________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
૧૩૧
આરાસણમાં મંત્રી પાસિલ-કારિત અને ત્યાંના સૌથી મોટા નેમિનાથ જિનાલય પાછળ તેની પ્રેરણા હોઈ, વિશાળ બિંબવાળું આ મંદિર ઘણું પ્રભાવશાળી અને અલંકૃત હશે. પાટણના સુપ્રસિદ્ધ રાજકર્તૃક મંદિરો–મૂળરાજકારિત ત્રિપુરુષપ્રાસાદ અને મૂલવસહકાપ્રાસાદ, પ્રથમ ભીમદેવ દ્વારા નિર્માપિત ભીમેશ્વર અને ત્રિપુરુષપ્રાસાદ, કર્ણદેવ-વિનિર્મિત કર્ણમેરુપ્રાસાદ, અને એક પેઢી પછીથી બનનાર રાજા કુમારપાલકારિત કુમારપાલેશ્વર, કુમારવિહાર, અને ત્રિભુવનવિહારાદિ દેવાલયો–ના સમુદાયમાં તે સિદ્ધરાજના નામને શોભાવે તેવું હશે. એ જ પ્રમાણે સિદ્ધપુરનું ચતુર્મુખ મહાવીર જિનાલય–સિદ્ધવિહાર–કે જે ૧૫મા શતકમાં રાણકપુરના ભવ્ય ચતુર્મુખવિહારની રચના પાછળ પ્રેરણારૂપ બનેલું તે પણ, રુદ્રમહાલય જેટલું ઊંચું નહીં તો યે ચતુર્મુખ તલાયોજનને કારણે ખૂબ મોટા વિસ્તારમાં અને મોટી માંડણી પર રચાયેલ અલંકૃત મંદિર હશે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં સિદ્ધચક્રવર્તી જયસિંહદેવના ધર્મસમભાવ અને જૈન ધર્મ પ્રત્યેના તેના સમાદરના તેમજ સમુદારતાના પ્રતીકરૂપે, તેમ જ કલ્પી શકાય છે તે પ્રમાણે એ યુગની ધ્યાન ખેચે તેવી, વિશાળ અને અલંકારિત સ્થાપત્યકૃતિ તરીકે તેની યથોચિત નોંધ લેવાવી ઘટે. આ મંદિરોનાં સર્જન એ ગુજરાતની જ સાંસ્કૃતિક યશોગાથા હોઈ, ઉત્તમ પરંપરાઓની પ્રોજ્જવલ પતાકાઓ હોઈ, તેનું ગૌરવ સૌ ગુજરાતીઓ લઈ શકે તેવું છે. મહાનામ દુર્ગાશંકર શાસ્ત્રીએ આ વાતથી એક ગુજરાતી તરીકે હર્ષ અનુભવવાને સ્થાને કોમી-મઝહબી દૃષ્ટિકોણથી પ્રેરાઈ તેની જે ઉપેક્ષા કરી છે અને વિપર્યાસ કર્યો છે તે હકીકત જેટલી શોચનીય છે તેટલી જ કારુણ્યપૂર્ણ છે.
ટિપ્પણો : ૧. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ-વિભાગ ૧-૨, ગુજરાત વિદ્યાસભા, દ્વિતીય સંસ્કરણ,
અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૦૩-૩૦૪. ૨. “જો કે પ્રબંધમાં સિદ્ધરાજે શેત્રુજાના યુગાદિ દેવની પૂજા માટે બાર ગામનું દાન કર્યું , દેવસૂરિનો જય
થતાં એમને છાલા વગેરે બાર ગામ આપ્યાં, સિંહપુર વસાવી બ્રાહ્મણોને આપ્યું, વગેરે સિદ્ધરાજનાં દાનોની વાત લખી છે, પણ સમકાલીન પુરાવો તો ફક્ત સિંહપુર વિશે જ કયાશ્રયમાં મળે છે. એટલે એકાદ જૈન તીર્થને પોતાની જૈન વસ્તીને પ્રસન્ન રાખવા સિદ્ધરાજે કંઈક દાન આપ્યું હોય એ સંભવિત છે, પણ બાર બાર ગામના દાનની વાત તો કલ્પિત લાગે છે. જ્યાશ્રયમાં એ વાત નથી એ હકીકત જ પાછળના ગ્રંથકારોની વિરુદ્ધ છે.” શાસ્ત્રીજીએ કર્ણાટકના જૈન સંબદ્ધ તામ્રશાસન અને શિલાશાસનો જોયા હોત તો ત્યાં ઘણાં મંદિરોને, આચાર્યોને ગ્રામદાનો–કેટલીક વાર એકથી વિશેષ ગામો— અપાયાનાં સમકાલિક વિશ્વસ્ત પ્રમાણો જોવા મળત. સમાંતર રીતે જોતાં ગુજરાતના સમ્રાટને દિલનો રંક માની લેવું ભાગ્યે જ ન્યાય ગણાય.
૩. જુઓ પ્રચિં, પૃ. ૧૪૦, પ્ર. ચ૦ હે પ્ર., શ્લોટ ૩૨૪-૩૨૫, જયસિંહસૂરિનું કુચ., સ, ૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org