________________
સુંદર રીતભાત, એ ઉત્તમ જીવનનો ભાગ છે
ઉત્તમ શબ્દ ઉત્ અને તમ નો સમાસ છે. જે તમોગુણથી ઊંચે ઊડ્યા છે તે ઉત્તમ. તમોગુણના કેન્દ્રમાં “સ્વ” છે; જ્યારે એથી ઊંચે ઊડ્યા તેના કેન્દ્રમાં બીજાનો વિચાર છે. બીજાનો વિચાર આવતાંની સાથે જ, સ્વયંની રીતભાતમાં આપોઆપ સુંદરતા આવે છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જ્યારે, પારણાના દિવસે ગ્રામ-નગરમાં પધારતા ત્યારે જે શેરીમાં ઘરના બારણે કોઈ ભિક્ષુને ઊભેલા જુએ, તો પણ તેઓ તે શેરીમાં ન જતાં ત્યાંથી પાછા વળે તે તો બરાબર; પણ કોઈ કબૂતરને ચણ ચણતાં જુએ કે કોઈ ખિસકોલીને પાણી પીતી જુએ, તો પણ એ શેરીમાં ન જાય ! આટલી કાળજી અન્ય જીવોની તેઓ રાખતા ! કેવું ઔચિત્ય ! આપણે ત્યાં આવેલી વ્યક્તિ જ્યારે જાય, તે પછી આપણને તે વ્યક્તિ દેખાતી બંધ થાય, પછી જ ઘરનાં કમાડ વાસીએ. તેમાં તે વ્યક્તિ પ્રત્યેનો આદર છે. આમ કરવાથી, તે વ્યક્તિને કેવું ગમશે ! -- એ વિચાર આવા વર્તનનો પ્રાણ છે. શોભા તો આપણી જ વધે છે, સાથે શુભ સંસ્કાર પણ પ્રબળ બને છે. આ મુદ્દો બધે જ મહત્ત્વનો છે. સભામાં બેસવાની રીત કે જમણવારમાં બેસતી વખતે કે પગરખાં ઉતારતી વખતે, આ જ ખ્યાલ રાખવાનો છે: ‘અહીં વચ્ચે ઉતારવાથી બીજાને અગવડ પડશે માટે જરા દૂર, ભીંત પાસે ઉતારીએ.’ આવી ઝીણી-ઝીણી વાતો ઉત્તમ જીવનનો એક ભાગ છે. આવી સારી વર્તણૂકથી ઉત્તમ જીવનનું ઘડતર અને ચણતર થાય છે. આપણો જન્મ ઉત્તમ થવા માટે થયો છે, એ સદા યાદ રાખીએ.
કનુ દેસાઈ
ચિંતનઃ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org