________________
૧૯૨
મયણાસુંદરીના જીવનનો પહેલો પ્રસંગ; કવિએ સરસ રીતે તીર તાંકીને પહેલી જ કડીમાં કંડાર્યું છે. તીર સરસ રીતે તાક્યું છે. ભરી સભામાં હાક ગજવી તે વાત મૂકી છે. જીવનના પ્રારંભમાં એક નજરે અવળી બાજી લાગે તેને રજૂ કરવા માટે “ઉલ્કાપાત” શબ્દ વાપર્યો છે. સામે છેડે મલયાચલ' શબ્દ દ્વારા મયણાંના મનની સ્થિતિ દર્શાવી છે. પુણ્યથી શું મળે?' --આ પ્રશ્ન પિતા પૂછે છે. ભરી સભામાં પૂછે છે; મયણાને પૂછે છે. એ પ્રશ્નનો ઉત્તર, સિદ્ધાંતને આધારે સ્પષ્ટતાથી, નિર્ભીકપણે આપ્યો! મયણાંએ જે ઉત્તર આપ્યો તે સાહસ હતું. એણે એ સ્મિતભેર કર્યું! પિતા હાર્યા અને પોતે જીત્યા --આવી કોઈ ગણતરી ન હતી. પણ, “પિતાજી મ કરો જૂઠ ગુમાન.” આમ, અભિમાનને અળગું કરવાની વાત છે, અને એવું કહીને સરવાળે તેને સત્યની સ્થાપના કરવાનું જ કામ હતું. એમ કરવા જતાં ભલે તિરસ્કાર-જળથી નહાવું પડે, તો તે પણ શાંતિથી નહાઈ લીધું. રાજસભામાં, પાદપૂર્તિ કરવાના નિમિત્તે જે કાંઈ બન્યું તેની નોંધ લીધા પછી, મયણાં ઋષભદેવ ભગવાનને ભજે છે, મુનિચન્દ્ર મહારાજની પાસે જાય છે, તેણે દેવ અને ગુરુ પ્રત્યેની ભક્તિથી અંતરને રંગી દીધું છે તેની વાત સુંદર શબ્દોમાં મૂકી છે. આગળ, ચોથી કડીમાં તેના સમગ્ર જીવનને એક નજરમાં ભરી લઈને શબ્દો દ્વારા તેનું બયાન કર્યું છે. હૈયામાં રુદન હોય અને હોઠ ઉપર હાસ્ય હોય તેવું તે જીવી બતાવ્યું. સતી વ્રત પાળતાં-પાળતાં તે નરદમ અને અણનમ ઉલ્લાસ સાચવી જાણ્યો. જરૂર પડી ત્યાં ઝેર પણ પીવું પડ્યું અને તેણે તે પચાવી જાણ્યું. અને, તેવી સ્થિતિમાં હૈયામાં તો અમૃતની આશા રાખી હતી. સંસારની શરશય્યામાં મુક્તિનું ગાન ફૂટે તે તો મયણાસુંદરીના જીવનમાં જ બને! આવા મયણાસુંદરી માટેનું આ એક યાદગાર ગીત છે. કવિ તો, જાણીતા આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ છે. "
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org