________________
૨૦૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
સ્થાપત્યશૈલીના સર્વોત્તમ નમૂના સમાં હતાં એ હવે પછી વિચારીશું. પથ્થરના પ્રકાર-ભેદ છોડતાં એની શિલ્પસમૃદ્ધિ આબૂનાં મંદિરો સાથે સ્પર્ધા કરી શકે તેવી હતી. પરંતુ સોમનાથના પ્રસિદ્ધ દેવાલય સિવાય બ્રાહ્મણ સંપ્રદાયના પ્રણાલિકાગત પ્રભાસનાં અન્ય મહત્ત્વનાં સ્થળોની જેમ જૈન મંદિરો પરત્વે પણ સંશોધકોનું લક્ષ દોરાયું નહિ, એટલું જ નહિ પણ એ પ્રત્યે ઉપેક્ષા પણ સેવવામાં આવી. સ્કંદપુરાણ સરખા બ્રાહ્મણીય ગ્રંથોમાં જૈનમંદિરોના ઉલ્લેખની અપેક્ષા રાખી ન શકાય, પરંતુ જૈન ગ્રંથોમાં પ્રભાસનાં જૈનમંદિરોના ઉલ્લેખ કેવળ સંક્ષિપ્ત, પરોક્ષ અને અસ્પષ્ટ જ થયેલા જોવામાં આવે છે; અને એને પરિણામે પ્રભાસમાં નિર્માણ થયેલા જવલંત અને જાજ્વલ્યમાન, ભવ્ય અને ભદ્ર જૈન પ્રાસાદોનો ખ્યાલ આજે તો અલ્પ પ્રમાણમાં જ રહેલો છે.
સૌ પહેલાં આપણે પ્રાચીનતમ અને પુરાણપવિત્ર ચંદ્રપ્રભ-જિનાલયના ઇતિહાસની કડીઓ શોધવા પ્રયાસ કરીએ. ઉપલબ્ધ સાધનસાહિત્યનું નિરીક્ષણ કરતાં સોલંકીયુગના પૂર્વાર્ધ સુધી પ્રભાસના ચંદ્રપ્રભ વિશે કોઈ ઉત્કીર્ણ લેખ કે ગ્રંથસ્થ ઉલ્લેખ મળતો નથી. હાલના ચંદ્રપ્રભ-જિનાલયમાં ધાતુની એક મનોરમ કાયોત્સર્ગ પ્રતિમા પર સં. ૧૦૬૫ | ઈ. સ. ૧૦૦૯નો લેખ છે. પરંતુ એની પૂર્ણ વાચના થઈ શકી ન હોવાથી, આ પ્રતિમાની પ્રતિષ્ઠા પ્રભાસમાં જ થયેલી કે કેમ એ અંગે નિશ્ચયપૂર્વક કહેવું શક્ય નથી. એ પ્રતિમાની મૂળ પ્રતિષ્ઠા પ્રભાસમાં જ થઈ હોય તો મહમૂદ ગઝનવીના પ્રભાસ પર થયેલા આક્રમણ પૂર્વે ત્યાં કોઈ જૈન મંદિરની હસ્તી હોવાની સંભાવના અવશ્ય પ્રગટ થાય છે; પરંતુ જૈન સંપ્રદાયમાં પ્રતિમાઓનું–અને એમાંય ખાસ કરીને ધાતુપ્રતિમાઓનું સ્થળાંતર કર્યાનાં કેટલાંયે દષ્ટાંતો હોઈ, પ્રસ્તુત કાયોત્સર્ગ-પ્રતિમા વિશે પૂરક માહિતીના અભાવે એની વાસ્તવિક પરિસ્થિતિ અંગે કશું ચોક્કસ અનુમાન દોરી શકાય નહિ.
પણ એ ખરું કે પ્રબંધચિંતામણિ(રચનાકાળ ઈ. સ. ૧૩૦૫)માં એક પ્રસંગમાં દેવપત્તન-ચંદ્રપ્રભનો ઉલ્લેખ આચાર્ય હેમચંદ્રને કરતા બતાવ્યા છે. એમાંથી એટલું જરૂર ફલિત થાય છે કે ૧૨મી શતાબ્દીમાં ચંદ્રપ્રભ-જિનાલયનું અસ્તિત્વ હતું. પ્રબંધકોશ (વિ.સં. ૧૪૦૫ ઈ. સ. ૧૩૪૯)અને પુરાતનપ્રબંધસંગ્રહમાંહેની “બી” સંજ્ઞક હસ્તપ્રત(રચનાકાળ ૧૫મી શતાબ્દી)માં કુમારપાળ દેવપત્તન-ચંદ્રપ્રભની યાત્રા કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે; પરંતુ એ અતિ આશ્ચર્યજનક છે કે જેમની દૃષ્ટિએ આ પ્રસંગ ખૂબ જ મહત્ત્વનો ગણાય તેવા સ્વયં આચાર્ય હેમચંદ્ર કે મેરૂતુંગાચાર્યે આ પરત્વે મૌન સેવેલું છે. હાલના ચંદ્રપ્રભ-જિનાલયના ભૂમિગૃહમાં લેખ ધરાવતાં બે પબાસણો પર અનુક્રમે ઈશુ વર્ષ ૧૧૬૪ અને ૧૧૮૪ના તુલ્યકાલીન લેખો છે, પણ એમાં ચંદ્રપ્રભ-જિનાલયનો ઉલ્લેખ ન હોવાને લીધે, એ લેખો ચંદ્રપ્રભ-જિનાલયની હસ્તી દર્શાવવા માટે પૂરતા ન ગણાય. આ પૈકીનો પહેલો લેખ કુમારપાળના શાસનકાળનો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org