફેરાઓ સહી સ્થળાંતર, રૂપાંતર પામ્યા છતાં ટકી રહી પ્રભાસતીર્થને ગરવું બનાવી રહ્યું છે. બારમા શતકના અંતમાં અને ૧૩મા શતકની શરૂઆતમાં દિગંબર જૈન સંપ્રદાયને પ્રભાસના ચંદ્રપ્રભની જાણ હતી, એટલું જ નહિ પણ એ સંપ્રદાયપ્રસ્થાપિત ચંદ્રપ્રભ મંદિર પણ ત્યાં હોવાની સંભાવના છે. ઉપર નિર્દેશાયેલ ગ્રંથ-પરંપરાની સામગ્રી હકીકતમાં સાચી હોય તો પ્રભાસમાં શ્રીવલભીચંદ્રપ્રભની પ્રતિષ્ઠા ઈસ્વી વર્ષ ૭૮૮-૮૯ કે એની આસપાસ થઈ હોવી જોઈએ. આ સ્થળે એ પણ નોંધવું જોઈએ કે પ્રબંધકોશ(રચના કાળ ઈ. સ. ૧૩૪૯)માં બપ્પભટ્ટસૂરિ(૯મી શતાબ્દી પ્રથમ ચરણ)એ પ્રભાસમાં ચંદ્રપ્રભને નમસ્કાર કર્યાનો ઉલ્લેખ છે; પણ એની વિશ્વસ્તતા ચકાસવાનું કોઈ સાધન આજે ઉપલબ્ધ નથી. આ અંગે જે હોય તે, પણ એટલું ખરું છે કે પ્રભાસમાં શ્રીચંદ્રપ્રભના આગમનના કારણે જૈન દૃષ્ટિએ આ તીર્થનું મહત્ત્વ પ્રસ્થાપિત થઈ જતાં, ઈશુની બીજી સહસ્રાબ્દીના પ્રારંભિક સમયમાં જ જૈન મંદિરોની નિર્માણપ્રવૃત્તિને ખૂબ જ વેગ સાંપડ્યો હતો.
પ્રભાસનાં જૈન મંદિરો ગુજરાતની સોલંકી યુગમાં પ્રચલિત અલંકારપ્રધાન નિ, ભા. ૨-૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org