________________
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
૧૪૫
કવિ, એમાંયે પાછા દરબારી શાયર, બ્રાહ્મણીય પૌરાણિક ઢંગની સ્તુતિ સમેતની પ્રશસ્તિ રચે તો તેમાં કશું અયુક્ત વા અજુગતું નથી, કે નથી એ કોઈ આશ્ચર્યજનક યા અસંભવિત ઘટના. એને લઈને પ્રશસ્તિકારના ધર્મ વિશેની કલ્પના બાંધવી તર્કપૂર્ણ નથી. આથી આ, અને તદ્ આનુષંગિક મુદ્દાઓ પર તો શ્રીપાલને પુરાણમાર્ગી ઠરાવી શકાય તેમ નથી. આખરે શ્રીપાલ કે વિજયપાલના પદ્યાદિમાં રસપૂર્વક સન્માનપૂર્વક પૌરાણિક દેવતાઓના જે પ્રાસંગિક ઉલ્લેખો છે તે પણ કાવ્યમય ઉક્તિઓમાં પૌરાણિક વર્ણના માત્ર છે. પોતે તેવું સ્વધર્મ-દષ્ટિથી આસ્થાપૂર્વક માને છે તેવું ત્યાં અભિપ્રેત નથી.
બીજી એક ધ્યાનમાં રાખવા જેવી વાત એ પણ છે કે જૈન પંડિતો, કવિઓ બ્રાહ્મણીય દાર્શનિક તેમ જ કથા-સાહિત્યના ઉચ્ચ કોટીના અધ્યેતા હતા. બ્રાહ્મણધર્મી બહુમતી સમાજમાં રહેવાથી, અને અન્યથા ભારતની બૃહદ્ આર્ય સંસ્કૃતિની જ સંતતિ હોવાથી, શ્રમણમાર્ગી હોવા છતાંયે જૈનો બ્રાહ્મણીય દૃષ્ટિથી સારી રીતે પરિચિત હતા. આથી જ પ્રસંગ પડ્યે બ્રાહ્મણીય કથા-વિષયો પર પણ નૈપુણ્યપૂર્વક લખી શકતા, સરસ રચનાઓ કરી શકતા, કે એનો ઉલ્લેખ પોતાની રચનાઓમાં (ક્યારેક વ્યંગમાં પણ) કરતા. (શ્રી પંડ્યાએ મંત્રીશ્વર વસ્તુપાલ વિરચિત નરનારાયણાનંદકાવ્ય” અંતર્ગત (મંગલાચરણમાં નહીં) કૃષ્ણ-પરમાત્માની જે ગંભીર શબ્દોમાં પ્રાસંગિક સ્તુતિ છે તેને સંદર્ભની દષ્ટિએ શ્રી પંડ્યાએ પ્રસ્તુત તો ઠરાવી છે. પણ ત્યાં તે કારણસર વસ્તુપાળ જૈન નહીં, ભાગવતધર્મી હશે તેવો તર્ક ઉપસ્થિત કર્યો નથી. વસ્તુપાલ સંબંધી તેઓ કુલધર્મે જૈન હોવાનાં ઢગલાબંધ પ્રમાણો મોજૂદ ન હોત તો શ્રી પંડ્યાએ શ્રીપાલ સંબંધમાં જે તર્કણા અને અભિગમ અપનાવ્યાં છે તેના અનુસરણમાં વસ્તુપાલને પણ વેદવાદી જ ઘટાવવા પડે.)
વડનગરના અનુલક્ષમાં ત્યાંના બ્રાહ્મણો અને ત્યાં વેદઘોષાદિના ઉલ્લેખો પણ વડનગરના વિશિષ્ટ દરજ્જાના સંદર્ભમાં સુસંગત છે. વડનગર નાગર-બ્રાહ્મણોનું જબરજસ્ત કેન્દ્ર હતું. ત્યાં વૈદિક ધર્મ અને બ્રાહ્મણોની બહુમતી જ નહીં, સર્વોપરિતા તેમ જ તેનું વડનગર સાથે એકત્વ હતું. ત્યાંના કર્મકાંડી વેદનિષ્ઠ બ્રાહ્મણોની ચતુર્દિશામાં પ્રસિદ્ધિ હતી. આનંદપુરના નગરદેવતા, હાટકેશરૂપે રહેલ, ભગવાન શંકરની ભારે પ્રતિષ્ઠા હતી. ૧૨મા શતકનાં ત્યાં અવશિષ્ટ રહેલાં જબ્બર તોરણો અને તેનું પ્રતિમાવિધાન દર્શાવે છે કે વડનગરમાં પણ રુદ્રમહાલયની બરોબરીનું એક મહાનું, હાલ વિનષ્ટ, મહામેરુ જાતિનું (મોટે ભાગે સિદ્ધરાજ કારિત) શિવમંદિર પણ હતું. બીજાં પણ અનેક પૌરાણિક દેવ-દેવીઓનાં મંદિરો ત્યાં હોવાનું સ્કન્દપુરાણના “નાગરખણ્ડ"થી સિદ્ધ છે. આ બધું જોતાં જે બ્રાહ્મણ પ્રાબલ્યયુક્ત પુરાતન નગરની રક્ષા ખાતર કુમારપાળ વપ્રની રચના કરાવે તેની પ્રશસ્તિમાં પ્રસંગોચિત યથાર્થવાદી ઉલ્લેખો આવે તેના આધારે પ્રશસ્તિકારના નિજી ધર્મનો નિર્ણય કરી શકાય નહીં.
નિ. એ. ભા. ૧-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org