________________
૧૪૬
નવપદની આરાધનાનું આલંબન તે બન્નેને જીવનભર ઉપકારક અને ઉપયોગી નીવડ્યું છે. તેઓ પણ સ્વનામવત્ તેને હૃદયમાં જડ્યું છે અને તે ફળ્યું છે.
સાંજ ઢળતી હતી. સૂર્ય નારાયણ પશ્ચિમના પર્વતોના ખોળે જઈ બેઠાં. પંખીઓ પોતાના માળા શોધી ઠરીઠામ થતાં હતાં. વાછરડાંને પણ પોતાની માવડીની ભાળ મળી. એ ગાવડીઓ તો ગામનું પાદર આવ્યું ત્યાં ઠેકડા મારતી વાડામાં પેસી ગઈ. માને જોઈ ખીલે બાંધેલાં, ઘેલાં વાછરડાની આંખોમાંથી આતુરતાનો થાક ઊતરી ગયો. રૂંવાટી ખડી થઈ ગઈ ! ગાયોનાં ધણની ખરીને અડીને ઉડતી રજથી આકાશ ભરાઈ ગયું.
એ આથમતા સૂરજની રતુંબડાં કિરણોની ઝાંયથી રંગાયેલી રજ, ઊડતા ગુલાલ જેવી લાગતી હતી. રામજી મંદિરમાં સંધ્યા-આરતીની ઝાલર બજતી હતી ત્યારે મયણાંએ અર્હત્ પ્રભુ સમક્ષ, મધુર તાલબદ્ધ ઘંટનાદ સાથે, પ્રદક્ષિણાવર્તે આરતી અને મંગળદીવો ધર્યો. એ આરતીના દીવાના ઝિલમિલ પ્રકાશમાં અને દીપમાલાની આછી રોશનીમાં પ્રભુજી ઑર સોહામણા લાગતા હતા.
મયણાંની આંખોમાં રહેલી મીન જેવી ચંચળતા ચાલી ગઈ. ભ્રમર જેવી મલિનતા ભાગી ગઈ. નેત્ર તો દરવાજા બની ગયા; પ્રભુજી એ રસ્તે મનમંદિરમાં પધારી ગયા. વાતાવરણમાં દશાંગધૂપની પવિત્ર મહેક તરતી હતી. તદ્રુપતાથી શરૂ થયેલી એ ભાવયાત્રા, પ્રમોદભાવમાં પર્યવસાન પામી.
સાસુજી કમલપ્રભા પાસે આવીને, સાંજના સમયે પ્રભુ સમક્ષની આરતી વખતે થયેલી અમૃતક્રિયાની વાત કરે છે. કહે છે કે આ અનુષ્ઠાનનું ફળ આજે, હમણાં અને અહીં મળશે. કુંવર આવશે ! આ શબ્દો સાંભળીને કમલપ્રભા જે મંગલ શબ્દો કહે છે તે યાદગાર છે ઃ
કમલપ્રભા કહે વત્સ તાહરી, જીભે અમૃત વસે સદા,
તાહરું વચન હોશે સુપ્રમાણ, ત્રિવિધ-પ્રત્યય તે સાધ્યો મુદ્દા
મયણાં અને શ્રીપાળ બન્ને ક્યારે પણ સરખાવી ન શકાય, સરખામણી ન કરાય તેવા અનન્ય છે. ગુલાબને એનાં રૂપ-રંગ-કદ-સુગંધ નિરાળાં છે. તો, જૂઈના રૂપ-રંગ-સુગંધ પણ ન્યારાં છે. કોઈ-એકને પહેલો નંબર ન આપી શકાય !
રાસકાર શ્રી વિનયવિજયજી મહારાજના વચનની નીચે સહી કરીને આ ગુણગાનને અલ્પવિરામ કરીએ. ભાગ્યવંત મયણાં સમી, નારી ન 'કો સંસાર; જેણે બેઉ કુલ ઉદ્ધર્યા, સતી શિરોમણિ સાર.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org