________________
પ્રેમ એ સુખ છે; અપેક્ષા એમાં વિઘ્ન છે
વિવિધ વિચિત્રતાથી ઉભરાતું આપણું મન છે. તેમાં સારા છે તેટલી જ, અધૂરપ પણ છે; તેટલી જ મલિનતા છે. આ બધું એક-સાથે જ રહે છે, વધે છે, વિકસે છે -- ગુલાબના મનોરમ ફૂલ અને તેની સાથેના અણિયાળા કાંટાની જેમ. શું એવી કોઈ તરકીબ હોઈ શકે કે, ફૂલની સુગંધ માણી શકાય અને કાંટાથી જાતને બચાવી શકાય ? એવું કોઈ કરી શકે, એને કળા જ કહેવાય ! સાધ્ય થઈ શકે એવી આ કળા છે. જેને જેને આપણે હૃદયથી ચાહીએ, પ્રેમ આપીએ, ત્યારે આપણને સુખનો અનુભવ થાય છે. એ પ્રેમ માણસ પ્રત્યે હોય કે પશુ-પક્ષી પ્રત્યે હોય, ત્યારે, બન્ને પક્ષે સુખનો અનુભવ થાય છે. પણ પેલા ગુલાબના ફૂલ સાથેના કાંટાની જેમ જો પ્રેમની સાથે જ એ વ્યક્તિ પ્રત્યે આપણા ચિત્તમાં અપેક્ષાના કંટકના અંકુરો પણ ઊગી જાય અને એ અપેક્ષા આપણા પ્રેમના પનાથીયે મોટા પનાની હોય અને તે ન સંતોષાય એટલે આપણને દુઃખ અને આઘાત લાગે. સરવાળે પ્રેમનું સુખ કરમાવા લાગે, નંદવાઈ પણ જાય.. પ્રેમ કરીએ -- પ્રેમ જ કરીએ, મૈત્રીનો માંડવો બાંધીએ, સાથે-સાથે અપેક્ષાના કાંટાથી સાવધ રહીએ -- ચિત્તને બને તેટલું તેનાથી બચાવીએ, તો પછી માખ વિનાનું મધ મળ્યા જ કરશે, મધુર મધ મળ્યા જ કરશે. આ અઘરું છે. આ એક પ્રકારની સાધના છે, પણ કરવા જેવી છે. તેમાં જો સિદ્ધિ સાંપડે તો, જીવન ઉન્નતિના આકાશને આંબવા લાગે. એવું કાંઈક કરીએ.
કનુ દેસાઈ
૨૮: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org