________________
સંવેદનહીનતાની સજા
રાજકુમારી સુદર્શનાને મનમાં એવો મનોરથ થયો કે હું તીર્થની યાત્રા કરવા જાઉં.
રાજપુત્રી હતાં. માત્ર ઇચ્છા પ્રગટ કરે એટલી જ વાર ! બધો રસાલો તૈયાર થઈ ગયો. નોકર, ચાકર, રસોઈયા અને એવા અનેક સેવકો તૈનાતમાં હાજર હતા જ.
લાવલશ્કર સાથે એક પછી એક તીર્થ થવા લાગ્યાં.એક વાર એક ઘટના બની. સુદર્શન કુમારી રથમાં બેસતાં હતાં. દષ્ટિ માર્ગ પર રહે તે રીતે રથમાં બેઠક ગોઠવી હતી. એક તીર્થ છોડી બીજે તીર્થ જવાની તૈયારી થઈ હતી. એક પછી એક એમ ગામો આવતાં ગયાં. એવા એક ગામની ભાગળ બહારથી જ જે તીર્થે જવાનું હતું તે રસ્તે રસાલો ચાલ્યો. રસ્તા વચ્ચેથી એક નાગરાજ પસાર થતા હતા. એમની ગતિ સ્થિર અને સીધી હતી. પણ માણસની જાત. પોતાના ભયનો પડઘો એને સાપમાં દેખાયો.
રે ! માણસ ! રસાલાની આગળ ચાલતા માણસોએ ડાંગ ઉગામી. બે-ત્રણ ફટકે તો નાગરાજને યમસદને પહોંચાડી દીધા. સુદર્શના રાજકુમારીની નજરમાં આ ઘટના બની.
તેઓ જોતાં હતાં અને તેમના કર્મચારીઓએ નાગરાજની હિંસા કરી. રથના આગળના ભાગે રાજકુમારી બેઠાં હતાં. તેમની નજર માર્ગ પર હતી ને આ ઘટના બની. જોયું છતાં તેઓ કાંઈ ન બોલ્યાં. માણસોએ ડાંગ વડે ઘા કર્યા ત્યારે પણ ‘આવું ન કરાય’એટલું ય ન બોલ્યાં. આ ઘટના બની ત્યારે સુદર્શના કુમારીના આત્માએ પછીના ભવની ગતિ કરી અને આયુષ્યનો બંધ પડ્યો ! અને તે સમળીનો ભવ પામ્યાં. ભવિતવ્યતા સારી કે સમળીને પારઘીએ તીર માર્યું અને તે તરફડતી દેરાસરના પગથીઆ પર પડી.
એ સમળીને તરફડતી જોઈને કરુણાવશ મુનિ મહારાજે નવકાર મંત્ર સંભળાવ્યો. નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં નવા ભવના આયુષ્યનો બંધ પડ્યો તેમાં મંત્રના શબ્દના પ્રભાવે મનુષ્યનો ભવ પડ્યો. એટલે, વચ્ચે જે તિર્યંચ - સમળી - તરીકેના ભવનું કારણ, જ્યારે નાગની હત્યા થઈ રહી હતી ત્યારે તે મૌન રહ્યાં તે છે. યાદ રાખી લેવા જેવો પ્રસંગ છે અને ઉપદેશ છે. હિંસા કે આતંક નજરે દેખાય ત્યારે, ‘ ભાઈઓ ! આ શું કરો છે ? આવું ન કરાય !’ એટલું તો અવશ્ય કહેવું જોઈએ. આવા સમયે મૌન રહેવું એ પણ સંમતિ સૂચક છે એમ ઉપરના પ્રસંગથી પ્રમાણ થાય છે.
એવું ન થાય અને હિંસા અટકે એવી ભાવના હશે તો જ સંવેદના જીવતી રહેશે.
For Private & Personal Use Only
Jain Education International
૨૩૭
www.jainelibrary.org